લંડનઃ એક અભ્યાસનું તારણ દર્શાવે છે કે ચાલવાની ગતિ તમને થનારા સ્મૃતિદોષ (ડિમેન્સિયા) સહિતના ઘાતક રોગોના સંકેત પહેલેથી જ આપી દે છે. નવા સંશોધનોમાં એ હકીકત સામે આવી છે કે 45 વર્ષની વયે ધીમી ગતિએ ચાલતી વ્યક્તિના મગજ અને શરીર ઝડપી ગતિએ ચાલતી વ્યક્તિને મુકાબલે વધુ વૃદ્ધ થઈ ચૂકેલા હોય છે. જે લોકો ઝડપી ગતિએ ચાલતા હોય તેને મુકાબલે ધીમી ગતિએ ચાલનારી વ્યક્તિના ફેફસાં, સાંધા અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળાં હોય છે.
આમ તો ત્રણ વર્ષની ઉંમરે જ મેન્ટલ એજિબિલિટ ટેસ્ટની મદદથી નબળું તન-મન ધરાવનારાની ઓળખ થઈ શકતી હોય છે. બાળપણમાં જ આવા ટેસ્ટ થવાથી ભવિષ્યમાં જેમને અલ્ઝાઈમર સહિતની બીમારી થવાની સંભાવના હોય તો તે ઓળખાઇ જાય છે. ડ્યૂક યુનિવર્સિટીના ન્યુરોસાયન્ટિસ્ટ ડો. લાઇન રાસ્મુ સેનના જણાવ્યા મુજબ ચિંતાજનક એ છે કે મોટી ઉંમરે નહીં, પણ 45 વર્ષની વયે પણ લોકોમાં આવા લક્ષણ જોવા મળી રહ્યા છે. માત્ર ચાલવાના ટેસ્ટ આધારે બીમાર વ્યક્તિને અલગ તારવી શકાય છે.
સંશોધકોના જણાવ્યા મુજબ ધીમી ગતિએ ચાલનારી વ્યક્તિ ઝડપથી વૃદ્ધત્વ તરફ આગળ વધી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અને આ વ્યક્તિ બાળક હોય ત્યારે જ કેટલાક ટેસ્ટની મદદથી તેમના આ લક્ષણોને પારખી શકાતા હોય છે. વ્યક્તિ ત્રણ વર્ષની ઉંમરની હોય ત્યારે તેના આઇક્યૂ, ભાષાની સમજ, હતાશાનું પ્રમાણ, સહિષ્ણુતા, લાગણીના આવેગો પર નિયંત્રણ વગેરેના આધારે તે જાણી શકાય કે 42 વર્ષ પછી (એટલે કે ૪૫ વર્ષની ઉંમરે) તે કેટલી ઝડપે ચાલશે.