ગરમીના દિવસો આવે કે તરત જ લોકોના ઘરમાં શરબતના શીશા આવી જાય છે. તૈયાર ફ્રૂટ-પાઉડર્સ અને શરબતનાં સિરપ બસ તૈયાર પાણીમાં નાખીને પી જાઓ અને જો એટલી પણ મહેનત ન કરવી હોય તો તૈયાર સોડાવાળા કે સોડા વગરના કોલ્ડ ડ્રિન્ક્સ બજારમાં અઢળક મળે છે! પરંતુ ગરમીના દિવસોમાં આ પીણાંઓ હેલ્ધી ગણાય ખરાં? બિલકુલ નહીં. બહારનાં કોલા ડ્રિન્ક્સ, પેક્ડ જૂસ, કોલ્ડ ડ્રિન્ક્સ, શરબત, જલજીરા વગેરે કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ્સથી ભરપૂર હોય છે. એ સિવાય એમાં ભરપૂર માત્રામાં ખાંડ અને મીઠું વાપરવામાં આવે છે. આ બધું શરીરને બધી જ રીતે નુકસાનકારક બને છે.
પરંતુ ગરમીના દિવસોમાં વધુ પાણી કે પ્રવાહી પીવું જરૂરી છે, જો પૂરતું પાણી પીવામાં ન આવે તો શરીરમાંથી પાણીનું સ્તર ઘટી જતું હોય છે. આ દિવસોમાં આપણા શરીરને લગભગ ૩ લીટરની જગ્યાએ ૩.૫થી ૪ લીટર પાણીની જરૂર ઉનાળામાં પડે છે. આમ તો પાણીની કમી ફક્ત પાણીથી જ દૂર કરવી બેસ્ટ ગણાય, પરંતુ સ્વાદશોખીન ગુજરાતીઓ પાણીમાં પણ સ્વાદ શોધતા હોય છે. આથી જ અહીં સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ જળવાય તેવા વિકલ્પો રજૂ કર્યા છે. પાણીની ઊણપ પૂરી કરવા, ગળામાં પડતો શોષ મટાડવા અને ગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા આપણે શરબત કે ઠંડાં પીણાંને બદલે આ હેલ્ધી ડ્રિન્ક્સ વાપરી શકીએ. વળી, અહીં આપેલાં ડ્રિન્ક્સ ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર અને હાર્ટ-પ્રોબ્લેમ્સ ધરાવતી વ્યક્તિઓ પણ પી શકે છે, કારણ કે એમાં કોઈ ખાંડ કે મીઠાનો પ્રયોગ કરવામાં આવતો જ નથી.
કાકડી કૂલર
આપણે સહુ જાણીએ છીએ કે કાકડી ઉનાળામાં વરદાનરૂપ સાબિત થઈ શકે એમ છે. કાકડીમાં ખૂબ માત્રામાં પોષણ અને પાણી છે, જે ઉનાળામાં ઘણું જ ગુણકારી સાબિત થાય છે. પાચન માટે, મગજની તંદુરસ્તી માટે, કેન્સર અને હાર્ટ-ડિસીઝ સામે લડવા, સ્ટ્રેસને મેનેજ કરવા માટે કાકડી ખૂબ જ ઉપયોગી છે. અહીં કાકડી કૂલ (એક ગ્લાસ) બનાવવાની રીત આપી છે.
• ૩-૪ કાકડી • ૧૦ તુલસીનાં પાન • ૧૦-૧૫ ફુદીનાનાં પાન
• ૧ ઇંચ જેટલો આદુનો ટુકડો • લીંબુનો રસ-સ્વાદ અનુસાર
રીતઃ બધી સામગ્રી મિક્સ કરીને મિક્સરમાં હલાવી નાખો. ગાળવું ન હોય તો વધુ સારું, નહીંતર ગાળી લો. આ કૂલરને લાંબો સમય રાખી મૂકવાના બદલે તરત જ પીઓ. ફક્ત સ્વાદ માટે કે ઠંડું જ પીવું છે એવું વિચારીને એમાં બરફ નાખો તો ઠીક છે, બાકી ઠંડાનો આગ્રહ ન રાખો અને બરફ ન નાખો તો એ વધુ આરોગ્યપ્રદ ગણાશે.
કૂલ ગ્રીન ટી
ગ્રીન ટી આજકાલ એકદમ હેલ્ધી ગણાય છે. આ જ ગ્રીન ટીને તમે ઠંડી કરીને પણ પી શકો. તમે આ ગ્રીન ટીમાં ઠંડા પાણીનો ઉપયોગ કરી શકો છો. અથવા તો એ બની ગયા પછી થોડોક સમય ફ્રિજમાં મૂકી રાખ્યા બાદ ઠંડી કરીને પી શકો છો. ગ્રીન ટી શરીર અને મગજની જુદી-જુદી કામગીરીને સતેજ બનાવે છે. અહીં ઠંડી ગ્રીન ટી (એક ગ્લાસ) બનાવવાની રીત આપી છે.
