આજના યુગમાં ઇન્ટરનેટ ક્નેક્ટેડ મોબાઇલ, ટેબ્લેટ, લેપટોપ સ્ટુડન્સના જીવનના ભાગ બની ચૂક્યા છે. તેને સંપૂર્ણપણે રોકી શકાય નહીં એ સાચું, પણ વાલીઓને ચિંતા એ વાતની છે કે, તેની અસર બાળકોની આંખોની સાથે-સાથે તેમના મગજ પર પણ પડી રહી છે. આ સ્થિતિમાં બાળકોના જીવનમાં ડિજિટલ ઇન્ટરફેસને કેવી રીતે ઘટાડી શકાય છે.
તબીબી નિષ્ણાતો કહે છે કે, ડિજિટલ ઇન્ટરફેસ ઘટાડવાની વાત થઇ રહી છે, પરંતુ તેના મહત્વને નકારી શકાય નહીં. સાચું તો એ છે કે આ માધ્યમોને બાળકો કેટલો સમય આપે છે તે પણ જાણવું જરૂરી છે. ગેઝેટ્સના ઉપયોગ દરમિયાન તેમણે થોડા-થોડા બ્રેક લેવો જોઇએ. આ બ્રેકનો અર્થ એ છે બાળક ડિજીટલ વર્લ્ડથી થોડા સમય માટે સંપૂર્ણપણે દૂર રહે. એવું ન બનવું જોઇએ કે લેપટોપ છોડીને મોબાઇલ કે ટેબલેટ પકડી લે.
માતા-પિતાએ બાળકોની પસંદને જોતાં તેમને જુદી-જુદી એક્ટિવિટીઝના ક્લાસિસ જેમ કે, ગિટાર, પેઇન્ટિંગ કલાસ વગેરેમાં મોકલવાની સાથે સ્પોર્ટ્સ પ્રત્યે પણ તેમને પ્રોત્સાહિત કરવા જોઇએ. બાળકોની સાથે પોતે પણ થોડા સમય માટે આ ગેઝેટ્સની અંતર જાળવવું જોઇએ અને બાળકોની સાથે પોતે પણ ઓફલાઇન ગેમ્સ રમવી જોઇએ. તમારા પોઝિટિવ એપ્રોચની બાળકો પર સીધી અસર થાય છે. જમવાના ટેબલ પર ફોનને દૂર રાખો. આ નિયમને ઘરના દરેક સભ્યને અપનાવવો જોઇએ. જમવાનું ટેબલ ઘરના વાતાવરણને ખુશનુમા બનાવવામાં મદદ કરે તેવું હોવું જોઇએ. બાળકોની નજર જમવાની થાળી પર રહેવી જોઇએ, નહીં કે મોબાઇલ સ્ક્રીન પર.