વધતી વય માટે અંગ્રેજીમાં એક જાણીતી ઉક્તિ છે, ‘એજ ઇઝ જસ્ટ અ નંબર’. વધતી વયની ચિંતા કરીને તન અને મનને નબળા પાડી રહેલા વડીલોએ આ ઉક્તિનો મર્મ સમજવાની જરૂર છે. ઉંમર ભલેને ગમેતેટલી વધે, પણ આપણી અંદર રહેલું મન તો એક બાળક જેવું જ હોય છે. તમારામાંના બાળપણને ચેતનવંતુ રાખશો તો વધતી વયનો માનસિક બોજ ટાળી શકશો. તમે તમારી આસપાસ નજર કરશો તો જણાશે કે જે વ્યક્તિ વધતી વય કે તેની સાથે સંકળાયેલા પ્રશ્નોને હળવાશથી લઇ શકે છે તે સરળ-હળવાશભર્યું જીવન જીવી શકે છે. દરેક વ્યક્તિએ આ જ જુસ્સો જીવનના અંત સુધી જાળવવો જોઇએ. અને આ માટે તમારામાંના બાળપણને જીવંત રાખવું જરૂરી છે કારણ કે સાચું સુખ તો માસુમિયતભર્યા બાળપણમાં જ સમાયેલું છે.
• વડીલોને જ્યારે તેમની પાછલી ઉંમરમાં એટલે કે ‘મી ટાઇમ’નાં સમયમાં કંઇક કરવાની ઇચ્છા થાય ત્યારે તેઓ કરતાં પહેલાં સો વખત વિચાર કરતાં હોય છે. તેમને એક જ વાતે ચિંતા હોય છેઃ આ ઉંમરે આવું કરશું તો કેવા લાગશું? લોકો શું વિચારશે? પછી વાત ખાણીપીણીની હોય કે પોશાકની. જોકે હવે બધાં વિચારોને બાજુ પર મૂકીને તમારા મનનું જ કરો. જે ભૂતકાળમાં નથી કરી શક્યાં એ હવે કરો. ભલે પછી તે ગાંડપણ જેવું કામ કેમ ન હોય! તમારા મનનાં ખૂણામાં રહેલા બાળકને જીવંત રાખો, તો જ તમે તમારું ઘડપણ આનંદની પસાર કરી શકશો. ચોકલેટ, આઇસ્ક્રીમ જે કંઇ ખાવાની ઇચ્છા હોય એ ખાવ, પણ હા, આ સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ચોકલેટ, આઇસ્ક્રીમ ખાવ, પણ મર્યાદામાં આખા અઠવાડિયામાં કોઇ એક દિવસ ‘ચીટ ડે’ રાખો એટલે કે અઠવાડિયામાં એક દિવસ તમે આવા બધા જંકફૂડ ખાવાની છુટ લઇ શકો છો. ક્યારેક ક્યારેક મિત્રો સાથે મળીને નાનું ગેટ ટુગેધર પણ રાખો અને મસ્તીમજાક કરો. જીવનનો ભરપૂર આનંદ માણો.
• ૬૦ બાદ તમારાં પૌત્ર-પૌત્રી માટે માર્ગદર્શક પણ બનો અને તેમનાં મિત્રો પણ બનો. તેમની સાથે રમતો રમો, મસ્તી કરો, વાર્તા કહો, તેમની સાથે જૂની યાદો શેર કરો. સમય પસાર કરો. આમ કરવાથી તેમને પણ સારું લાગશે અને તેમને પણ મજા આવશે. બાળકો નવી નવી વાતો શીખશે. અને તમે પણ અત્યારનાં મોડર્ન સમય સાથે અપડેટ રહેશો.
• તમારી ઇચ્છાઓને મનમાં દબાવીને ન રાખો. તમારી સુખદુઃખ, આનંદ, પસંદ-નાપસંદની લાગણી પરિવારજનો સાથે વહેંચો. પરિવાર સાથે મળીને હસી-મજાક કરો. ગીતો ગાવ. ડાન્સ કરો અને મિત્રો સાથે સમય પસાર કરો. ઉંમર કોઇ પણ હોય, જીવનનો આનંદ દરેક પળે માણી શકાતો હોય છે.
• ઉંમર ગમેતેટલી વધી હોય પણ દરેક વ્યક્તિની અંદર એક બાળક હંમેશાં જીવંત રહેતું હોય છે. વડીલો તેમની પાછલી ઉંમરમાં કંઇક અંશે બાળક જેવા જ હોય છે. તેમનાં વર્તનમાં અને ખાવાપીવામાં પણ તેઓ બાળકની જેમ પસંદ-નાપસંદમાં દૃઢ હોય છે. આવી પરિસ્થિતિમાં સંતાનોએ પણ થોડી સમજદારી અને ધીરજ રાખીને તેમની ઇચ્છાઓ પૂરી કરવી જોઇએ. તેમની સાથે પિકનિકનું આયોજન કરો. પહેલાં માતા-પિતા તમારા નખરા ઉઠાવતાં હતાં, હવે તમારો સમય છે. તમે તેમનાં નખરા અને વર્તણૂકને અપનાવો. તેમની ઉપર ગુસ્સો ક્યારેય ન કરો. જો એવી કોઇ વાત હોય તો તેમને એક બાળકની જેમ પ્રેમથી સમજાવો. હા, પણ આ બધામાં વડીલોએ પણ બાળપણને એટલું હાવી ન થવા દેવું કે પરિવાર કે અન્ય સભ્યો હેરાન થાય.