ખૂબ જ પૌષ્ટિક અને શક્તિવર્ધક છે ચારોળી

Sunday 24th January 2021 07:01 EST
 
 

ભારતીય પરિવારોમાં જ્યાં દૂધ પાક બનતો હશે તેઓ ચારોળીથી અવશ્ય પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. તે સિવાય દૂધ, દૂધની વાનગીઓ અને દૂધની મીઠાઇઓમાં પણ ચારોળી છૂટથી વપરાય છે. આયુર્વેદમાં તેને પ્રિયાલ, ચાર, બહુલવલ્કલ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ વખતે આ ચારોળીનાં ઔષધીય ગુણકર્મો અને ઉપયોગો વિષે આયુર્વેદની દૃષ્ટિએ થોડું જાણીએ.
• ગુણકર્મોઃ ચારોળીનાં મધ્યમ - મોટા વૃક્ષો ભારતનાં સૂકા પ્રદેશો, હિમાલય, મધ્ય તથા દક્ષિણ ભારત, ઓરિસ્સા તથા છોટા નાગપુરના પહાડોમાં ૩૦૦૦ ફૂટની ઊંચાઇ સુધી જોવા મળે છે. આ વૃક્ષોને નાના નાના ફળો આવે છે. જેમાં તુવેર જેવડા લાલ રંગના દાણા હોય છે. આ દાણા તે જ ચારોળી. બદામની જેમ તેમાંથી તેલ પણ નીકળે છે.
આયુર્વેદ અનુસાર, ચારોળી સ્વાદમાં મધુર, શીતળ, પચવામાં ભારે. ચીકાશયુક્ત, વાત અને પિત્તશામક, ત્વચાનાં વર્ણને સુધારનાર, હૃદય માટે હિતકારી, કામશક્તિવર્ધક, બળપ્રદ, દાહશામક, રક્તવૃદ્વિ અને શુદ્વિકર છે. તે વાયુના રોગો, રક્તનાં રોગો, શીર-શૂળ, શુક્રાણુઓની દુર્બળતા, હૃદયની નબળાઇ, સોજા અને જૂના તાવને મટાડનાર છે. ચારોળીનું તેલ મધુર, થોડું ગરમ, કફ કરનાર અને વાત-પિત્તાશામક છે.
રાસાયણિક દૃષ્ટિએ જોઇએ તો, ચારોળીમાં પ્રોટીન ૨૧.૬ ટકા, સ્ટાર્ચ ૨૧.૧ ટકા તથા કોર્બોહાઇડ્રેટ ૫ ટકા હોય છે. તેમાં ૫૧.૮ ટકા સ્થિર તેલ હોય છે, જેને ચારોળીનું તેલ કહે છે.

• ઉપયોગોઃ આયુર્વેદના મહર્ષિ સુશ્રુતે ચારોળી પૌષ્ટિક અને કામશક્તિવર્ધક કહી છે. નબળાઇ જણાતી હોય તેમણે ચારોળીનાં દસ દાણા અને એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ લઇ વાટી લેવા. એક ગ્લાસ દૂધમાં એક ગ્લાસ પાણી મેળવી તેમાં વાટેલું મિશ્રણ ઉમેરીને ધીમા તાપે ઉકાળવું. ફક્ત દૂધનો ભાગ બાકી રહે ત્યારે ઉતારી, ઠંડું પાડી, સાકર મેળવીને પી જવું. આ રીતે સવાર-સાંજ દૂધ બનાવીને ત્રણેક મહિના સુધી પીવાથી કામશિથિલતા દૂર થઇ શક્તિ આવે છે.
શરીરના કોઇ પણ ભાગમાં રક્તસ્ત્રાવ થતો હોય તેમાં ચારોળીનું સેવન લાભદાયક છે. ચારોળી મધુર અને પિત્તશામક હોવાથી રક્તસ્ત્રાવને મટાડે છે. રક્તસ્ત્રાવની તકલીફ વેળા પાંચ-પાંચ ગ્રામ ચારોળી અને જેઠીમધનું ચૂર્ણ લઇને વાટી લેવું. એક ગ્લાસ દૂધમાં એટલું જ પાણી અને આ મિશ્રણ મેળવીને ઉપર મુજબ પાક કરી લેવો. ઠંડુ પાડી સાકર ઉમેરી આ દૂધ પી જવું. આ પ્રમાણે સવાર-સાંજ બે વખત કરવું, આહારમાં તીખા અને ગરમ પદાર્થો ન લેવા. આ ઉપચારથી શરીરનાં ઉપર કે નીચેના માર્ગેથી રક્તસ્ત્રાવ થતો હોય તે મટે છે.
આયુર્વેદના મહર્ષિ ચરકે ચારોળીને ઉદર્દનું શમન કરનાર કહી છે. ઉદર્દ એક ચામડીનો રોગ છે, જેમાં ચામડી પર નાના નાના ચકામા થાય છે. વચ્ચેથી દબાયેલા અને કિનારી પર ઉપસેલા હોય છે. ખંજવાળ પણ ખૂબ આવે છે. સાંજે-રાત્રે ચકામા તથા ખંજવાળમાં વધારો થાય છે. આ રોગમાં ચારોળીને પાણીમાં વાટી તેનો ચકામા પર લેપ કરવાથી ચકામા બેસી જાય છે. ખંજવાળમાં પણ રાહત થાય છે.
લક્વા અને વાયુના અન્ય રોગોમાં ચારોળી હિતકારી છે. ચારોળી, ચિલગોજા અને પિસ્તા સરખા વજને લાવીને એક સાથે પીસીને તેમાં મધ મેળવી લેવું. લક્વા કે વાયુથી રોગોથી પીડાતી વ્યક્તિને એકથી બે ચમચી આ મિશ્રણ ગાયના દૂધ સાથે આપવું. સાથે સાથે લકવા-વાયુ માટે અન્ય ઔષધો પણ આપવા. સારો લાભ થશે.
મહર્ષિ ચરકે ચારોળીને શ્રમ-થાકનાશક પણ કહી છે. ચારોળી મધુર હોવાથી શક્તિ આપનાર તથા ધાતુઓની પુષ્ટી કરનાર છે. થાકીને આવ્યા હો ત્યારે એક ગ્લાસ દૂધમાં ચારોળી અને સાકર મેળવી, ઉકાળી ઠંડુ પાડીને પીવાથી થાક દૂર થાય છે. આ ઉપચાર પ્રયોગ શક્તિ અને સ્ફૂર્તિ આપનારો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter