લંડનઃ યુકેમાં મંગળવારથી કોરોના વેક્સિનેશનનો આરંભ કરાયો છે ત્યારે પ્રથમ એશિયન અને ગુજરાતી દંપતી ડો. હરિ શુક્લા (૮૭) અને તેમના પત્ની રંજનબહેન (૮૪)ને પણ ફાઈઝર વેક્સિન અપાઇ છે. ધ ન્યૂ કેસલ અપોન ટાયને હોસ્પિટલ્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર માર્ટિન વિલ્સન સવારે ૮.૦૦ વાગ્યે આ દંપતીને લેવા તેમના ઘેર પહોંચ્યા હતા અને ૮.૩૦ કલાકે તેમને વેક્સિન અપાઇ હતી. આ પછી, માર્ટિન સવારે ૧૦.૩૦ કલાકે તેમને ઘેર પરત મૂકવા પણ આવ્યા હતા.
ફોન પર સ્વસ્થ અને આનંદિત જણાતા ડો. શુક્લાએ ‘ગુજરાત સમાચાર’ - Asian Voice સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મને જ્યારે તમે વેક્સિનેશન માટે આવી શકશો તેમ પૂછવા હોસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યારે મેં કહ્યું કે મને આનાથી આનંદ થશે કારણ કે આ અતિ મહત્ત્વપૂર્ણ છે. તમે જ્યારે આ લોકોએ કરેલા કાર્યના પ્રમાણને નજરમાં લેશો તેનાથી હું દરેકને વેક્સિન લેવા પ્રોત્સાહન આપીશ. વિવિધ કોમ્યુનિટીના લોકોને થોડી ઘણી ચિંતા છે પરંતુ, મારો વિચાર તો વેક્સિન લેવાનો અને પ્રોત્સાહન આપવાનો છે.’
ડો. શુક્લા વધુમાં કહે છે કે ‘જ્યારે NHS દ્વારા ફોન આવ્યો ત્યારે મેં તેમને હું મારા ૮૪ વર્ષનાં પત્ની રંજનને વેક્સિનેશન માટે લાવી શકું કે કેમ તેવો પ્રશ્ન કર્યો. ઉત્તરમાં તેમણે કહ્યું ચોક્કસ, આ તો ઘણું સારું રહેશે. આથી, અમે બંનેએ આજે સવારે ઈન્જેક્શન લીધાં છે. NHSનો સ્ટાફ ખરેખર અદ્ભૂત છે. સંપૂર્ણ સમર્પિત છે. હું લોકોને એમ કહેવા માગું છું કે આ ગંભીર કટોકટી છે. આ હજુ ફેલાઈ રહી છે. આપણે આ વેક્સિનનો લાભ લેવો જોઈએ.’
‘અમને હોસ્પિટલના બારણે આવકારવા ઘણા લોકો રાહ જોઈ રહ્યા હતા. તેઓ અમને અંદર લઈ ગયા અને ડોક્ટરોએ અમને વેક્સિન વિશે સમજણ આપી અને તેના પછી નર્સે અમને ઈન્જેક્ટ કર્યાં હતાં. હવે અમારે આજથી ૨૧ દિવસ પછી બીજો ડોઝ લેવા જાન્યુઆરીમાં ફરી જવાનું રહેશે. ઈન્જેક્શન જરા પણ પીડા કરતું નથી, મને ઈન્જેક્શન અપાયું તેની ખબર સુદ્ધાં પડી નહિ. મને લાગતું હતું કે તેનાથી પીડા થશે પરંતુ, તેમ ન થયું.’