આજની યુવા પેઢી એવી છે જે ઇન્ટરનેટ અને મોબાઇલના યુગમાં જન્મી છે. ડિજિટલ યુગમાં જન્મેલી આ પેઢીને ટેક્નોલોજીની વ્યાપક સમજ હોય છે. નાનાં ટેણિયાઓ પણ સહેલાઇથી ગેજેટ્સનો ઉપયોગ કરતાં હોય છે, જ્યારે વડીલોને તેમાં થોડી મુશ્કેલી જણાય છે. ઘણા વડીલોને માત્ર વેકેશન દરમિયાન જ પૌત્ર-પૌત્રીઓને મળવાનું બનતું હોય છે, એવામાં તેમની સાથે સંકળાવા માટે - બોન્ડીંગ વધારવા માટે કંઇક અલગ કરવાનો પ્રયત્ન ક૨વો જોઇએ. અહીં આપેલી ટિપ્સ વડીલોને નવી પેઢી સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવામાં મદદરૂપ બનવાની સાથોસાથ ભવિષ્ય માટે પણ ઉપયોગી નીવડશે. તો લાગણીભર્યા બંધનથી તમારા તન-મન પણ સ્વસ્થ રહેશે.
• નવી પરંપરાનો પ્રારંભઃ પરિવારમાં ખાસ કરીને ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે નવી પરંપરાનો પ્રારંભ કરો. જેમાં દિવસમાં એક-બે વાર ટેક્સ્ટ મેસેજ, વ્હોટ્સઅપ મેસેજ, વીડિયો કોલિંગ અથવા તો દર પંદર દિવસે કે મહિને એકાદ પત્ર લખવા જેવી બાબતો સામેલ કરી શકો. તમારી આ નવી પરંપરાની જાણ તમારાં સંતાનોને પણ કરો જેથી કોઇ જાતની મૂંઝવણ ઊભી ન થાય. આમ કરવાથી નવી પેઢી સાથે વિશ્વાસનો સંબંધ બાંધવામાં સહાયરૂપ થવાની સાથે બીજા સ્વજનો પણ જોડાશે. આ બાબત બંને પક્ષે અથવા કોઇ એક પક્ષ તરફથી થઇ શકે છે.
• હોબી ક્લબની રચના: અનેક સર્વે અનુસાર, આજની પેઢી ‘દાદીમા’ તરફ વધારે આકર્ષાય છે. એટલે કે તેઓ કંઇક નવું શીખવા ઇચ્છે છે. જેમ કે, ક્રોશિયો એમ્બ્રોઇડરી, બેકિંગ, ગૂંથણકામ વગેરે જે દાદી તેમની સાથે મળીને કરી શકે છે. આ માટે કોઇ પુસ્તકના આધારે તૈયારી કરી શકાય અથવા બાળકો સાથે મળીને કૂકિંગ ક્લાસ જોઇન કરી શકાય. નવી નવી વાનગીઓ અંગે ચર્ચા કરી, તે બનાવી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકાય. દાદીમા કે નાનીમા બાળકોને કેટલીક પરંપરાગત વાનગીઓ, જે ખાસ પ્રસંગે બનાવવામાં આવતી હોય તે બનાવતાં શીખવી શકે છે.
• કંઇક નવીન શીખો: આમ કરીને પણ ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે બોન્ડીંગ વધારી શકો છો. ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથેનું બંધન ગાઢ બનાવવાના આ પ્રયાસમાં વડીલો પણ કંઇક નવીન શીખી શકશે, પછી ભલે તેઓ અલગ રહેતાં હોય. કોઇ નવી વસ્તુ શીખો જેમ કે કોઇ ભાષા, નવો શોખ કેળવો, સ્પોર્ટ્સ રમો અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે વગાડતાં પણ શીખી શકાય. આ પ્રવૃત્તિઓ બાળકો સાથે વાતચીત ક૨વાનો વિષય પણ બની શકે છે. તે સાથે વ્યક્તિ તરીકે તેમનું મૂલ્ય આંકો કેમ કે તેમની સાથે સંકળાવાથી તમને અને તમારી સાથે સંકળાવાથી તેમને અવશ્ય કંઇક નવું શીખવા મળે છે.
• મનોરંજનના માધ્યમથી જોડાણઃ બાળકો સાથે વધુ નિકટતા કેળવવા માટે સાથે મળીને તેમને પસંદ ફિલ્મ જૂઓ અથવા તેમણે સૂચવ્યા હોય તે કાર્યક્રમો જુઓ. તેમની સાથે વાતચીત કરવાથી ખ્યાલ આવશે કે તેમને કેવાં મૂવીઝ પસંદ છે. જેમ કે, હેરી પોટરની સીરિઝ, કાર્ટૂન ફિલ્મો વગેરે અત્યારની પેઢીને ગમતાં હોય, તેમાંથી કંઇક અપનાવવું જોઇએ. આ પેઢી સાથે સંકળાવાનો એક લાભ એ છે કે તેઓ તમને મદદરૂપ થાય છે અને તેમને કઇ વસ્તુ કે બાબત શા માટે ગમે છે તે સમજાવી શકાય. તમે એમને જૂની યાદગાર હિટ ફિલ્મો જોવાનું પણ સૂચન પણ કરી શકો છો. આમ કરવાથી તેઓ તેમની વિચારસરણી સાથે તમને સાંકળશે અને તમે પણ એમની વાતને સમજી શકશો.
ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે જોડાવા માટે તમે કોઇ પણ કારણ શોધી શકો છો. તમે એમને સાથે લઇને ચાલવા જાવ, તે પણ એક સારો ઓપ્શન છે. તેમની સાથે તમારા અનુભવો શેર કરો, સ્મૃતિઓ વિશે વાત કરો. જેમ કે, જે સ્કૂલમાં પોતે ભણ્યા હોય તે બતાવવી અથવા જૂનું ઘર બતાવવું. બાળકોને પૂછવું કે તેમને શું જોવું છે અને તે મુજબ પ્લાન બનાવવો. તેમની ક્રિએટીવિટી ખીલવવા સાથે મળીને રીલ્સ બનાવો અને સોશિયલ મીડિયા પર શેર કરો. અત્યારની પેઢી સાથે મિત્રતા સાધવાનો આ માર્ગ અત્યંત સરળ છે. બાળકોને પણ દાદા-દાદી કે નાના-નાની સાથે ગમશે કેમ કે તેઓ પણ કાયમ એવા લોકોને શોધતાં હોય છે, જેઓ તેમની સાથે વડીલની જેમ નહીં, પરંતુ મિત્રની જેમ રહે.