વડીલોને વયના વધવાની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે, પણ આ બધામાં અનિદ્રાની સમસ્યા તેમનામાં સામાન્ય બની રહી છે. અનિદ્રાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં માનસિક તાણ, સૂવાની ખોટી આદત, ઘોંઘાટ, જગ્યા બદલાવી, માનસિક અથવા શારીરિક શ્રમ જેવી સમસ્યાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે તેમને ઊંઘ તો આવે છે, પણ સારી રીતે નથી આવતી. ઘણી વખત સમય પહેલાં આંખ ખુલી જાય છે, રાત્રે 11 વાગે પથારીમાં ગયા હોઈએ અને ત્રણ-ચાર વાગે તો આંખ ખુલી પણ જાય છે. એ પછી પ્રયત્નો કરવા છતાં ઊંઘ આવતી નથી. પરિણામે સવારે મન ભારે રહે છે, કોઈ કામમાં મન નથી લાગતું અને શારીરિક અને માનસિક તકલીફો થાય છે.
1) અનિદ્રા ખુદ એક સમસ્યા
અનિદ્રાના લક્ષણો સમય અને ઉંમર સાથે બદલાતા રહે છે. અનિદ્રા એટલે કે ઈન્સોમ્નિયાને બે ભાગમાં વહેંચવામાં આવે છે. જો બે અઠવાડિયા સુધી અનિદ્રાની ફરિયાદ રહેતી હોય તો તેને શોર્ટ ટર્મ ઈન્સોમ્નિયા અથવા ટ્રાન્ઝિટ ઈન્સોમ્નિયા તરીકે ઓળખવામાં આવે છે. આ જ સમસ્યા મહિનાઓ જૂની હોય ત્યારે તેને ક્રોનિક ઈન્સોમ્નિયા કહે છે. આમ અનિદ્રા પોતાનામાં એક સમસ્યા તો છે જ પણ તેનાથી બીજી ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે.
2) ઓછી ઊંઘથી બીમારીઓને તેડું
અનિદ્રાની સમસ્યાથી પીડાતા વડીલો ધીરે ધીરે હતાશા, ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશર જેવી બીમારીઓનો શિકાર બને છે. આ બીમારીઓથી બચવા માટે તેમને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. સ્લીપ એપ્નિયા બીમારી વડીલ મહિલાઓમાં વધારે જોવા મળે છે. તેના કારણે તેઓ અનિદ્રાનો શિકાર બને છે અને ઊંઘ પૂરી ના થતાં તેમનો આખો દિવસ સુસ્તીભર્યો પસાર થાય છે.
3) સૂતાં પહેલાં ચા કે સિગરેટ ટાળો
રાત્રે સારી ઊંઘ આવતા દિવસ દરમિયાન ફ્રેશ રહેવાય છે અને તેનાથી અડધી સમસ્યાઓ તો આપોઆપ ગાયબ થઈ જાય છે, પણ અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો શારીરિક સમસ્યા વધી જાય છે. આથી જ કોઈ રોગ અથવા માનસિક સમસ્યાના કારણે ઊંઘ ના આવતી હોય તો વહેલી તકે તેની સારવાર કરાવવી જરૂરી છે. આ ઉપરાંત રાત્રે સૂતાં પહેલાં ચા, કોફી અથવા સિગરેટના સેવનથી બચવું, કારણ કે તેનાથી ઊંઘ આવતી નથી. પરિણામે અન્ય સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. રાત્રે સૂતા પહેલાં પગને ચોખ્ખા પાણીથી ધોઈ લો. પથારીમાં પહોંચ્યાની 20 મિનિટની અંદર જો ઊંઘ ના આવે તો વાંચન કરવું. તેનાથી આંખો ઘેરાય છે અને ઊંઘ આવવા લાગે છે. આ ઉપરાંત સારી ઊંઘ માટે રિલેક્સેશન થેરેપી પણ ઘણી અસરકારક છે. આ માટે દિવસ દરમિયાન થોડા યોગ, કસરત અને મેડિટેશન કરો.
4) રોગની કેવી રીતે ઓળખશો?
જેઓ અનિદ્રાથી પીડાય છે તેમને ડોક્ટર સાથે મુલાકાત કરી તમારી દિનચર્યા જણાવવી જરૂરી છે, જેથી તેઓ તમારી સમસ્યાનું મૂળ સમજી શકે. તેમાં તમારો રાત્રે સૂવાનો અને સવારે ઊઠવાનો સમય, પથારીમાં ગયા પછી કેટલી વારમાં ઊંઘ આવી, રાત્રે આંખ ખુલી હતી કે નહીં, અનિદ્રાની સમસ્યાની સાથે દિવસ દરમિયાન થતી સમસ્યાઓ અંગે પણ માહિતી આપવી જરૂરી છે.