લંડનઃ તંદુરસ્ત રહેવું તે સરળ બાબત છે. પાણી કે પ્રવાહી પીતી વેળાએ સ્ટ્રોનો ઉપયોગ ટાળો અને ઠંડું આઈસ્ડ પાણી તો પીઓ જ નહિ. જમતી વેળાએ ટેલિવિઝન જોતા હોઈએ તો કેટલું ખવાય છે તેનું ભાન રહેતું નથી. આ ઉપરાંત, ખોરાકને સૂંઘીને ખાઓ તેમ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સાઈકોલોજિસ્ટ પ્રોફેસર ચાર્લ્સ સ્પેન્સ કહે છે. તેમના મતે તંદુરસ્ત આદતો કેળવવા માટે મગજને મૂર્ખ બનાવવું જોઈએ. ઓછી કેલરી સાથેનો ખોરાક લઈને પણ સંતોષ મેળવી શકાય છે.
પ્રોફેસર સ્પેન્સ તેમના પુસ્તક ‘ગેસ્ટ્રોફીઝિક્સ’માં કહે છે કે ખોરાકની સોડમ અને દેખાવને વધુ મહત્ત્વ આપો, જેથી હવે ખાવાનું બંધ કરવું જોઈએ તેવી સ્પષ્ટ સૂચના મગજ આપી શકે. સ્ટ્રોથી પ્રવાહી પીવાય તો ડ્રિન્કની સુગંધ મગજને પહોંચતી નથી, જેના પરિણામે વધુ પડતાં પ્રમાણમાં પીવાય છે. તમારા ખોરાકની સાથે ઠંડું આઈસ્ડ પાણી તો પીશો જ નહિ કારણકે ઠંડું પાણી જીભના ટેસ્ટ બડ્સ-સ્વાદાંકુરને સુન્ન બનાવી દે છે. જમતી વેળાએ ઠંડું પાણી તમને વધુ મીઠાઈ કે ગળપણ ખાતાં કરી દે છે.
પ્રોફેસર ચાર્લ્સ સ્પેન્સ તો જમવાની ક્રોકરી બદલી નાખવાનું સૂચન કરે છે. તેમણે નાની અને ખાસ કરીને લાલ રંગની પ્લેટમાં જમવાની સલાહ આપી છે. લાલ રંગ મગજને ઓછો ગમે છે અને તેના લીધે ભૂખ ઓછી હોવાની લાગણી થાય છે. સામાન્ય કરતા મોટી પ્લેટમાં જમવાથી અજાણતા જ ૪૦ ટકા વધુ ખોરાક લેવાય છે.