મોટા ભાગના લોકો ખાંડ, મીઠું, આલ્કોહોલ-વાઈન અને કોફીનો ઉપયોગ કરતા જ હોય છે પરંતુ, આપણા શરીર પર તેની વાસ્તવિક અસરથી આપણે અજાણ હોઈએ છીએ. આમ પણ, કોઈ ખાદ્યપદાર્થ જરૂરી માત્રામાં લેવાય તો જ તેની સારી અસર જોવાં મળે છે અને વધુ માત્રામાં તે હાનિકારક અને જોખમી બને છે. ખાંડ, મીઠું, આલ્કોહોલ -વાઈન અને કોફી બાબતે પણ આ સાચું જ છે.
• ખાંડઃ દૂધ, આખાં ફળ અને શાકભાજીમાં કુદરતી મળી આવતી ખાંડને આહારમાં સમાવીએ તો કશું ખોટું નથી પરંતુ, પીણાં અને ખોરાકમાં ઉમેરાતી કોઈ પણ પ્રકારની સુગરને ‘ફ્રી સુગર્સ’ કહેવાય છે તેનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. ખોરાકના લેબલ્સ પર ફ્રી સુગર્સનો ઉલ્લેખ મધ, સિરપ્સ, ફ્રૂટ જ્યુસ, મોલાસીસ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ તરીકે કરવામાં આવે છે. વલિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ભલામણ એવી છે કે ફ્રી સુગર્સમાંથી મળતી કેલરી કુલ કેલરીઝના 5 ટકાથી વધુ હોવી ન જોઈએ. જ્યારે NHS અનુસાર વયસ્કોએ પ્રતિ દિન 30 ગ્રામથી વધુ ફ્રી સુગર્સ લેવી ન જોઈએ તેમજ 7-10 વયજૂથના બાળકો માટે આ પ્રમાણ 24 ગ્રામ પ્રતિ દિવસથી વધવું ન જોઈએ. તમને ખ્યાલ પણ ન રહે તેવી રીતે તમે ખાંડવાળા ખોરાક અને પીણાંનો ઉપયોગ કરતા રહો છો. બ્રિટિશ ન્યૂટ્રિશન ફાઉન્ડેશન દ્વારા જારી કરાયેલી યાદી મુજબ ગળ્યાં ફ્રૂટ યોગર્ટના એક પોટમાં (11.3g), લેમન ડ્રિઝલ કેકની એક સ્લાઈસ (21.3g) અને એક ડાઈજેસ્ટિવ બિસ્કિટમાં (2.7g) ફ્રી સુગર્સ હોય છે. સ્થૂળતા, કેન્સર, મેટાબોલિક ડિસઓર્ડર્સ, કાર્ડિયોવાસ્કુલર ડિસીઝ ડિપ્રેશન અને જ્ઞાનેન્દ્રિયોની ખરાબી જેવા રોગો અને પરિસ્થિતિઓ ફ્રી સુગર્સ સાથે સંકળાયેલી હોવાનું ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના આરોગ્ય નિષ્ણાતોનું યુકે કેમ્પેઈન ગ્રૂપ કહે છે.
• મીઠુંઃ યુકેને સામાન્યપણે સોલ્ટ લવર્સનો દેશ કહેવામાં આવે છે. ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનસ્થિત કેમ્પેઈન ગ્રૂપ એક્શન ઓન સોલ્ટ અનુસાર સરેરાશ બ્રિટિશ વયસ્ક વ્યક્તિ પ્રતિ દિવસ આશરે 8.1 ગ્રામ (ઘણા લોકો આનાથી પણ વધારે પ્રમાણમાં) મીઠું ઉપયોગમાં લે છે. બે દાયકા અગાઉ આ પ્રમાણ 9.5 ગ્રામ હતું. આરોગ્ય નિષ્ણાતો વધુમાં વધુ પ્રતિ દિન 6 ગ્રામની ભલામણ કરે છે. આપણું શરીર સારી કામગીરી બજાવી શકે તે માટે મીઠું આવશ્યક છે પરંતુ, તેનું પ્રમાણ વધી જાય તો હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક માટે જવાબદાર ગણાતા લોહીના ઊંચા દબાણ સાથે તે સંકળાય છે. બ્લડ પ્રેશર યુકે ચેરિટી અનુસાર યુકેમાં મીઠાંનો વધુ વપરાશ હાઈ બ્લડ પ્રેશર માટે સૌથી મોટું કારણ છે. મીઠાંથી બ્લડ પ્રેશરની દવાઓ પણ ઓછી અસરકારક નીવડે છે. જર્નલ ઓફ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રસિદ્ધ રિવ્યૂ પેપર મુજબ વધુપડતા મીઠાંવાળો આહાર હાર્ટ ડિસીઝ, જઠરનું કેન્સર, પેટ ફૂલી જવું અને કિડનીના રોગ સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત, કિડનીમાં પથરી, રોગ પ્રતિકાર શક્તિમાં ઘટાડો, ઓસ્ટીઓપોરોસિસનું જોખમ પણ વધે છે.
