ઓસ્લો: ગર્ભાવસ્થામાં હળવો વ્યાયામ ગર્ભસ્થ શિશુ માટે ફાયદાકારક છે. નિયમિત વ્યાયામથી તેના ફેફસાં મજબૂત થાય છે અને અસ્થમાનું જોખમ પણ સાવ ઘટી જાય છે. આમ કહેવું છે નોર્વેની ઓસ્લો યુનિવર્સિટીના વિજ્ઞાનીઓનું. તેમણે ૮૦૦ મહિલા પર કરેલા એક અભ્યાસ બાદ જાણ્યું કે વ્યાયામ ન કરતી મહિલાઓના બાળકને અસ્થમાનું જોખમ વ્યાયામ કરતી સગર્ભાઓથી બમણું રહે છે.
વિજ્ઞાનીઓએ મહિલાઓને પૂછયું હતું કે તેઓ ગર્ભાવસ્થા દરમિયાન કેટલી સક્રિય રહી? સાથે જ તેમના શિશુના ફેફસાંની ૩ મહિના સુધી તપાસ કરાઇ હતી. રિસર્ચ ટીમના વડા ડો. રેફ્ના કૈટ્રિન ગુડમુંદદોત્રિરે જણાવ્યું કે અભ્યાસ દરમિયાન શાંત, જાગૃત અવસ્થામાં શિશુના ફેફસાંના કાર્યનું આકલન કરાયું. તેમાં જે મહિલાઓએ નિયમિત વ્યાયામ નહોતો કર્યો તેમના શિશુના ફેફસાં નબળા જણાયા.
આવી મહિલાઓના શિશુઓમાંથી ૮.૬ ટકામાં ફેફસાંની કાર્યક્ષમતા ઘણી ઓછી હતી જ્યારે વ્યાયામ કરતી મહિલાઓના ૪.૨ ટકા શિશુઓમાં આવી સ્થિતિ જણાઇ. આનાથી સાબિત થાય છે કે વ્યાયામ શિશુને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થાય છે.
લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના પીડિયાટ્રિક રેસ્પિરેટરી એન્ડ એન્વાયરમેન્ટલ મેડિસિન વિભાગના હેડ પ્રો. જોનાથન ગ્રિગે જણાવ્યું કે બહુ ઓછા લોકો જાણે છે કે સગર્ભાની કસરતો તેમના શિશુ માટે પણ ફાયદાકારક છે.
નબળાં ફેફસાં ધરાવતા બાળકોને અસ્થમાનું જોખમ
ડો. રેફ્નાએ કહ્યું કે અગાઉના અભ્યાસોથી માલૂમ પડે છે કે જન્મ સમયે જેમનાં ફેફસાં નબળાં હોય છે તેમને ભવિષ્યમાં અસ્થમા સહિત ફેફસાંની અન્ય બીમારીઓનું જોખમ રહે છે. જ્યારે કસરત કરતી મહિલાઓના બાળકોને મોટા થયા પછી પણ ફેફસાંની તકલીફો થવાનું પ્રમાણ ઓછું છે.