ઉંમર વધવાની સાથે વડીલોની માનસિકતા પણ ઘરડી થતી જાય છે. તેઓ શારીરિક અને માનસિક રીતે પોતાની જાતને વધારે અશક્ત અને ઉંમરલાયક સમજવા લાગે છે અને નિરસ જીવન પસાર કરે છે. પણ તમારા જીવનની આ થર્ડ ઈનિંગને તમે અંત નહીં પણ નવી શરૂઆત માનો અને તેનો ભરપૂર આનંદ માણો. જે કામ તમારા વ્યસ્ત જીવનમાં નથી કરી શક્યા તે નિવૃત્તિ પછીના સમયમાં પૂરા કરો.
• જીવનથી નિવૃત્ત ના થાવઃ એક ઉંમર પછી ભલે તમે નોકરી અને અન્ય કામોમાંથી નિવૃત્ત થઈ ગયા હો, પણ જીવન તો હજી કાર્યરત જ છે એમ વિચારીને ચાલશો તો જ ઘડપણને માણી શકશો. વધતી વય તો માત્ર આંકડો છે - આ વાક્યને તમે કેટલો ન્યાય આપો છો એ તમારા પર નિર્ભર કરે છે. આર્થિક ઉપાર્જન સંબંધિત પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પછી પણ કોઈને કોઈ કાર્યમાં સતત એક્ટિવ રહો. આ ઉપરાંત તમે કરી શકો એવું કોઈ કામ શોધી લો, જેથી તમારો સમય પણ પસાર થઈ રહે અને થોડી નાણાકીય મદદ પણ મળી રહેશે. આ સાથે ઘડપણમાં પડતી આર્થિક જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને નાણાકીય આયોજન તૈયાર કરી રાખો, જેથી જરૂરતના સમયે કોઈ તકલીફ ના પડે.
• વિચારોને જૂનવાણી ના રાખોઃ સમય સાથે દરેક ક્ષેત્રમાં ઘણા પરિવર્તન આવ્યા છે. પછી એ મનુષ્ય હોય, પરિસ્થિતિ હોય કે પછી ટેક્નોલોજીની વાત હોય. આ કારણે સમય સાથે તમારી વિચારસરણીને પણ બદલો અને સમય સાથે એક્ટિવ રહો. તમારા સમયમાં અને વર્તમાન સમયમાં ઘણો તફાવત છે. આ કારણે આજના ટેક્નોલોજી યુગ અને જીવનશૈલી સાથે જાતને અપડેટ રાખો. આ માટે તમે સંતાનો તેમજ તમારા પૌત્ર-પૌત્રીની પણ મદદ લઈ શકો છો. આ સિવાય તમે મોબાઈની મદદથી પણ સમય સાથે ડગ માંડી શકો છો. જૂનવાણી વિચારોને પકડી રાખવાને બદલે તમે પણ થોડી લેટ-ગોની ભાવના રાખીને આજની પેઢીને અને આજના સમયને સમજી તેમની સાથે તાલથી તાલ મિલાવો. તેનાથી તમારા સંતાનો તેમજ પૌત્ર-પૌત્રી વચ્ચે એજ ગેપની સમસ્યા રહેશે નહીં.
• શરીરને ઘરડું ન થવા દોઃ ઉંમર સાથે શરીરના સ્નાયુઓ પણ નબળા પડતા જાય છે. સ્નાયુઓ તેમજ હાડકા મજબૂત રહે તે માટે તમારી રોજિંદી ક્રિયામાં કસરત તેમજ યોગનો સમાવેશ કરવો જરૂરી છે. આ ઉપરાંત વહેલી સવારે મેડિટેશન કરવું અને વોક કરવું પણ શરીર માટે લાભકારી છે. તેનાથી તમારો આખો દિવસ તાજગીભર્યો રહેશે. નિયમિત કસરત તેમજ મેડિટેશન કરવાથી ઘણી બીમારીઓથી તમે બચી શકો છો. ઉંમર વધવાની સાથે ઘડપણ અને દવાઓ તેમજ હોસ્પિટલ સાથે જાણે એક અનિચ્છનીય સંબંધ બંધાઈ જાય છે. આ ઈચ્છા વિરુદ્ધના સંબંધથી દૂર રહેવા માટે પણ કસરત ઘણી મદદરૂપ રહે છે.
• નકારાત્મક અભિગમ ટાળોઃ ઘડપણને જીવનનો અંત નહીં શરૂઆત માનો. ઘણા વડીલો છે જેઓ 50 પાર કરતાંની સાથે જ શારીરિક અને માનસિક રીતે પોતાની જાતને વધારે પડતા ઉંમરલાયક સમજવા લાગે છે અને તેમની માનસિકતા પણ એ રીતની જ બની જાય છે. આવી નકારાત્મક માનસિક્તાને ટાળો. તમારી આ થર્ડ ઈનિંગની શરૂઆતને જીવનનો અંત નહીં, પણ શરૂઆત સમજીને તેનો આનંદ માણો. તમારી કેટલીક અધૂરી રહી ગયેલી ઈચ્છાઓને પૂરી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. નવા સમવયસ્ક મિત્રો બનાવો. મિત્રો, પરિવાર તેમજ તમારા સાથી સાથે ફરવા જવાનું પ્લાનિંગ બનાવો. આમ જે કામ તમે તમારા વ્યસ્ત જીવનમાં નથી કરી શક્યા તે નિવૃત્તિ પછીના સમયમાં પૂરા કરો. અને પછી જૂઓ, જિંદગી જીવવાની કેવી મજા પડે છે.