ખંજવાળવાથી બળતરા થવા છતાં, લાભ પણ થાય છે

હેલ્થ બુલેટિન

Sunday 23rd March 2025 07:52 EDT
 
 

ખંજવાળવાથી બળતરા થવા છતાં, લાભ પણ થાય છે

ઘણી વખત શરીરમાં ખુજલી કે ખંજવાળ આવતી હોય છે અને પાછળથી તકલીફ થશે તે જાણવા છતાં આપણે ખંજવાળવાની અદમ્ય ઈચ્છાને રોકી શકતા નથી. જોકે, યુનિવર્સિટી ઓફ પીટ્સબર્ગના ડેનિયલ કેપ્લાને ‘જર્નલ સાયન્સ’માં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવ્યા મુજબ લગભગ દરેક પ્રાણીઓ ખંજવાળે છે. આથી, તેનો ઉત્ક્રાંતિ લાભ હોઈ શકે છે. બધાએ અનુભવ્યું હશે કે મચ્છર કરડે અને જો તમે ત્યાં ન ખંજવાળો તો ડંખની અસર થોડી વારમાં જતી રહે છે. જો તમે ખંજવાળો તો ત્યાં બળતરા વધી જાય છે. ઘણી વાર ઈમ્યુન સિસ્ટમનું બેલેન્સ નાજૂક હોય છે. તે ચેપને અટકાવવા સક્રિય હોવાં સાથે એટલું પણ સક્રિય રહેતું નથી જેનાથી નુકસાન થાય. કેપ્લાન અને તેમના સાથીઓને જણાયું હતું કે ત્વચાના ચેપ સાથે સંકળાયેલા બેક્ટેરિયાનું પ્રમાણ ખંજવાળવાના કારણે ઘટી ગયું હતું. એટલે ખંજવાળવાનું દેખીતી રીતે રક્ષણાત્મક પણ હોય છે. એક જ ઘટનામાં બે બાબત સમાયેલી છે તેનાથી ઈજા વકરે છે અને બીજી તરફ, તે પેથોજન્સ સામે રક્ષણ પણ આપે છે. અન્ય કેટલીક થીઅરીઝ અનુસાર ખંજવાળવાનું મિકેનિઝમ જંતુઓ અને પેરેસાઈટ્સ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

•••
વજન ઘટાડવામાં વેઈટ લિફ્ટિંગ મદદરૂપ

તમારા કોઈ પણ કસરતના રુટિનમાં ફિટનેસ અને સમગ્રતયા તંદુરસ્તીને સુધારવા માટે વેઈટ લિફ્ટિંગ મહત્ત્વ ધરાવે છે. અસરકારક વેઈટ લિફ્ટિંગથી કેલરીને બાળવામાં, મેટાબોલિઝમને પ્રોત્સાહિત કરવામાં તેમજ સ્નાયુઓનો જથ્થો જાળવી રાખીને વજન ઘટાડાના પ્રયાસોમાં મદદ મળે છે. અન્ય લાભમાં શક્તિમાં સુધારો, હાડકાંની ઘનતા, સંતુલન અને હલનચલનમાં સુધારાનો પણ સમાવેશ થાય છે. તમારા વર્કઆઉટની તીવ્રતા, વર્કઆઉટમાં વીતાવેલા સમય તેમજ વય, જાતિ, શારીરિક વજન સહિત અન્ય પરિબળો પર આધાર રાખીને પ્રતિ લિફ્ટિંગ સેશનમાં 200થી 400 અથવા વધુ કેલરીઝ બાળવાની અપેક્ષા રાખી શકો છો. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)ના અંદાજ અનુસાર 154 પાઉન્ડ (69.85 કિ.ગ્રામ)ની વ્યક્તિ હળવા વેઈટલિફ્ટિંગ વર્કઆઉટ પ્રતિ કલાક થકી 220 કેલરીઝ બાળી શકે છે જ્યારે સખત વેઈટ લિફ્ટિંગ વર્કઆઉટથી 440 કેલરીઝ બાળી શકાય છે. સ્ત્રીઓની સરખામણીએ પુરુષો વધુ કેલરીઝ બાળી શકે છે તેનું કારણ તેમના શરીરનું કદ અને સ્નાયુઓનો જથ્થો વધારે હોય છે. આ ઉપરાંત, ટેસ્ટોસ્ટેરોન નામના પૌરુષી હોર્મોનના લીધે પણ કામકાજ કરવા માટે વધુ શક્તિની જરૂર પડે છે. શરીરને ઈજા ના પહોંચે અને પૂરતો લાભ મેળવી શકાય તે માટે વજનના યોગ્ય પ્રકાર અને ધીરે ધીરે ઉઠાવવાના વજનનો ઉપયોગ કરવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter