બ્રાસીલિયાઃ બ્રાઝિલના વિજ્ઞાનીઓએ ઈતિહાસ સર્જ્યો છે. જિનેટિક એન્જિનિઅરીંગ ટેકનોલોજીની મદદથી જિનેટિકલી મોડીફાઈડ ટ્રાન્સજેનિક ગાયના દૂધમાંથી માનવ ઈન્સ્યુલિન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જોકે મંઝિલ હજી ઘણી દૂર હોવા છતાં, આ સંશોધન ઈન્સ્યુલિનના નોંધપાત્ર ઉત્પાદનના દ્વાર ખોલી નાખશે અને વિશ્વમાં ઈન્સ્યુલિનના પુરવઠાની સમસ્યા ભૂતકાળ બની જશે. હાલમાં જિનેટિકલી મોડીફાઈડ યીસ્ટ અને બેક્ટેરિયામાંથી હ્યુમન ઈન્સ્યુલિનનું ઉત્પાદન થાય છે.
‘બાયોટેકનોલોજી જર્નલ’માં પ્રસિદ્ધ અહેવાલ અભ્યાસ મુજબ યુનિવર્સિટી ઓફ ઈલિનોઈ અર્બાના-ચેમ્પેઈન ખાતે કાર્લ બી. વોસ્સે ઈન્સ્ટિટ્યૂટ ફોર જેનોમિક બાયોલોજીમાં બાયોટેકનોલોજી અને ડેવલપમેન્ટલ બાયોલોજીના પ્રોફેસર ડો. મેથ્યુ બી. વ્હીલર અને તેમની સંશોધન ટીમે સોમેટિક સેલ ન્યુક્લિઅર ટ્રાન્સફર પ્રક્રિયાના ઉપયોગ થકી પ્રોઈન્સ્યુલિનના કોડ સાથે માનવ ડીએનએનો હિસ્સો ગાયના 10 ભ્રૂણના ન્યુક્લીઅસમાં દાખલ કર્યો હતો. આ મોડિફાઈડ ભ્રૂણને 10 સામાન્ય ગાયના ગર્ભાશયોમાં આરોપિત કરાયાં હતાં. એક ગાયે ટ્રાન્સજેનિક વાછરડીને જન્મ આપ્યો હતો. વાછરડી પુખ્ત થયાં પછી તેને સગર્ભા બનાવવા પ્રયાસ કરાયા હતા અને હોર્મોન્સના ઉપયોગ થકી દૂધ આવવા લાગ્યું હતું. આ દૂધનું પ્રમાણ ઓછું હતું પરંતુ, તેમાં માનવ ઈન્સ્યુલિન પણ હતું.
ગાયનું દૂધ અમૃત સમાન ગણાય છે ત્યારે ગાયના દૂધમાં જ ઈન્સ્યુલિન મળતું થાય તો ડાયાબિટીસના પેશન્ટ્સને કેટલી રાહત થઈ જાય તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી. વિશ્વમાં ઈન્સ્યુલિનની માગ ઘણી વધારે છે અને ઉત્પાદન ઓછું રહેવાથી તે ભારે ખર્ચાળ નીવડે છે. વિશ્વમાં ડાયાબિટીસના 500 મિલિયન પેશન્ટ છે જેમાંથી માત્ર ભારતમાં જ તેમની સંખ્યા 100 મિલિયનની છે. યુએસમાં 2021માં ડાયાબિટીસના 3.6 મિલિયન દર્દી નિદાનના એક જ વર્ષમાં સારવાર તરીકે ઈન્સ્યુલિનનો ઉપયોગ કરતા થયા હતા.
જ્યારે માનવશરીર પૂરતા પ્રમાણમાં ઈન્સ્યુલિન હોર્મોન બનાવી શકે નહિ અથવા તેનો ઉપયોગ કરી શકે નહિ ત્યારે ડાયાબિટીસની અવસ્થા સર્જાય છે અને શરીરમાં બ્લડ સુગરની અસમતુલા ઉભી ઉભી થાય છે. ડાયાબિટીસના ઘણા દર્દીએ બહારથી ઈન્સ્યુલિન લેવું પડે છે જેનાથી ખોરાકના ગ્લુકોઝને શરીરના કોષોમાં પ્રવેશી તેને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ મળે છે.
ઈન્સ્યુલિનનું એક યુનિટ 0.0347 મિલિગ્રામ (0.000001 ઔંસ)નું હોય છે. જેનો અર્થ એ થાય કે એક ગ્રામ ઈન્સ્યુલિનમાંથી 28,818 યુનિટ તૈયાર થાય. જો એક ગાય પ્રતિ એક લિટર દૂધમાં એક ગ્રામ (0.04 ઔંસ) ઈન્સ્યુલિન બનાવી શકે તો રોજ 50 લિટર દૂધ આપતી હોલસ્ટેઈન ગાયમાંથી દરરોજ કેટલું માનવ ઈન્સ્યુલિન મળી શકે તેની ગણતરી કરી લેવા જેવી છે તેમ ડો. મેટ વ્હીલર કહે છે.
વિજ્ઞાનીઓની યોજના હવે ટ્રાન્સજેનિક ગાયને રિક્લોન કરવા અને સમયાંતરે 100 ટ્રાન્સજેનિક ગાયનું ધણ તૈયાર કરવાની છે. એક દિવસ એવો આવશે કે આ ધણ સમગ્ર વિશ્વના ડાયાબિટિક્સ માટે ઈન્સ્યુલિનનો પુરવઠો પૂરો પાડશે.