કોવિડ-૧૯ મહામારી દરમિયાન જે કેટલાક ચોક્કસ આયુર્વેદિક અને પરંપરાગત ઔષધોનું સેવન કરાઇ રહ્યું છે તેમાં ગિલોય એટલે કે ગળો આગવું સ્થાન ધરાવે છે. કોઇ ટેબ્લેટ સ્વરૂપે તો કોઇ તાજી ગળોને પલાળીને તેના પાણીનું સેવન કરી રહ્યું છે, પરંતુ એલોપથી તબીબી નિષ્ણાતોનો દાવો છે કે ગિલોય કે ગળોનું વધુ પડતું સેવન શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
મુંબઇના તબીબોને સપ્ટેબરથી ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન જેમના લિવર (યકૃત)ને ગંભીર નુકસાન પહોંચ્યું હોય તેવા છ દર્દી મળી આવ્યા હતા. તે દર્દી પીળિયા જેવા રોગની ફરિયાદ સાથે આવ્યા હતા. તબીબોના ઝીણવટભરી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ તમામ દર્દી હિંદીમાં જેને ગિલોય કહે છે, સંસ્કૃતમાં જે ગુડુચી તરીકે ઓળખાય છે અને ગુજરાતીમાં જે ગળો તરીકે ઓળખાય છે તે ઔષધનું લાંબા સમયથી સેવન કરી રહ્યા હતા.
હેપાટોલોજિસ્ટ ડો. આભા નાગરાલે પોતાના અભ્યાસ અહેવાલમાં જણાવ્યું છે કે લિવરની ગંભીર બીમારીને કારણે હોસ્પિટલમાં આવેલાં ૬૨ વર્ષનાં મહિલાનું મૃત્યુ ચાર મહિના પછી થઇ ગયું હતું. બાયોપ્સી કરતાં ગિલોયને કારણે લિવરને નુકસાન થયાનું જાણવા મળ્યું હતું. આ રિસર્ચ પેપર ‘જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ હેપાટોલોજી’માં પણ પ્રકાશિત થઇ ચૂક્યો છે. આ અભ્યાસ સાથે સંકળાયેલા લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. એ. એસ. સોઇને જણાવ્યું હતું કે તેમના ધ્યાને પણ ગિલોયના કારણે લિવરને નુકસાન પહોંચ્યું હોવાના પાંચ કેસ આવી ચૂક્યા છે. આ પૈકી એક દર્દીનું અવસાન પણ થઇ ચૂક્યું છે.
તબીબોનું કહેવું છે કે મહામારી દરમિયાન અનેક લોકો એન્ટિઓક્સિડન્ટ તરીકે અને પોતાની રોગ પ્રતિકારકશક્તિ વધારવા માટે ગિલોયનું સેવન કરતા હતા. તેના કારણે અનેક લોકો લિવર ટોક્સિટીનો ભોગ બન્યા છે. આ નિષ્ણાતોનું કહેવું છે કે એક દર્દીનું અવસાન થયું હોવાની ઘટનાને બાદ કરતાં બાકીના તમામ દર્દી ગિલોયનું સેવન બંધ કર્યાના ગણતરીના મહિનામાં સાજા થઇ ગયા હતા.