લંડનઃ સારી લાઈફ સ્ટાઈલ આયુષ્ય વધારે છે તો ખરાબ લાઈફસ્ટાઈલ વ્યક્તિના આરોગ્ય માટે અપાર જોખમ સર્જે છે. વધુ વજન ધરાવતી વ્યક્તિને વધારાના દર બે પાઉન્ડ વજનથી તેમના આયુષ્યમાં બે મહિનાનો ઘટાડો થાય છે, તેમને કોરોનરી આર્ટી ડિસીઝનું જોખમ વધે છે. ફર્ધર એજ્યુકેશનમાં દરેક વધારાનું વર્ષ વ્યક્તિના જીવનના ૧૨ મહિના વધારે છે, જ્યારે દિવસનું એક પેકેટ સિગારેટ પીવાથી આયુષ્યમાં સાત વર્ષનો ઘટાડો થાય છે. બ્લડ કોલેસ્ટરોલના સ્તરમાં સંકળાયેલા જનીન જીવનના આઠ મહિના ઘટાડે છે.
યુનિવર્સિટી ઓફ એડિનબરાના અભ્યાસ સંશોધક ડો પીટર જોશીએ જણાવ્યું હતું કે,‘અમારા અભ્યાસમાં લાઈફસ્ટાઈલની પસંદગીની અસરો તપાસી હતી. વજનમાં એક કિલોગ્રામ ઘટાડવાથી આયુષ્ય બે મહિના વધે છે.’ સહલેખક ગ્લાસગો યુનિવર્સિટીના પ્રોફેસર નાવીદ સત્તારે કહ્યું હતું કે વજન વધવા સાથે બ્લડ પ્રેશર, બ્લડ ફેટ્સ અને ડાયાબીટિસનું જોખમ આવે છે જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે. આપણે વિશ્વમાં સૌથી પાતળા લોકોના દેશ જાપાન પાસેથી શીખવું જોઈએ, જ્યાં સૌથી વધુ આયુષ્ય ધરાવતા લોકો જોવા મળે છે.’
સંશોધકોએ યુરોપ, ઓસ્ટ્રેલિયા અને નોર્થ અમેરિકાના કુલ ૬૦૬,૦૫૯ લોકોને આવરી લેતા ૨૫ અભ્યાસોનું વિશ્લેષણ કર્યું હતું. અભ્યાસમાં ભાગ લેનારાની જીનેટિક અને આયુષ્ય વિષયક માહિતીની તપાસ કરાઈ હતી. વધુ પડતું વજન અને સ્મોકિંગ લોકોનું આયુષ્ય ઘટાડે છે. વધુ વજન ધરાવતા લોકો કોરોનરી આર્ટરી ડિસીઝનો શિકાર બને છે. જીનેટિક્સની વાત કરીએ તો, બ્લડ કોલેસ્ટરોલના સ્તરને અસર કરતું જનીન વ્યક્તિનું આયુષ્ય આઠ મહિના ઘટાડી શકે છે. મેદસ્વી લોકોનાં અકાળે મોત સંભંધી અભ્યાસો પણ ખામીપૂર્ણ છે. માત્ર વજનને દોષ આપી શકાય નહિ. બિનસ્વાસ્થ્યપ્રદ ખોરાક, ઓછી કસરત અને વધુ આલ્કોહોલના સેવનની આદતો પણ મોતનું જોખમ વધારે છે.