ચાલતા રહો અને સંતુલન સુધારો

હેલ્થ બૂલેટિન

Sunday 08th December 2024 06:54 EST
 
 

સંતુલન જાળવવું એવી પ્રક્રિયા છે જેની આપણે ખાસ દરકાર કરતા નથી. આપણે જીવનનાં 50 કે 60ના દાયકામાં આવીએ ત્યારે કદાચ જાણ થાય કે શરીરની સમતુલા બરાબર જળવાતી નથી. વૃદ્ધાવસ્થા આવે તેમ શરીરમાં સ્નાયુઓનો જથ્થો, સ્થિતિસ્થાપકતા, ધીમી અનૈચ્છિક પ્રતિક્રિયા અને નબળી થતી દૃષ્ટિ, ચોક્કસ તબીબી સમસ્યાઓ સહિતના ફેરફારો જોવા મળે છે જે આપણાં શારીરિક સંતુલનને અસર કરે છે. સંતુલન નબળું થવાથી પડી જવાનું વધે છે જેનાથી માથા સહિત અન્ય અંગોમાં ઈજા, ફ્રેક્ચર્સ થઈ શકે છે. થાપાનું ફ્રેક્ચર વધુ જોખમી બની રહેવા સાથે હલનચલન ઘટવાથી આઝાદી છીનવાઈ જાય છે.
જોકે, સંતુલનને સુધારવું ઘણું મુશ્કેલ નથી. તમે વધુ ચાલવાનું રાખશો તેનાથી શરીરના નીચેના અંગોમાં મજબૂતાઈ વધે છે જે સંતુલન જાળવવા માટે જરૂરી હોય છે. મોટા ભાગના લોકો માટે ચાલવું એ શ્રેષ્ઠ કસરત ગણાય છે. જો તમે કસરત કરતા ન હો તો ધીરે ધીરે શરૂઆત કરી શકાય છે. તમને લાકડી અથવા વોકરનો ઉપયોગ સારો લાગતો હોય તો ખચકાવાની જરૂર નથી. શરીરમાં તાકાત વધતી જાય તેમ ચાલવાનો સમય વધારી શકો છો. સપ્તાહમાં 150 મિનિટ ચાલવાનું લક્ષ્ય રાખવાનું છે.
શું ફિશ ઓઈલ સપ્લિમેન્ટ્સ કેન્સરનું જોખમ ઘટાડે?
એ તો જાણીતી હકીકત છે કે ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ વ્યક્તિની સમગ્રતયા તંદુરસ્તીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જરૂરી ફેટી એસિડ્સ આપણા શરીરમાં ઉત્પાદિત થતાં ન હોવાથી બહારના આહાર થકી મેળવવાં પડે છે. હવે ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાના સંશોધકોને જાણવા મળ્યું છે કે ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ આંતરડા, જઠર અને ફેફસાંના કેન્સર સહિત કેટલાંક પ્રકારના કેન્સર સામે રક્ષણ આપી શકે છે. મુખ્યત્વે તૈલી માછલી અને વનસ્પતિજન્ય સ્રોતોમાંથી મળતા આ ફેટી એસિડ્સ મગજની કામગીરી બરાબર ચલાવવામાં તેમજ શારીરિક વૃદ્ધિ અને વિકાસમાં મદદરૂપ બને છે.
સંશોધકોએ તેમના અભ્યાસ માટે યુકે બાયોબેન્કમાં નોંધાયેલા 250,000 થી વધુ લોકોના મેડિકલ ડેટાનું વિશ્લેષણ કર્યું હતુ અને 10 કરતાં વધુ વર્ષ સુધી તેમના લોહીમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ કેટલું રહે છે અને તેઓમાં કેન્સરની ઘટનાઓ પર નજર રાખી હતી. 19 પ્રકારના કેન્સર પર ધ્યાન કેન્દ્રિત કરતાં જણાયું હતું કે ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ વધુ રહ્યું હોય તેમને કેન્સરનું જોખમ ઓછું જણાયું હતું. જોકે, નિષ્ણાતોએ આ બાબતે વિશદ્ અભ્યાસ કરવા આવશ્યક હોવાનું પણ જણાવ્યું છે. અગાઉના સંશોધનો અનુસાર ઓમેગા-3ને ડિમેન્શીઆ અને હૃદયરોગ જેવી સ્થિતિનું જોખમ ઘટાડવા તેમજ આંખનું આરોગ્ય સુધારવા સાથે સાંકળવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter