• ખોરાક બરાબર ચાવવાથી બ્લડ ગ્લુકોઝ લેવલ નીચું રહે
આપણે નાનપણથી જ શીખ્યા છીએ કે ખોરાક બરાબર ચાવીને જ ખાવો જોઈએ. વાસ્તવિકતા એ છે ખોરાકનું પાચન મુખમાંથી જ શરૂ થાય છે. ચાવવાથી લાળનું પ્રમાણ વધે છે અને ખોરાકના પોષક તત્વો સહેલાઈથી શોષવામાં મદદ મળે છે. ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવનારા લોકો માટે તો આવી સલાહ ખાસ અપાય છે. PLOS Oneમાં પ્રકાશિત અભ્યાસ મુજબ ખોરાકને બરાબર ચાવવાથી બ્લડ ગ્લુકોઝ લેવલ નીચું રાખવામાં મદદ મળે છે. દાંત ખરાબ હોય કે તૂટેલા હોય કે ન હોય ત્યારે ચાવવામાં ભારે તકલીફ પડે છે અને આવા લોકોને બ્લડ ગ્લુકોઝ લેવલ પર કાબુ રાખવામાં મુશ્કેલી નડે છે. તુર્કીના ઈસ્તંબુલમાં ટાઈપ 2 ડાયાબિટીસ સાથેની 94 વ્યક્તિ પર અભ્યાસ કરાયો હતો જેમને સારી રીતે ચાવી શકાય તેવા દાંત સાથેના અને બરાબર ચાવી ન શકાય તેવા દાંત સાથેની વ્યક્તિઓ એમ બે ગ્રૂપમાં વહેંચી દેવાયા હતા. આ બંને ગ્રૂપના લોકોને સરેરાશ બ્લડ સુગર માપવા માટે HbA1c ટેસ્ટિંગનો સહારો લેવાયો હતો. અભ્યાસમાં જણાયું હતું કે જેઓ ખોરાકને બરાબર ચાવી શકતા ન હતા તે જૂથના લોકોના HbA1c લેવલ 2 ટકા વધુ હતા. ખોરાક બરાબર ચાવનારા લોકોનું HbA1c લેવલ 7.48 હતું જ્યારે ખોરાક બરાબર ચાવી ન શકનારા લોકોના ગ્રૂપ માટે આ લેવલ 9.42 જોવાં મળ્યું હતું. અગાઉના સંશોધનો મુજબ ડાયાબિટીક પેશન્ટ્સમાં HbA1c લેવલમાં 1 ટકાનો વધારો પણ કાર્ડિયોવાસ્કુલર અથવા ઈસ્કેમિક હાર્ટ ડિસીઝનું જોખમ 40 ટકા વધારે છે. જો આટલો જ ઘટાડો થાય તો આ જોખ 50 ટકા ઘટે છે.
---------------------
• પોપકોર્ન એ સારો નાસ્તો છે
આપણે સામાન્યપણે ફિલ્મો જોવા જઈએ ત્યારે જ પોપકોર્ન ખાતા હોઈએ છીએ પરંતુ, પોપકોર્ન એ સારો નાસ્તો છે. કોર્ન અથવા મકાઈ આખું ધાન છે જેમાં મેગ્નેશિયમ, પોટાશિયમ, વિટામીન્સ એ, બી અને ઈ જેવાં પોષક તત્વો મળે છે. મીઠું નહિ નાખેલા એક કપ પોપકોર્નમાં ચરબી (1 ગ્રામથી ઓછી), કોલેસ્ટરોલ (0 મિલિગ્રામ), ફાઈબર (1.21 ગ્રામ), કાર્બોહાઈડ્રેટ્સ (6.23 ગ્રામ), સોડિયમ (1 મિલિગ્રામ), પ્રોટીન (1 ગ્રામ) તેમજ 30 કેલરી મળે છે. પોપકોર્નમાં એન્ટિઓક્સિડેન્ટ પોલીફિનોલ્સ પણ મળે છે. મકાઈ જેવાં આખા ધાન લેવાથી કોરોનરી હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કેટલાક પ્રકારના કેન્સર થવાનું જોખમ ઘટે છે. જોકે, પોપકોર્નમાં તમે કેવાં તેલનો ઉપયોગ કરો છો તે પણ મહત્ત્વની બાબત છે. ઓલિવ ઓઈલ, કેનોલા ઓઈલ, સીંગતેલ, સફ્લાવર ઓઈલ અને તલના તેલ જેવી મોનોસેચ્યુરેટેડ ફેટ્સ ધરાવતા ઓઈલનો ઉપયોગ આરોગ્યપ્રદ ગણાય છે. તમે તેમાં મરી કે તજ જેવા મસાલા અને ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. પોપકોર્નમાં ઉપરથી ખાંડ અને મીઠાંનો ઉપયોગ તેના પોષણમૂલ્યો ઘટાડે છે.
---------------------