બૈજિંગઃ ચીનના એક વૈજ્ઞાનિકે રંગસૂત્રોમાં ફેરફાર કરીને શિશુઓ પેદા કરવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે. ચીની યુનિવર્સિટીના પ્રોફેસર જિયાનકુઈએ યૂટયૂબ પર નવજાત જોડિયાં બહેનોનો વીડિયો મૂકીને દાવો કર્યો કે આ જોડિયાં બાળકીઓના રંગસૂત્રો(DNA)માં ફેરફાર કરાયો છે, જેનાથી તેમને એચઆઈવી સામે રક્ષણ મળશે.
પ્રો. જિયાનકુઈનું કહેવું છે કે સાત નિઃસંતાન દંપતીઓના ઉપચાર દરમિયાન ભ્રૂણને બદલવામાં આવ્યાં અને આ રીતે સંતાનને જન્મ આપવામાં આવ્યો છે. આ જોડિયાં બહેનોના ડીએનએ અત્યાધુનિક ગણાતી એસીઆરઆઈએસપીઆર ટેક્નોલોજીથી બદલવામાં આવ્યા છે. જોકે તેમણે કહ્યું હતું કે મારો ઉદ્દેશ કોઈ વંશાનુગત બીમારીનો ઉપચાર કરવાનો નથી, પરંતુ ભવિષ્યમાં એચઆઈવી, એઇડ્સ વાઇરસથી થતું સંક્રમણ રોકવાની ક્ષમતા વધારવાનો છે. આ પ્રયોગમાં સામેલ માતા-પિતાઓએ તેમની ઓળખ જાહેર કરવાનો ઈનકાર કર્યો છે.
આ રીતે પ્રયોગ કર્યો
જિયાનકુઈ કહે છે કે લુલુ અને નાના નામની બે જોડિયાં બહેનોને આઈવીએફ ટેક્નોલોજીથી પેદા કરાઇ અને ગર્ભમાં પ્રવેશ કરાવતા પહેલા જ અંડાણુમાં ફેરફાર કરાયો હતો. શુક્રાણુઓના પ્રવેશ બાદ એક ચોક્કસ પ્રકારનું પ્રોટીન દાખલ કરાયું, જેનો ઉદ્દેશ બંને છોકરીઓને એચઆઈવી સંક્રમણથી બચાવવાનો છે. તેઓ કહે છે કે આ હજુ પ્રાથમિક તબક્કામાં છે. ગર્ભાવસ્થા માટે એડિટેડ કે અનએડિટેડ બેમાંથી ક્યુ ભ્રૂણ પસંદ કરવું તેનો નિર્ણય સાત દંપતીઓ પર છોડાયો હતો. કુલ ૧૬ ભ્રૂણનું એડિટીંગ કરાયું હતું જ્યારે ૧૧ ભ્રૂણનું અનએડિટેડ આરોપણ કરાયું હતું.
વિવાદાસ્પદ મુદ્દો
ડીએનએમાં સુધારાવધારાનો મુદ્દો અત્યંત વિવાદાસ્પદ છે અને ફક્ત અમેરિકાની લેબોરેટરીમાં તેની મંજૂરી મળી છે. ગત વર્ષે અમેરિકી વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે તેમણે ભૂંડના બચ્ચાંઓના જિનેટિક કોડમાં સફળતાપૂર્વક ફેરફાર કર્યો હતો જેનાથી તે વાઇરલ સંક્રમણથી બચી જશે.
જિયાનકુઈની શોધ પર આંગળી ઉઠાવતા કોલંબિયા યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીના સહાયક પ્રોફેસર સૈમ સ્ટર્નબર્ગે કહ્યું કે ચીની વૈજ્ઞા।નિકની શોધનો હેતુ જીવનને ખતરનાક સ્થિતિ અથવા આનુવંશિક બીમારીઓથી બચાવવાનો નથી. એક શક્તિશાળી નવા ઉપકરણ દ્વારા બંને છોકરીઓનો ડીએનએ બદલવામાં આવ્યો છે. ક્રિસ્પર-કેસ૯ નામના સાધન દ્વારા ડીએનએ બદલવામાં આવ્યાં.
ઉંમર આ રીતે નક્કી થાય છે
લાંબી આવરદા માટે સારા રંગસૂત્રો હોવા અત્યંત જરૂરી છે. વારંવાર એવું પણ જોવામાં આવ્યું છે કે જે માતા-પિતા લાંબું જીવે છે તેમના બાળકોની વય પણ મોટી હોય છે અને તેનું કારણ પણ આ ડીએનએમાં છુપાયેલું હોય છે. ડીએનએને કારણે આપણી ઉંમર પર ૨૫થી ૩૦ ટકાની અસર પડે છે. સામાન્ય રીતે પુરુષો કરતાં મહિલાઓ લાંબું જીવતી હોય છે. મહિલાઆમાં બે એક્સ રંગસૂત્રો હોય છે જ્યારે પુરુષોમાં એક એક્સ અને એક વાય હોય છે. જો વાય રંગસૂત્રમાં કોઈ ગડબડ સર્જાય તો એક્સ કોઈ મદદ કરી શકતું નથી તેથી પુરુષોમાં રંગસૂત્રોની ખામી સૌથી વધારે જોવા મળે છે.