જ્યારે પણ તંદુરસ્ત આહાર સામગ્રીની વાત આવે છે ત્યારે તમામ લોકો ઈંડાં આરોગવાનું સૂચન કરે છે. હકીકતે ઈંડામાં ભપૂર પ્રોટીન હોય છે. વજનને નિયંત્રિત રાખવાની સાથે તે શરીરમાં પ્રોટીન ઇન્ટેકને પણ સંતુલિત રાખે છે. ઇંડાંને પ્રોટીનનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. હેલ્થ લાઈનના જણાવ્યા મુજબ એક ઇંડામાં ૬ ગ્રામ પ્રોટીન હોય છે, પરંતુ જે લોકો ઈંડાં ખાવાનું પસંદ નથી કરતાં તેમનું શું? જે લોકો શાકાહારી હોય તેમને પણ પ્રોટીનની જરૂર તો હોય જ છે. તેમના માટે ઈંડાનો વિકલ્પ ક્યો હોઈ શકે? ઉલ્લેખનીય છે કે કેટલાક ખાદ્યપદાર્થ એવા પણ છે કે જેમાં ઈંડા કરતાં વધુ પ્રોટીન પદાર્થ હોય છે. જે લોકો ઇંડાને નાપસંદ કરે છે તેઓ તે આહારસામગ્રી આરોગીને સરળતાથી પ્રોટીન મેળવી શકે છે. આ સામગ્રીમાં કિનોઆ, ગ્રીક યોગર્ટ, દૂધ અને સોયા મિલ્ક, ચણા, માખણ, બદામ, વિવિધ દાળ અને મગફળી જેવી આહાર સામગ્રીમાં પ્રોટીન મોટા પ્રમાણમાં જોવા મળે છે. કિનોઆની વાત કરવામાં તો એક કપ (૧૮૫ ગ્રામ) કિનોઆમાં આઠ ગ્રામ પ્રોટીન હોય છે. તેમાં વિટામિન્સ મિનરલ્સ, ફાઇબર, એન્ટિઓક્સિડેન્ટ હોવાથી તે સુપરફૂડની શ્રેણીમાં આવે છે. ગ્રીક યોગર્ટના એક કપમાં ૨૩ ગ્રામ પ્રોટીન હોય છે. તેમાં વિટામિન્સ કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં હોય છે. એક કપ દૂધમાં ૮ ગ્રામ પ્રોટીન હોય છે. તો એક કપ સોયા મિલ્કમાં ૬.૧ ગ્રામ પ્રોટીન હોય છે. તે ઉપરાંત દૂધમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન પણ મળી
રહે છે.