લંડનઃ જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન ડિપ્રેશનમાં રહે છે તેમનાં બાળકોની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. મોટા થતાં આ બાળકોમાં ડિપ્રેશનનું જોખમ તેમના સમકક્ષોની તુલનાએ વધુ રહે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સ્ટડીના આધારે આ દાવો કર્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે પ્રસૂતિ બાદ મહિલાને ડિપ્રેશન થાય તો બાળકોમાં જોખમ વધી જાય છે.
સ્ટડીના માધ્યમ થકી એ જાણવા પ્રયાસ થયો છે કે ગર્ભાવસ્થા અને બાળકના જન્મ બાદ પણ માતા-પિતાએ પોતાની મનોસ્થિતિ પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે. ૧૪ વર્ષ સુધી ચાલેલા આ અભ્યાસ દરમિયાન ૫ હજારથી વધુ બાળકોની ઉંમર ૨૪ વર્ષ થવા સુધી માનસિક સ્વાસ્થ્યનું નિયમિત ટ્રેકિંગ કરાયું હતું. તેનાથી ખબર પડી કે જે બાળકોની માતાઓને પ્રસૂતિ બાદ ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો તેમના સંતાનોની કિશોરાવસ્થામાં ડિપ્રેશનની સ્થિતિ વધુ ગંભીર હતી. તેની તુલનાએ જે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન માનસિક પરેશાની થઇ તેના બાળકોમાં ડિપ્રેશનનું સ્તર સરેરાશ હતું. જે બાળકની માતામાં બંને પ્રકારના ડિપ્રેશન હતા તેમને સૌથી વધુ માનસિક પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
અભ્યાસના પરિણામો અનુસાર છોકરીઓમાં આની વિશેષ અસર જોવા મળી હતી. સ્ટડીના લેખક ડો. પ્રિયા રાજ્યગુરુના મતે પિતાના ડિપ્રેશનમાં હોવાની અસર બાળક પર થાય છે, પણ ફક્ત એક પ્રકારનું ડિપ્રેશન હોય તો બાળકો પર જોખમ ઓછું રહે છે. કિશોરાવસ્થામાં બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે માતા-પિતાએ બાળકોના જન્મ પૂર્વેથી પ્રયાસો કરવા જોઇએ. રોયલ કોલેજ ઓફ સાઈકિયાટ્રિસ્ટ ડો. જોઆન બ્લેક કહે છે કે માતા-પિતા પ્રભાવિત હોય તો બાળકોએ પણ ભવિષ્યમાં માનસિક સમસ્યા સામે ઝઝૂમવું પડશે. સારી વાત એ છે કે તેની સારવાર સંભવ છે. રોયલ કોલેજના મતે, કોરોના કાળમાં ૧૬ હજારથી વધુ મહિલાને પ્રસુતિ બાદ જરૂરી મદદ ન મળતાં તેમને ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો. નિષ્ણાતો માને છે કે આ સંજોગોમાં અભ્યાસ મહત્ત્વપૂર્ણ છે. એનએચએસને તેનાથી પ્રાથમિકતા નક્કી કરવામાં મદદ મળશે.
એનએચએસ મેન્ટલ હેલ્થની મદદ
ટીનેજર્સનું માનસિક સ્વાસ્થ્ય કઈ હદે કથળી રહ્યું છે એ વાતનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે દરરોજના ૨ હજારથી વધુ ટીનેજર્સ એનએચએસની મેન્ટલ હેલ્થ સર્વિસની મદદ લઈ રહ્યા છે. એનએચએસના આંકડા અનુસાર, ફક્ત એપ્રિલથી જૂન વચ્ચે ૧૮ વર્ષની વયના ૧૯ લાખ ટીનેજર્સને એનએચએસ મેન્ટલ હેલ્થ માટે રિફર કરાયા હતા. રોયલ કોલેજના નિષ્ણાતોનું કહેવું કે ટીનેજર્સ પર પહેલાથી જ દબાણ હતું, કોરોનાએ તેમાં વધારો કરી દીધો છે.