લંડનઃ બાળપણ પછી પુખ્તાવસ્થા આવવા સાથે જ માનવીને વૃદ્ધ થવાનો ભય સતાવવા લાગે છે. વર્ષો ઝડપથી વીતી જાય છે અને વૃદ્ધાવસ્થા આંગણે આવી રહે છે. વધતી ઉંમરને માત્ર આંકડા ગણાવતા લોકોમાં પણ વૃદ્ધાવસ્થામાં સૌથી વધુ ડર દૃષ્ટિ અને સાંભળવાની ક્ષમતા ઉપરાંત, સ્મૃતિ ગુમાવવાનો પણ રહે છે. વૃદ્ધત્વ એટલે અસુરક્ષાની હાલત એમ માનતા ૧૮-૨૪ વયજૂથના લોકો વૃદ્ધત્વની નિશાનીઓ છુપાવવા બોટોક્સના ઈન્જેક્શન્સ કે ક્રીમનો ઉપયોગ કરવા લાગ્યા છે.
વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા સૌથી મોટા ભયમાં યાદદાસ્ત ગુમાવવી, હલનચલન ઘટી જવું, આંખ અને કાન બરાબર કામ ન કરવા સહિતનો સમાવેશ થાય છે. સંશોધકોને ૨,૦૦૦ વ્યક્તિઓના OnePoll અભ્યાસમાં વૃદ્ધ થવાની પ્રક્રિયામાં યાદદાસ્ત ગુમાવવા, હરીફરી ન શકવું, બરાબર સાંભળી ન શકવું તેમજ એકલતા અનુભવવાનો ભય વધુ જણાયો હતો. આ ઉપરાંત, આર્થિક મુશ્કેલીઓ, મિત્રો અને પરિવારજનોને ગુમાવવા કે વાહન નહિ ચલાવી શકવાના ભય પણ મુખ્ય હતા. વૃદ્ધાવસ્થાની ચિંતાને બાજુએ રાખીએ તો ૩૩ ટકાથી વધુ લોકો વૃદ્ધ થવા સાથે કામકાજમાંથી નિવૃત્તિ લેવા આતુર જણાયા હતા.
વધતી વયનો ખટકો
માનવી પોતાની જાતને બહુ ચાહતો હોય અને દેખાવ પ્રત્યે વધુ સભાન હોય ત્યારે લોકો તેમને વૃદ્ધ (૨૬ ટકા) અને બિચારા (૨૫ ટકા) ગણતા થઈ જાય તે ઘણું ખટકે છે. વૃદ્ધાવસ્થાથી ભયભીત પાંચમાંથી બે કરતાં વધુ લોકો વૃદ્ધત્વની નિશાનીઓ છુપાવવા જે થઈ શકે તે તમામ ઉપાયો કરે છે. જેમ કે, વધુ આરોગ્યપ્રદ ખોરાક, કસરતનું વધુ પ્રમાણ, વાળને કાળા રંગવા સહિતના ઉપાય વધુ લોકપ્રિય છે. અભ્યાસમાં જણાયું હતું કે બ્રિટિશરોમાં આકર્ષક ન દેખાવું (૨૧ ટકા), કમરેથી વાંકા વળી જવું (૨૦ ટકા) તેમજ નવી ટેકનોલોજીઓમાં સમજ નહિ પડવી (૧૭ ટકા) સહિતની બાબતો પણ ચિંતા કરાવે છે.
ડર કે ઉદાસી ન અનુભવોઃ નિષ્ણાતો
સંશોધકોનું કહેવું છે કે દરેક શરીર વૃદ્ધ થવાનું છે તે સ્વીકારી લેવું જરૂરી છે પરંતુ, તેનાથી ડર કે ઉદાસીનતા ન અનુભવવા જોઈએ. આપણે વૃદ્ધાવસ્થા સુધી પહોંચી અનેક અનુભવો પ્રાપ્ત કરી શક્યા તે બદલ આભારી થવું જોઈએ. વૃદ્ધાવસ્થાની ચોક્કસ નિશાનીઓ કે લક્ષણો દેખાવાની શરૂઆત થાય તે પહેલા જ પાળ બાંધવી જોઈએ. વૃદ્ધાવસ્થાના બે મુખ્ય લક્ષણો બહેરાશ અને આંખની નબળાઈ હોવાનું જણાવનારા અનુક્રમે ૩૭ ટકા અને ૬૦ ટકા લોકો હતા. જોકે, હીઅરિંગ એઈડનો ઉપયોગ કરવાની તરફેણ કરનારા લોકો ઘણા ઓછાં છે.
૩૬ ટકા પુખ્ત લોકો તેઓ વૃદ્ધ થઈ રહ્યા હોવાનું સ્વીકારતા નથી. ૧૮-૨૪ વયજૂથના ૫૫ ટકા લોકોએ વૃદ્ધાવસ્થાની નિશાનીઓ દેખાય નહિ તેવા પગલાં લેવા માંડ્યા હોવાનું જણાવ્યું હતું. સૌથી ગંભીર પગલાંમાં સર્જરી, બોટોક્સ અને લિપ ફિલીંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૪૫-૫૪ વયજૂથના ઘણા લોકોએ મોશ્ચરાઈઝિંગ, નવાં વસ્ત્રો પહેરવા, યોગ કરવા અને સ્ટ્રેચિંગ કરસતોના ઉપાય પણ અજમાવ્યા છે. ૬૨ ટકા લોકોએ શરીરની જાળવણી માટે આરોગ્યપ્રદ ખોરાક લેવાનું માનતા હોવાનું તેમજ ૫૧ ટકાએ આંખોની નિયમિત તપાસ જરૂરી હોવાનું જણાવ્યું હતું.
વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા મહાભય
• યાદદાસ્ત ગુમાવવી કે ડિમેન્શિયાની શરૂઆત • હલનચલન ઘટવું • પથારીમાં પડી રહેવું પડે • જોવાની ક્ષમતામાં ઘટાડો • વૃદ્ધ થવા સાથે સંકળાયેલી બીમારીઓ કે રોગ • ચીજવસ્તુઓ ભૂલી જવી • અંગત મિત્રો અને પરિવારજનોને ગુમાવવા • સાંભળવાની ક્ષમતા ગુમાવવી • દાંત પડી જવા • એકલતા અનુભવવી • નાણાભીડ • સારસંભાળ માટે સહાયકની જરૂર પડવી • હાડકાં બરડ બનવા • વાહન ચલાવી ન શકાય • અગાઉ જેવી શારીરિક કસરતો કરી ન શકાય • ઝડપથી ચાલી ન શકાય • કમરેથી વાંકા વળી જવાય • લોકો તમને ઘરડા કહેવા લાગે • લોકો માટે તમે બિચારા બની જાવ • યુવાવર્ગ દ્વારા ઉપેક્ષા • વાળ ખરી પડે અથવા ધોળા થઈ જાય • બધેથી ચામડી લચી પડે • પેટ કદી સપાટ ન દેખાય • ગળાં સહિત શરીરના અંગોમાં કરચલીઓ દેખાય • ખુદને આકર્ષક હોવાની લાગણી ન રહે • ઈચ્છાનુસાર ખાણીપીણી ન રહે • લોકો તમારા અસ્તિત્વની નોંધ જ ન લે • મિત્રો કે સગાંસંબંધી સાથે મિલન-મુલાકાતો ન થાય • અગાઉના જેવો ખોરાક ન લેવાય • નવી ટેકનોલોજીઓ સમજી ન શકાય • ઈચ્છા હોય છતાં, નોકરી ન મળે • હજુ પણ મોર્ગેજની ચૂકવણી ચાલુ રહે • મેનોપોઝ • પૌત્ર-પૌત્રીઓને રમાડવા લાંબું નહિ જીવાય • તમારા પેરન્ટ્સ જેવી હાલતમાં મૂકાઈ જવાય.