ગરમ પાણી, ઊંઘ અને નિષ્ક્રિયતાનો અતિરેક તો...

શિયાળામાં ઇમ્યુનિટી ઘટશે અને સ્થૂળતા વધશે

Wednesday 03rd January 2024 06:18 EST
 
 

સામાન્ય રીતે શિયાળાને તંદુરસ્તીની ઋતુ કહેવાય છે. કેમ કે આ દિવસોમાં પાચન સારું રહે છે, જેનાથી ભોજનથી શરીરને સારું પોષણ મળે છે. રાત લાંબી હોવાને કારણે ભરપૂર ઊંઘ મળે છે, પરંતુ શિયાળાની સાથે જ આપણી અનેક ટેવોમાં પરિવર્તન આવે છે.
આવા કેટલાક પરિવર્તન પર નજર નાંખીએ તો, તડકો ઓછો થવાને કારણે મોડેથી જાગીએ છીએ. ઠંડીથી બચવા માટે ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ. આ ઉપરાંત ખાણીપીણી પણ બદલાય છે. જેના કારણે અજાણતા જ એવી ખોટી ટેવો અપનાવી લઈએ છીએ, જે નુકસાનનું કારણ બની જાય છે. તેનાથી ઈમ્યુનિટી ઘટે છે. નકારાત્મક વિચારો વધવા લાગે છે. આજે આપણે આવી જ પાંચ ભૂલ વિશે જાણકારી મેળવશું, જે તમને શિયાળામાં નુકસાન પહોંચાડી શકે છે.
ઓવરસ્લીપિંગ: મેલાટોનિન હોર્મોન વધુ બને છે
ધ્યાનથી જોશો તો ગરમીની સરખામણીએ લોકો શિયાળામાં વધુ ઊંઘે છે. જેના બે કારણ છેઃ એક તો, તડકો ઓછો હોવો. શરીર પર પૂરતો તડકો ન લાગવાથી શરીર મેલાટોનિન હોર્મોન વધુ બનાવે છે. જેના લીધે ઊંઘ વધુ આવે છે. બીજું કારણ છે મેટાબોલિઝમ સુધરવું. જેના કારણે ભૂખ અને ઊંઘ બંને વધે છે. પરંતુ વધુ ઊંઘ લેવાનું ટાળો. તેનાથી ડિપ્રેશન અને ઉદાસીની ભાવના વધે છે.
કસરત ન કરવી: રક્તવાહિનીઓ પર દબાણ વધે છે
ઠંડીમાં કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પર તણાવ વધે છે, જેનાથી રક્તવાહિનીઓ પર દબાણ વધવા લાગે છે. તેનાથી માંસપેશીઓ અને સાંધામાં દુઃખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આથી સવારે ચાલવું, રનિંગ કે પછી ઘરે જ સ્ટ્રેચિંગ, જમ્પિંગ જેક, સૂર્યનમસ્કાર જેવી કસરત અને આસન કરી શકાય છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે પુશઅપ, સ્ક્વેટ વગેરે કરી શકો છો.
વધુ ગરમ પાણીથી સ્નાન: આંખના તેજ પર અસર થાય છે
શિયાળામાં વધુ પડતા ગરમ પાણીથી સ્નાન શરીર માટે નુકસાનકારક છે. વધુ ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરના તાપમાનમાં ઝડપથી પરિવર્તન આવે છે, જેની ઓપ્ટિક નર્વ પર અસર થાય છે, જેનાથી આંખના તેજ પર અસર થાય છે. આ ઉપરાંત ત્વચાનું કુદરતી મોઈશ્વર ઘટે છે, જેના કારણે ત્વચા શુષ્ક થાય છે. આથી સ્નાન માટે હુંફાળું પાણી ઉપયોગ કરો.
ઓછું પાણી પીવું: પાચન, કિડની સંબંધિત તકલીફ
શિયાળા દરમિયાન શરીરને હાઈડ્રેટેડ રાખવા દરરોજ લગભગ બે લિટર પાણીની જરૂર હોય છે. આપણું શરીર શ્વસન, યુરિન અને પરસેવાના માધ્યમથી પાણી બહાર કાઢતું જ રહે છે. આથી જો પૂરતું પાણી ન પીઓ તો ડિહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે, જેનાથી પાચન અને કિડની સંબંધિત સમસ્યા થઈ શકે છે.
(આવતા સપ્તાહે આપણે તે વિષય પર જાણકારી મેળવશું કે શિયાળામાં થતી બીમારીઓથી કઇ રીતે બચી શકાય...)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter