ચીઆ સીડ્સ હંમેશાં પલાળીને પીવા જોઈએ
લોકોને ચીઆ સીડ્સના લાભ સમજાવા લાગ્યા હોવાથી તેનો વપરાશ પણ વધી રહ્યો છે. સાલ્વિઆ હિસ્પનિકા પ્લાન્ટના ખાઈ શકાય તેવા બીજ ચીઆ સીડ્સ છે જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ, ઓમેગા 3 ફેટી એસિડ્સ, ફાઈબર અને પ્રોટીન હોવાથી ડાયાબિટીસ અને કાર્ડિયોવાસ્કુલર રોગમાં અને વજન ઉતારવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, ડોક્ટર્સની સલાહ છે કે ચીઆ સીડ્સને પાણી કે દૂધ જેવાં પ્રવાહીમાં બરાબર ભીંજાવીને જ ઉપયોગમાં લેવા જોઈએ. હેલ્થ વેબસાઈટ્સ પણ આવી જ સલાહ આપે છે.આ બીજ પ્રવાહીમાં ભીંજાયા પછી તેના વજનના 27 ગણું પાણી શોષે છે.
ડોક્ટર્સ અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજીમાં પ્રકાશિત 2014નો એક કિસ્સો જણાવે છે કે 39 વર્ષની એક વ્યક્તિ જઠરના ઉપરના ભાગે ભારે પીડા સાથે ઈમર્જન્સીમાં આવી હતી જે પોતાની લાળ સહિત કશું પણ નીચે ઉતારી શકતી ન હતી. તેણે 12 કલાક અગાઉ એક ચમચી સૂકા ચીઆ સીડ્સ ગળ્યા હતા અને તેની ઉપર એક ગ્લાસ પાણી પીધું હતું. ડોક્ટર્સને તપાસમાં તેની અન્નનળીમાં બ્લોકેજ જણાયું હતું જે સીડ્સ ઉપર પાણી પીધા પછી તૈયાર થયેલાં હાઈડ્રોજેલનું હતું. ડોક્ટરોએ એડલ્ટ એન્ડોસ્કોપ વડે જેલના ગઠ્ઠાને જઠરમાં ધકેલવા પ્રયાસ કર્યો પરંતુ, જેલ આગળ ગયા વિના એન્ડોસ્કોપને ચોંટી જતું હતું. આખરે તેમણે નીઓનેટલ એન્ડોસ્કોપનો ઉપયોગ કરીને ચીઆ સીડ્સના ગઠ્ઠાના નાના પ્રમાણને ધીરે ધીરે જઠરમાં ધકેલ્યો હતો. આ કિસ્સો એકમાત્ર નોંધાયેલો કિસ્સો છે પરંતુ, તેમાંથી દરકે શીખ લેવાની છે કે સૂકાં ચીઆ સીડ્સ ખાવાં નહિ અને તેને પહેલા કોઈ પ્રવાહીમાં પલાળી બરાબર ફૂલવા દેવાં જોઈએ.
યુકેમાં સ્મોકિંગથી દર પાંચ મિનિટે એક મોત
કેન્સર રીસર્ચ યુકે (CRUK)નો આંચકાજનક રિપોર્ટ જણાવે છે કે 2019માં તમાકુના વપરાશથી લગભગ 125,000 બ્રિટિશરોએ જીવ ગુમાવ્યો હતો. યુકેમાં કન્સર અને મોતનું સૌથી મોટું કારણ સિગારેટ છે જે વર્ષે 55,000 મોત માટે જવાબદાર છે. CRUKના વિશ્લેષણ મુજબ એપ્રિલ મહિના પછી યુકેમાં 17,000 લોકોએ તમાકુનાં લીધે જીવ ગુમાવ્યો હતો અને તેમાં 7,600થી વધુ મોત તો કેન્સરના કારણે જ થયા હતા. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડા મુજબ 2021માં આશરે 6.6 મિલિયન એટલે કે 13.3 ટકા બ્રિટિશરો નિયમિત સ્મોકર્સ હતા. 2011માં રેકોર્ડ્સ રાખવાની શરૂઆત કરાયા પછી આ પ્રમાણ સૌથી ઓછું હતું.