ચાલવાની આ 3 રીત ઝડપથી ચરબી ઓગાળશે

Wednesday 02nd October 2024 05:25 EDT
 
 

વજન ઘટાડવું અને ઓવરઓલ તંદુરસ્તી સારી રાખવાની સૌથી અસરકારક રીત ચાલવું. નિયમિત ચાલવાથી વજન સંતુલિત થવાની સાથે હૃદયનું તંત્ર પણ સારું રહે છે. મૂડ સારો રહે છે, મનોમૂંઝવણ ઘટે છે. ડાયાબિટિસ, હાઈપરટેન્શન જેવી ગંભીર બીમારીનું જોખમ ઘટે છે. અને જો તમે નિયમિત ચાલવાની કસરતનો યોગ્ય પદ્ધતિ અને સ્ટ્રેટજી સાથે અમલ કરો તો ચરબી ઓગાળવાની ક્ષમતાને પણ વધારી શકાય છે. તમે ચાલવાથી કઇ રીતે ઝડપભેર ચરબી ઓગાળી શકો તે અંગે આવો આપણે જાણીએ.

મધ્યમ કે તીવ્ર ગતિએ ચાલવું
જો તમે ફેટ બર્નિંગ માટે ચાલતા હો તો એવું કાર્ડિયો વર્કઆઉટ કરો જેમાં હાર્ટરેટ મહત્તમ ક્ષમતાથી 40થી 70 ટકા સુધી વધી જાય. તેને ઝોન-2 કાર્ડિયો કહે છે. જોકે આ પહેલાં તમારો સૌથી મહત્તમ હાર્ટરેટ જાણો. આ માટે 220માંથી તમારી વર્તમાન ઉંમરને બાદ કરો. ઉદાહરણ તરીકે જો તમે 50 વર્ષના છો તો તમારો મહત્તમ હાર્ટબીટ રેટ પ્રતિ મિનિટ 170 થયો. આના 60થી 70 ટકા એટલે કે 102થી 119 બીટ પ્રતિ મિનિટ એ ઝોન-2 રેન્જ છે. તમે હાર્ટબીટને સતત મોનિટર કરવા માટે ફિટનેસ વોચ, બેન્ડ વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો કે પછી ટોક ટેસ્ટ કરી શકો છો. જેમ કે, ચાલતા સમયે જો તમે નજીકની વ્યક્તિ સાથે આરામથી વાત કરી શકો છો તો તમે ઝોન-2માં છે. જો શ્વાસ ફૂલે છે, આખું વાક્ય બોલી શકતા નથી તો ઝોન-૩માં છો. આ બન્ને ઝોનમાં ચાલવાથી કે કસરત કરવાથી ચરબી ઝડપથી ઓગળે છે. શરીરમાં જમા થયેલી જમા ફેટનો ઉપયોગ કરવા લાગે છે. આ રીતે ચાલવાની સ્ટાઇલને તમે ડેઇલી રુટિનમાં સરળતાથી સામેલ કરી શકો છો.

ખાલી પેટ ચાલવું
જો તમારે ફેટ ઝડપથી બર્ન કરવી છે તો સવારે ખાલી પેટે ચાલો. પાણી સિવાય કંઇ પણ ખાધાપીધા વગર ખાલી પેટ ચાલવાથી શરીર જામેલી ફેટનો ઊર્જા માટે ઉપયોગ કરે છે કેમ કે આ સમયે ગ્લાઈકોજનનું સ્તર ઓછું હોય છે. ગ્લાઈકોજન એ શરીરમાં સુગરનો એક પ્રકાર છે. ઝડપથી ચરબી ઓગાળવા માટે દરરોજ મધ્યમ અને તેજ વોક કરો. હા, પૂરતું પાણી જરૂર પીઓ. અને જો કદાચ નબળાઈ કે ચક્કર આવતા હોય તેવું લાગે તો ચાલતા પહેલા થોડો નાસ્તો કરી લો. આ પ્રકારે ચાલવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેનાથી ફેટ તૂટવાની પ્રક્રિયા ઝડપી બને છે. પરિણામે શરીરમાં જામેલા ચરબીના થર ઝડપથી ઓગળે છે. ઈન્સ્યુલિન સેન્સિટિવિટી સુધરે છે, જે સરવાળે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ઢોળાવ પર ચાલવું
જો તમે ચઢાણ ધરાવતા રસ્તા પર ચાલશો તો પણ ચરબી ઝડપથી ઓગળશે કેમ કે આ રીતે ચાલવામાં શરીરને વધુ મહેનત કરવી પડે છે. આવા રસ્તા પર ચાલવામાં શરીરની વિવિધ માંસપેશીઓનો ઉપયોગ થાય છે, તેનાથી ફેટ વધુ બર્ન થાય છે. આથી ચઢાણવાળો રસ્તો પસંદ કરો કે ટ્રેડમિલને એ પ્રકારે સેટ કરો. શરીરને ચેલેન્જ આપવા માટે પહેલા ચઢાણ પર, પછી સમથળ જમીન પર ચાલો. શરૂઆત હળવા ચઢાણથી કરો. થોડાક સમયમાં જ તમને ફાયદો જણાવા લાગશે. ચઢાણ પર ચાલવાથી કેલરી બર્ન થવાની સાથોસાથ હાર્ટ રેટ પણ સુધરશે અને આમ હૃદય પણ મજબૂત બનશે. હૃદયની કાર્યક્ષમતા વધશે. સરવાળે ફેટલોસ વધુ થાય છે. આ પ્રકારે ચાલવાથી શરીરના નીચલા ભાગની માંસપેશીઓ મજબૂત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter