સિડનીઃ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વિવિધ પ્રકારની વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે, જેને ‘પ્રેગ્નન્સી ક્રેવિંગ’ કહેવાય છે. ખાસ કરીને પહેલા ત્રણ મહિનામાં લગભગ 90 ટકા મહિલાઓ ઓછામાં ઓછા એકવાર પ્રેગ્નન્સી ક્રેવિંગનો અનુભવ કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે પ્રેગ્નેન્સી ક્રેવિંગનો સંસ્કૃતિ અને પોષક તત્ત્વોની ઊણપ સાથે સીધો સંબંધ છે.
ઓસ્ટ્રેલિયાના આહાર નિષ્ણાત મેલાની મેક્સાઇસનું કહેવું છે કે પ્રસવ પહેલાં સૌથી સામાન્ય પ્રેગ્નેન્સી ક્રેવિંગ કંઇક નમકીન ખાવાની ઇચ્છા ગર્ભવતી દ્વારા પર્યાપ્ત પાણી ન પીવાનો સંકેત હોય શકે છે. મેલાની કહે છે કે ગર્ભાવસ્થાના સમયમાં મહિલાઓના શરીરમાં લોહીનું કુલ પ્રમાણ 45 ટકા વધી જાય છે, જેથી પ્રવાહીની જરૂરિયાત આશરે 150 ટકા સુધી વધી જાય છે. જ્યારે નમકીન વસ્તુઓનું સેવન કરાય છે તો શરીરમાં વધુ પાણી જમા થઈ જાય છે.
ગર્ભાવસ્થાના સમયે ખાવાપીવાની ઈચ્છા સાંસ્કૃતિક મતભેદો પર ઘણો આધાર રાખે છે. એક અભ્યાસ અનુસાર નાઇજિરિયામાં ગર્ભવતી મહિલાઓને ફળ-શાકભાજી તો અમેરિકામાં ચોકલેટ ખાવાની વધુ ઈચ્છા થાય છે. જ્યારે ભારતમાં ગર્ભવતી મહિલાઓને ખાટી વસ્તુઓ જેવી કે ચાટ, અથાણાં, આમલી વગેરે ખાવાનું
મન થાય છે. આ સંજોગોમાં સાંસ્કૃતિક માહોલ નક્કી કરે છે કે ગર્ભાવસ્થામાં શું ખાવું યોગ્ય છે અને શું નહીં.
આઈસક્રીમ જેવી મીઠી વસ્તુઓ ખાવાની ઈચ્છા થવાને કારણે કેલ્શિયમની ઊણપ અને બ્લડશુગરમાં વધારો-ઘટાડો થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે દરરોજ 1000 મિલીગ્રામ કેલ્શિયમનું સેવન જરૂરી છે. આ ઉપરાંત આયર્નની ઊણપ ક્યારેક-ક્યારેક ચોક, બરફ કે માટી જેવી વસ્તુ ખાવાની ઈચ્છાને પ્રોત્સાહન આપી શકે છે. શાકાહારી મહિલાઓને માંસાહાર ખાવાની પણ ઈચ્છા થઈ શકે છે. આમ આર્યનની ઉણપથી ચોક જેવી વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે.