લંડનઃ ગયા વર્ષે ઈંગ્લેન્ડની NHS હોસ્પિટલોમાં પથારી, સ્ટાફ અથવા સાધનોની અછતના કારણે લગભગ ૭૦,૦૦૦ જેટલા ઓપરેશન્સ રદ કરી દેવાયા હતા. લેબર પાર્ટીએ આ આંકડાને કૌભાંડ સમાન ગણાવ્યો હતો. ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન આધારિત પ્રાપ્ત માહિતીમાં હોસ્પિટલોએ જણાવ્યું હતું કે ૨૦૧૭-૧૮માં ૨૧૪,૦૦૦ નોન-ક્લિનિકલ કેન્સલેશન્સ થયા હતા. ૧૭૦ ટ્રસ્ટ્સમાંથી ૧૩૮ ટ્રસ્ટે જ માહિતી આપી હોવાથી આંકડો વધુ હોવાની શક્યતા છે.
ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન અંતર્ગત ડેઈલી મિરર અખબારે ઈંગ્લેન્ડની NHS હોસ્પિટલોમાં કેટલા ઓપરેશન્સ રદ કરાયા તેની માહિતી ૧૭૦ ટ્રસ્ટ પાસે માગી હતી, જેમાંથી ૧૩૮ ટ્રસ્ટોએ માહિતી આપી હતી. માહિતી સંપૂર્ણ ન હોવાથી આંકડો વધુ હોવાની શક્યતા છે. ઓપરેશન્સ રદ થવાથી હજારો લોકોએ લાંબી રાહ જોવા સાથે તેમના સ્વાસ્થ્ય માટે મોટા જોખમની ચિંતા અને પીડા સહન કરવાં પડ્યાં હતાં.
આ ટ્રસ્ટોએ જણાવ્યું હતું કે ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૨૧૪,૦૦૦ નોન-ક્લિનિકલ કેન્સલેશન્સ થયા હતા, જે તેની અગાઉના વર્ષ કરતાં નવ ટકા અને ૨૦૧૩-૧૪ના વર્ષમાં નોંધાયેલા ૧૬૬,૦૦૦ કેન્સલેશન્સ કરતાં ૨૯ ટકા વધુ હતા. ગયા વર્ષે હોસ્પિટલોમાં પથારી, સ્ટાફ અથવા સાધનોની અછતના કારણે લગભગ ૭૦,૦૦૦ જેટલા ઓપરેશન્સ રદ કરી દેવાયા હતા. હોસ્પિટલોએ જણાવ્યું હતું કે પથારીના અભાવે ૨૯,૮૬૯ (૨૦૧૩-૧૪માં ૧૮,૭૮૩), સ્ટાફની અછતથી ૨૯,૫૫૦ તેમજ સાધનો અને ઓપરેશન થિયેટર્સ ન મળવાથી ૧૦,૩૩૪ પ્રોસીજર્સ રદ કરવામાં આવી હતી.