ઘરની આસપાસ હરિયાળી બાળકોનો આઇક્યુ વધારે

Monday 21st December 2020 02:35 EST
 
 

લંડન: હરિયાળી વાળા ક્ષેત્રોમાં રહેતાં બાળકોનું આઈક્યૂ લેવલ ઝડપથી વધે છે. એટલું જ નહીં, આવા વાતાવરણમાં રહેતાં બાળકો ઘણાં સમજદાર હોય છે અને ગેરવર્તણૂક પણ કરતાં નથી. બેલ્જિયમની હાસેલ્ટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા સ્ટડીમાં આ પરિણામ સામે આવ્યાં હતાં. અલબત્ત, આ વાતના પુરાવા પહેલાંથી જ મળી ચૂક્યા છે કે લીલો રંગ બાળકોના વિકાસમાં દરેક રીતે મદદરૂપ થાય છે પણ તેને પારખવા માટે પહેલી વાર આ પ્રકારનો સ્ટડી હાથ ધરાયો હતો. બાળકોમાં આઈક્યૂની તપાસ માટે ૧૦થી ૧૫ વર્ષનાં ૬૨૦ બાળકો પર અભ્યાસ કરાયો હતો. હરિયાળીની સેટેલાઈટ ઈમેજ લઈને હાથ ધરાયેલા સ્ટડીમાં જાણ થઈ હતી કે જે બાળકોની આજુબાજુ વધારે હરિયાળી છે તેમનો આઈક્યૂ સ્કોર સરેરાશથી ૨.૬ વધુ છે. આવા બાળકોમાં માત્ર તણાવનું સ્તર જ ઓછું નહોતું પણ બાળકોની શારીરિક પ્રવૃત્તિઓ વધુ હતી અને વાતાવરણ પણ શાંત હતું.
પ્રોફેસર ટિમ નોરો કહે છે કે હરિયાળીવાળાં ક્ષેત્રોમાં રહેતાં બાળકોનો સરેરાશ આઈક્યૂ સ્કોર ૧૦૫ હતો, પણ અમે એ નોંધ્યું કે ૮૦થી ઓછા સ્કોરવાળાં બાળકોમાં ૪ ટકા બાળકો હરિયાળીના નીચા સ્તરવાળાં ક્ષેત્રોમાં મોટાં થયાં છે. સામાન્ય રીતે ૯૦થી ૧૧૦ વચ્ચે આઈક્યૂ લેવલ હોય છે. ૧૨૫થી ૧૩૦ આઈક્યૂ લેવલ ધરાવતા બાળકોને હોંશિયાર માનવામાં આવે છે.
બ્રિટનની એક્સેટર યુનિવર્સિટીના એન્વાયર્ન્મેન્ટ સાયન્ટિસ્ટ ડો. મેથ્યુ વ્હાઈટ કહે છે કે બાળકોની બુદ્ધિમત્તા અને કાર્યકૌશલ્ય પર જીન્સ અને માહોલ બંનેની ગાઢ અસર થાય છે. ખાસ કરીને જ્યારે તેમનું મગજ આકાર લેતું હોય છે. નવી વસ્તુઓ ગ્રહણ કરવા માટે સૌથી વધુ એક્ટિવ રહે છે. તેમાં પેરન્ટિંગનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહે છે. આઈક્યૂ વધારવા માટે વધુ કસરત અને ઓછો તણાવ અસરદાર સાબિત થાય છે. હરિયાળીથી એકાગ્રતા વધે છે. બાળકોનો આઇક્યૂ વધારવા માટે પેરેન્ટ્સ દ્વારા ફોર્મલરૂપે ભણાવવું જરૂરી નથી. વધારે જરૂરી એ છે કે તેઓ સંતાનો માટે યોગ્ય અને પ્રેરક વાતાવરણ તૈયાર કરે, જેથી બાળકો નવી વસ્તુઓ શીખવા અને તેને ઝડપથી ગ્રહણ કરવા પ્રેરિત થાય.
ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ડો. પલ્લવી જોશી કહે છે કે હરિયાળી અને ખુલ્લા વાતાવરણમાં રહેતાં બાળકો સરેરાશ કરતાં ઓછાં ઉગ્ર હોય છે. બેલ્જિયમમાં સૂર્યનો ઓછો પ્રકાશ આવે છે એટલા માટે ત્યાં ડિપ્રેશનની સમસ્યા વધુ જોવા મળે છે. આથી સંભવ છે કે ત્યાં બાળકોમાં હરિયાળીમાં રહેવાથી આઈક્યૂ લેવલ વધુ જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter