જેમ કે, ઘણી વાર ચશ્માંના નંબરની ફરિયાદ લઈને આવતા લોકોને ઝામર, મોતિયો, રૂમેટોઇડ આર્થ્રાઇટિસ જેવી તકલીફો પણ હોય છે. કમ્પ્યુટરથી નંબર ચેક કરવામાં ઘણી વાર એવું પણ બનતું હોય છે કે થાકથી અથવા તો અન્ય કારણોસર આંખો નબળી પડી હોય હોય તો પણ નંબર વધારે દેખાય છે.
આંખના નંબર નક્કી કર્યા પછીની અગત્યની બાબતો હોય તો એ છે ચશ્માંના કાચ કયા વાપરવા એ. સામાન્ય રીતે ચહેરા પર કઈ ફ્રેમ સારી લાગશે એ તપાસવામાં જેટલો સમય થઈ જાય છે એનાથી અડધો સમય પણ ચશ્માના ગ્લાસની પસંદગી માટે ફાળવાતો નથી. મોટા ભાગે યોગ્ય લેન્સની પસંદગી માટે ખાસ સમજણ પડતી ન હોવાથી દુકાનદાર જેના વખાણ કરે એ જ માની લઈએ છીએ. જો તમારે આંખની યોગ્ય જાળવણી કરવી હોય તો ફ્રેમની સાથે અંદરના લેન્સ કેવા હોવા જોઈએ એ વિચારવું પણ જરૂરી છે.
ગ્લાસ, પ્લાસ્ટિક, સ્ટાન્ડર્ડ મિડ ઇન્ડેક્સ અને હાઇ ઇન્ડેક્સ એમ લેન્સમાં અનેક વરાઇટી ઉપલબ્ધ છે. મોટા ભાગના લોકો ખાસ કરીને પ્લાસ્ટિકના હળવા લેન્સ પસંદ કરે છે જે પાતળા, વજનમાં હલકા અને પહેરવામાં ખૂબ અનુકૂળ હોય છે. જોકે તમારું કામ કેવા પ્રકારનું છે એના આધારે આંખના નિષ્ણાતની મદદ લઈને કેવા લેન્સ વાપરવા એ નક્કી કરવું જોઈએ. જોકે લેન્સના પ્રકાર જાણતા પૂર્વે બીજી પણ એક માન્યતા વિશે વાત કરી લઇએ. જેમ કે, ચશ્માંથી નંબર વધે કે ઘટે?
કેટલાક લોકો માનતા હોય છે કે અમુક-તમુક લેન્સવાળાં ચશ્માં પહેરવાથી નંબર ઘટે છે. બીજી એક એવી માન્યતા છે કે નંબર હોય એ વ્યક્તિ હંમેશાં ચશ્મા પહેરી જ રાખે તો પણ નંબર ઘટી જાય છે. એનાથી અલગ મંતવ્ય એ પણ છે કે ચશ્માં પહેરવાથી દૃષ્ટિ સુધરતી નથી, એટલે ચશ્માં પર ડિપેન્ડન્ટ ન થવું. જોકે એ બધી જ વાત ખોટી છે.
હકીકત એ છે કે ચશ્માં પહેરવા કે ન પહેરવાને આંખોના નંબર ઘટવા-વધવા સાથે કોઈ સંબંધ નથી હોતો. ચશ્માં પહેરવાથી વ્યક્તિ ચોખ્ખું જોઈ શકે છે એટલા માટે ડોક્ટરો દ્વારા ચશ્માં પહેરવાનું સજેસ્ટ કરવામાં આવે છે. તમે ચશ્માં વગર પણ જો અમુક કામ કોઈ જ અગવડ વગર રહી શકતા હો તો એ કામ માટે ચશ્માં પહેરવાની કોઈ જરૂર નથી. હા, જો તમને બરાબર દેખાતું ન હોય છતાં આંખો ખેંચી-ખેંચીને દૂરની ઝીણી-ઝીણી ચીજો વાંચવાનો કે જોવાનો પ્રયત્ન કરો તો આંખોના સ્નાયુઓ ખેંચાય છે અને વધુ સમય એમ કરવાથી ચશ્માંના નંબર વધે છે.
હવે આપણે લેન્સના વિવિધ પ્રકાર વિશે જાણીએ.
• પોલિકાર્બોનેટ અને ટ્રાઇવેક્સ લેન્સઃ વધુ પડતાં સૂર્યનાં કિરણો આંખ પર પડવાને કારણે મોતિયો આવે છે, કીકીને નુકસાન થઈ શકે છે અને આંખની દૃષ્ટિ વધુ ઝાંખી થાય છે. એ સુરક્ષાકવચનું કામ આપે છે. સ્પોર્ટ્સમાં એક્ટિવ બાળકો માટે સ્પોર્ટ્સવેઅર તરીકે આદર્શ
છે. આંખોને સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણ સામે રક્ષણ આપે એવું મૂવી પ્રોટેક્શન લેન્સથી મળે છે.
• ફિકસ્ડ ટિન્ટ લેન્સઃ એ સાદા સનગ્લાસ જેવું કામ આપે છે. થોડાક સમય માટે નોર્મલી તડકામાં નીકળવાનું થતું હોય તો આ લેન્સ ચાલી જાય. અલ્ટ્રાવાયોલેટ કિરણોને એ અવરોધે છે, અટકાવે છે.
• ફોટોક્રોમિક લેન્સઃ એ ફિકસ્ડ ટિન્ટ લેન્સથી એક ડગલું આગળ છે, જે પ્રકાશનાં કિરણોને સીધા આંખ પર પડતાં અટકાવીને રક્ષણ આપે છે. જે લોકોને તડકામાં ફરવાનું રહેતું હોય તેમના માટે આ ઉત્તમ છે. આ ગ્લાસ સૂર્યના વધતા-ઘટતા પ્રકાશ સામે આંખોને આરામ અને અનુકૂળતા આપે છે.
• કોટિંગ ટ્રિટમેન્ટઃ લેન્સ કોટિંગ ટ્રિટમેન્ટથી આંખ પર આવતું દબાણ ઘટે છે અને આંખો ઓછી થાકે છે. એન્ટિ-રિફ્લેક્ટિવ કોટિંગ લેન્સ પ્રકાશના રિફ્લેક્શનને દૂર કરે છે. ડ્રાઇવિંગ કરવાનું હોય કે કમ્પ્યુટર પર લાંબો સમય કામ કરવાનું હોય એવા લોકોએ આવું કોટિંગ વાપરવું જોઈએ. સ્ક્રેચ રેઝિસ્ટન્ટ હાર્ડ કોટિંગથી લેન્સની આવરદા વધે છે.
• પોલરાઇઝ્ડ લેન્સઃ સ્કીઇંગ, ફિશિંગ જેવી આઉટડોર એક્ટિવિટી સમયે આ આ લેન્સ વાપરવાનું હિતાવહ છે. આનાથી બરફ કે પાણીની સપાટી પરથી પરાવર્તિત થઈને આવતાં સૂર્યનાં કિરણોથી આંખને રક્ષણ મળે છે.