સંચળ પણ એક પ્રકારનું સોલ્ટ જ છે, પરંતુ એ સોલ્ટ કરતાં ઓછી તકલીફ આપે છે અને એના ખાસ રાસાયણિક બંધારણને કારણે નમક જેવી હાનિથી બચી શકાય છે. સંચળ અને સફેદ મીઠા બન્નેમાં સોડિયમ હોય છે, પણ સૌથી મહત્વની વાત એ કે સંચળમાં સોડિયમની માત્રા ઘણી ઓછી હોય છે. એને કારણે બ્લડપ્રેશર, કિડનીની તકલીફ ધરાવતા લોકો માટે નમકના બદલે સંચળ વાપરવું વધુ હિતકર છે. જેમને ખૂબ પસીનો થતો હોય અને ગરમીમાં હૃદયના ધબકારા વધી જતા હોય તેમને માટે સંચળ ઇઝ બેટર ઓપ્શન. માત્ર જેમને થાઇરોઇડની તકલીફ હોય એવા લોકો માટે સંચળ કરતાં આયોડાઈઝ્ડ નમક બહેતર ગણાય.
ગરમીમાં સંચળના ફાયદા
આયુર્વેદ મુજબ સંચળ ઠંડી પ્રકૃતિનું હોવાથી સંચળ લીધા પછી શરીરમાં ગરમી વધતી ન હોવાથી વધુ પડતો પસીનો નથી થતો. એ જ કારણસર ગરમીમાં બનતાં તમામ પીણાંમાં નમકને બદલે ચપટીક સંચળનો ઉપયોગ હિતાવહ છે. ગરમીમાં સંચળના ફાયદા વિશે સમજાવતાં ડાયટિશ્યન કહે છે કે ગરમીમાં સૌથી વધુ પાચનને લગતી સમસ્યા થાય છે. એમાં સંચળ બહુ સરસ કામ આપે છે.
એનું રાસાયણિક બંધારણ ક્ષારીય છે એટલે પેટમાં જે એસિડ પેદા થાય છે એને ન્યુટ્રલ કરવાનું કામ કરી શકે છે. કબજિયાત, ગેસ, એસિડિટી અને પેટ ભારે લાગવા જેવી સમસ્યામાં ચપટીક સંચળ અસરદાર બને છે. એનું મુખ્ય કામ મસલ રિલેક્સન્ટનું છે. આંતરડાંના મસલ્સને પણ એ રિલેક્સ કરે છે અને મસલ્સની મૂવમેન્ટને કારણે સરળતાથી ગેસ પાસ થઈ જાય છે. પાણીપૂરી ખાધા પછી પેટ ખુલાસાથી સાફ આવે અને ગેસ નીકળી જાય છે એ અનુભવ તો સૌને હશે જ. એનું કારણ પાણીપૂરીના પાણીમાં ફુદીનો અને સંચળ છે. ગરમીના દિવસોમાં તમે સેલડ ખાઓ કે ફ્રૂટ-ડિશ એના પર સંચળ છાંટીને ખાશો તો પાચન સુધરશે, ગેસ ભરાઈ નહીં રહે અને કબજિયાતની સમસ્યા પણ નહીં રહે.
બહુગુણી બ્લેક સોલ્ટ
• ડીટોક્સિફિકેશનઃ સંચળ સ્કિન અને બોડીને ડીટોક્સિફાય કરવાનું કામ પણ બહુ સારી રીતે કરે છે. રોજ સવારે સહેજ ગરમ પાણીમાં ચપટીક સંચળ અને લીંબુ નાંખીને પીવાથી જઠર અને આંતરડામાં ભરાઈ રહેલાં અપદ્રવ્યો જુલાબ વાટે સાફ થઈ જાય છે
• નર્વ ટોનિકઃ સંચળમાં રહેલું સલ્ફર અને અન્ય ખનીજ દ્રવ્યો અંતઃસ્ત્રાવી ગ્રંથીઓને સ્ટીમ્યુલેટ કરીને મેલેટોનિન જેવાં હોર્મોન્સ અને સેરોટોનિન જેવાં ન્યુરોટ્રાન્સમીટર કેમિકલ્સનો સ્ત્રાવ કરવામાં મદદ કરે છે. ડિપ્રેશનના દર્દીઓમાં એ બહુ ઉપયોગી નીવડે. સંચળથી હતાશાના દર્દીઓમાં ઊંઘ અને મૂડમાં સુધારો થાય છે.
• સ્કિન-ડીટોક્સઃ ગરમીમાં અળાઈ, ફોડલી, ડલનેસ, કાળાશ જેવી ત્વચાની તકલીફો થાય છે. ત્વચાના રોગોમાં સલ્ફર અસરકારક ગણાય છે. સંચળવાળું પાણી ત્વચાને ડિટોક્સિફાય કરે છે. એ માટે પાણીમાં સંચળ નાંખીને એને પૂરેપૂરું ઓગળવા દેવું. આ પાણી ત્વચા પર લગાવવું અને રાખી મૂકવું. નાહવાના પાણીમાં પણ તમે સંચળ નાંખી શકો છો.
• બેબી-કેરઃ જે નવજાત શિશુઓને બહારનું ખાવાનું આપવાની શરૂઆત કરી હોય તેમને ઉનાળામાં ગેસ, અપચો, કડક પેટ, કબજિયાતની તકલીફ વધુ જોવા મળે છે. એને કારણે બાળક રડે, ખાય નહીં, સુસ્ત પડ્યું રહે કે ખાધેલું કાઢી નાંખે છે. આવું થતું હોય તો બાળકને કંઈ પણ ખવડાવ્યા પછી મગના દાણા જેટલું સંચળ એક ચમચી પાણીમાં ઓગાળી એકાદ ટીપું લીંબુ નિચોવીને પિવડાવવું. એમ કરવાથી બાળક છૂટથી ગેસ પાસ કરશે અને પેટ પણ હલકું થઈ જશે.
• વેઈટલોસઃ જે લોકો ઉનાળામાં વેઈટલોસ ડાયટ પર હોય છે અને ખાસ કરીને પ્રોટિન વધુ લે છે તેમણે સંચળનો ઉપયોગ અચુક કરવો જોઈએ. પ્રોટીન પચવામાં ભારે અને ગેસ કરનારું હોય છે એટલે સેલડ અને વાનગીઓ પર સંચળનો છંટકાવ ફાયદાકારક છે. પીણામાં શુગરને બદલે સંચળ નાંખવાથી સોલ્ટી ટેસ્ટવાળું પીણું પીવાથી વેઈટલોસમાં પણ મદદ થાય છે.