બૈજિંગઃ મધમાખીઓના ડંખ વડે વૈકલ્પિક સારવારનો દાવો કરતા ચીનના એક દંપતીએ કૃત્રિમ મધપૂડો બનાવી ઘરે ૧૦ હજાર મધમાખી તો પાળી, પણ તેમનો આ નિર્ણય પડોશીઓ માટે પરેશાનીનું કારણ બની ગયો હતો. આખરે પરેશાન લોકોએ દંપતી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા દંપતીએ મધમાખીઓ તો હટાવવી પડી જ છે, સાથોસાથ દંડ પણ ભરવો પડ્યો છે. આ દંપતીએ એક વર્ષ અગાઉ મધમાખી પાળવાનું શરૂ કર્યું હતું. તેમનો દાવો હતો કે આ મધમાખીઓના ડંખ વડે તેઓ જુદા જુદા પ્રકારની બીમારીનો ઇલાજ કરે છે.
ચીનમાં એવું મનાય છે કે મધમાખીના ડંખથી રુમેટાઇડ આર્થ્રાઇટિસનો દુખાવો ઓછો થઈ જાય છે. તેમણે મધમાખીઓ પાળી તે દરમિયાન તેમની સંખ્યા સતત વધતી ગઈ અને આ સંખ્યા એ હદે વધી કે પડોશીએ મધમાખીનું ઝુંડ હટાવવા જણાવવું પડ્યું. વારંવાર કહેવા છતાં તેઓ મધપૂડો હટાવતા નહોતા. આખરે થાકીહારીને પડોશીઓએ પોલીસ ફરિયાદ કરી અને મધમાખીને લોકો માટે જોખમી ગણાવી. સામી બાજુ દંપતીએ એવી રજૂઆત કરી કે ઘણી વાર મધમાખી કરડ્યા પછી પણ અમને કંઈ નથી થયું. તેથી અમે તે નહીં હટાવીએ. છેવટે દંપતીએ દંડ પણ ભરવો પડ્યો અને મધપૂડો પણ ખસેડવો પડ્યો છે.