લંડનઃ હુમલા અથવા યૌનશોષણ કે હિંસાના અનુભવોના આઘાતના પગલે ૧૨ વર્ષ જેટલી વયના બાળકો પણ આપઘાતના પ્રયાસ કરી રહ્યા છે. કિંગ્સ કોલેજ લંડનના વ્યાપક અને ચિંતાજનક અભ્યાસ અનુસાર ત્રીજા ભાગના (૩૧ ટકા) લોકોને બાળપણમાં આઘાતજનક અનુભવો થયા હોય છે. આ લોકોમાં માનસિક વિકૃતિ આવે તેવી શક્યતા બમણી રહે છે. બાળકો પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)નો ભોગ બન્યાં પછી આપઘાતના પ્રયાસ કરે છે. યુકેમાં ૧૩માંથી એક બાળક ૧૮ વર્ષની વય પહેલાં PTSDનો ભોગ બને છે.
ધ લાન્સેટ સાઈકિયાટ્રી જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૯૯૪-૧૯૯૫ના ગાળામાં જન્મેલાં ૨૦૦૦થી વધુ બાળકોને ધ્યાનમાં લેવાયાં હતાં. કુલ ૭.૮ ટકા બાળકોએ ૧૮ વર્ષની વય પહેલા PTSDનો અનુભવ કર્યો હતો. જોકે, આ જૂથના પાંચમાંથી એક (૨૦.૬ ટકા) બાળકે ગયા વર્ષે માનસિક આરોગ્ય પ્રોફેશનલની મદદ લેવી પડી હોવાનું સ્વીકાર્યું હતું.
આઘાત પહોંચાડનારા અનુભવોમાં હુમલા, ઈજા, જાતીય શોષણ સહિતના અનુભવોનો સમાવેશ થાય છે. જાતીય હુમલા અનુભવનારા ૭૪ ટકા યુવા વર્ગ PTSDનો શિકાર બન્યો હતો. ૧૫.૯ ટકા શરાબના વ્યસની બન્યા હતા. અને ચારમાંથી એક (૨૫ ટકા) તો ૧૮ વર્ષની વય સુધી શિક્ષણ, રોજગાર કે તાલીમ મેળવી શક્યા નહિ અને લગભગ અડધાએ સામાજિક બહિષ્કાર કે એકલતા અનુભવી હતી.