• કોફીઃ કોફીમાં સેંકડો પ્રકારના પ્લાન્ટ્ ઘટકો અને એન્ટિઓક્સિડેન્ટ્સ રહેલા છે જે આપણા આરોગ્ય અને પેટને લાભદાયી નીવડે છે અને વધુ પ્રમાણમાં ન પીવાય તો મોટા ભાગના લોકો માટે તે જોખમરહિત હોય છે. જોકે, દિવસમાં ચારથી વધુ કપ કોફી પીવાય તો સમસ્યા ઉભી થાય અને સ્ટ્રોકનું જોખમ 37 ટકા વધે છે તેમ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સ્ટ્રોકમાં પ્રસિદ્ધ અભ્યાસ જણાવે છે. ચાની સરખામણીએ કોફીમાં વધુ સંરક્ષક એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે પરંતુ, તેને શેકવામાં આવે ત્યારે લાભદાયી પોષકતત્વો ઘટી જાય છે. જો તમે હાઈપરટેન્શનથી પીડાતા હો તો કોફીથી જોખમ વધી જાય છે. 18,600થી વધુ સ્ત્રી-પુરુષોના અભ્યાસમાં જણાયું હતું કે કોફી નહિ પીનારા લોકોની સરખામણીએ દિવસમાં કોફીના બે અથવા વધુ કપ પીવાથી હાઈપરટેન્શન સાથેના લોકોમાં કાર્ડિયોવાસ્કુલર રોગથી મોતનું પ્રમાણ બમણું હોય છે. ધ રોયલ ઓસ્ટીઓપોરોસિસ સોસાયટી અનુસાર વધુ કોફી પીવાથી લોકોમાં યુરિનમાં કેલ્શિયમ જવાનું પ્રમાણ વધે છે. આથી, તમે ઓછું કેલ્શિયમ લેતા હો તો દિવસમાં ચાર કપથી ઓછી કોફી પીવાનું લક્ષ્ય રાખવું જોઈએ. કોફીમાં રહેલું ટેનિન તત્વ આયર્ન એટલે કે લોહ તત્વ સાથે જોડાય છે અને શરીર દ્વારા લોહ તત્વના શોષણમાં અવરોધ ઉભો કરે છે. આથી, કોફી સાથે આયર્નથી સમૃદ્ધ ખોરાક લેવાનું ટાળવું જોઈએ.
• આલ્કોહોલઃ યુકે આરોગ્ય નિષ્ણાતો દ્વારા સૂચવાયેલી પ્રતિ સપ્તાહ 14 યુનિટની મહત્તમ મર્યાદાથી નીચે કોઈ પણ પ્રકારના આલ્કોહોલનું સેવન કરતા હો તેમ છતાં, તેનું પ્રમાણ ઘણું વધારે છે. સંશોધકોએ યુકે બાયોબેન્કના ડેટાબેઝમાં 400,000 લોકોના આલ્કોહોલ સેવન પર નજર નાખી ત્યારે તેમને જણાયું હતું કે આલ્કોહોલનું ઓછું સેવન કરવામાં આવે તો પણ હાઈપરટેન્શન અને કોરોનરી આર્ટરી ડિસીઝ સહિત કાર્ડિયોવાસ્કુલર ડિસીઝનું જોખમ વધેલું જ રહે છે. ˘
‘જામા નેટવર્ક ઓપન’ માટે લગભગ 5 મિલિયન લોકોની આહાર આદતોની તપાસ કરવામાં આવી ત્યારે જણાયું હતું કે કોઈ પણ પ્રકારના આલ્કોહોલનું ઓછું સેવન પણ કોઈ કારણથી અકાળે મોત સામે રક્ષણ આપતું નથી. આલ્કોહોલનું પાચન થાય ત્યારે તેમાંથી ઝેરી સંયોજન એસિટાલ્ડિહાઈડ (acetaldehyde) પેદા થાય છે જે કોષોને નુકસાન કરવા ઉપરાંત, સ્ટ્રેસ, સોજા-ઈન્ફ્લેમેશન અને સેલ્યુલર ડેમેજ ઉભુ કરે છે જે કાર્ડિયોવાસ્કુલર અને લિવરની સમસ્યાઓ વધારે છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC)ના વર્ગીકરણ મુજબ એસિટાલ્ડિહાઈડ ગ્રૂપ 1 કાર્સિનોજેન છે.