• ૧ કે ૨ ગ્રીન ટી-બેગ્સ • ૧ ચમચી મધ • ૧૦-૧૨ ફુદીનાનાં પાન • લીંબુનો રસ
રીતઃ પાણીમાં ગ્રીન ટી-બેગ્સને ડિપ કરીને ચા તૈયાર કરો. એમાં ફુદીનાનાં ક્રશ કરેલાં પાન, મધ અને લીંબુનો રસ ઉમેરીને પીઓ. ગ્રીન ટી ચિલ્ડ પીવી હોય તો ચાને તૈયાર કરીને ફ્રિજમાં મૂકી રાખો અને પછી તેની લિજ્જત માણો.
વરિયાળી કૂલર
ગરમીના દિવસોમાં મોટા ભાગે લોકો વરિયાળીના તૈયાર શરબતના શીશા ઉપયોગમાં લેતા હોય છે, જેમાં ભરપૂર માત્રામાં ખાંડ હોય છે. એ ન વાપરીને ઘરે જ એક હેલ્ધી કૂલર તૈયાર કરી શકાય છે. આ કૂલરમાં ઉપયોગમાં આવતી બધી જ વસ્તુઓ પેટને ઠંડક પહોંચાડે છે, પાચન માટે ખૂબ જ ગુણકારી છે. ગરમીમાં લોકોને એસિડિટી, પેટમાં બળતરા થાય છે અને ખોરાક પચતો નથી એવી સ્થિતિમાં આ કૂલર બેસ્ટ છે. અહીં વરિયાળી કૂલર (એક ગ્લાસ) બનાવવાની રીત આપી છે.
• ૧થી ૨ ચમચી વરિયાળી • ૧૦-૧૨ કાળી દ્રાક્ષ • ૨-૩ ખડી સાકર • ૨ ટુકડા કોકમ
રીતઃ વરિયાળી, કાળી દ્રાક્ષ અને કોકમને આખી રાત પલાળી રાખો. સવારે કોકમને મસળીને ગાળી લો. વરિયાળી અને દ્રાક્ષને એને પલાળવા માટે લીધેલા પાણી સાથે જ પીસી નાખો. એમાં ખડી સાકર અને કોકમનું પાણી નાખીને ફરીથી ક્રશ કરો. કૂલર તૈયાર છે. પી જાઓ.
કાચી કેરીનું કૂલર
ગરમીમાં લોકો કાચી કેરીનો પન્નો બનાવે છે. તેમાં નાખવામાં આવતા પદાર્થો જેમ કે જીરું, સંચળ, ફુદીનો બધું જ ગુણકારી છે, પરંતુ કેરીની ખટાશને પહોંચી વળવા એમાં ભારોભાર ખાંડ નાખે છે તે બિલકુલ બિનઆરોગ્યપ્રદ છે. પન્નામાં ખાંડ ન નાખીને એને એકદમ પાતળો બનાવીને એટલે કે પાણીની માત્રા વધારીને કેરીની ખટાશને સરભર કરવામાં આવે તો એ વધુ ગુણકારી નીકળશે. કાચી કેરી શરીરમાંથી થતો બિનજરૂરી વોટર-લોસ અટકાવે છે અને એ રીતે શરીરમાંથી ખનીજ તત્વોને વહી જતાં પણ અટકાવે છે. સાથે-સાથે પાચનને સુધારે છે. કાચી કેરી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. કાચી કેરી કૂલર (એક ગ્લાસ) બનાવવા માટેની રીત અહીં આપી છે.
• ૧ કાચી કેરી (તોતાપુરી જેવી ઓછી ખાટી કેરી) • ૧ ચમચી શેકેલું જીરું
• સંચળ સ્વાદ અનુસાર • ૧૦-૧૨ ફુદીનાનાં પાન • ૧ ઇંચ આદુનો ટુકડો
રીતઃ કેરીને બાફી લો અને એનો પલ્પ કાઢી લો. એમાં પાણી ઉમેરો. પાણીની માત્રા એટલી રાખવી કે એને લીધે કેરીની ખટાશ એટલી રહે જેટલી તમને ભાવે અથવા તમે આખો ગ્લાસ ભરીને પી શકો. હવે આ મિશ્રણને મિક્સરમાં ફુદીનો અને આદુ નાખીને પીસી લો. સંચળ અને જીરું નાખી હલાવો અને સર્વ કરો.