વોશિંગ્ટનઃ અમેરિકનોએ લોકડાઉન દરમિયાન કોરોનાથી બચવા માટે પેઇનકિલરનો બેફામ ઉપયોગ કર્યો. તેના કારણે મે ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન પેઇનકિલરના ઓવરડોઝથી એક લાખથી વધુના મોત થયાં છે. યુએસ એજન્સી સીડીસીના રિપોર્ટ મુજબ ડ્રગ ઓવરડોઝથી થતાં મોતમાં ગત વર્ષની તુલનાએ ૩૦ ટકા વધારો થયો છે જ્યારે છેલ્લાં પાંચ વર્ષમાં આ આંકડો બમણો થઇ ચૂક્યો છે. ડ્રગ ઓવરડોઝનો આ આંકડો અમેરિકામાં કોરોનાકાળની આડઅસર તરીકે સામે આવ્યો છે.
અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં ૭.૭૫ લાખથી વધુ મોત થઇ ચૂક્યાં છે. મે ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ના ગાળામાં જ લગભગ ૫ લાખ મોત થયાં છે. સીડીસીના જણાવ્યા અનુસાર એક લાખમાંથી સૌથી વધુ ૬૪ હજાર મોત સિન્થેટિક પેઇનકિલર ફેન્ટેનિલથી થયાં છે. ફેન્ટેનિલ મોર્ફિનથી લગભગ ૧૦૦ ગણી વધુ તેજ હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રગ એબ્યુઝનાં ડો. નોરા વોલકોવના કહેવા મુજબ મહામારી દરમિયાન લોકોએ પેઇનકિલરનો ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કર્યો છે.
૭૦ ટકા મૃતકોની ઉંમર ૨૫થી ૫૪ વર્ષ
• કેરોલિનામાં ૧૧ મહિનાની બાળકીનું ફેન્ટેનિલના ઓવરડોઝથી મોત થયું. તેનાં પેરન્ટ્સ સામે કેસ ચાલી રહ્યો છે. લોસ એન્જલ્સમાં એક કિશોરીનું પણ ઓવરડોઝથી મોત. • ઓનલાઇન અને સોશિયલ મીડિયા પર બોગસ પ્રીસ્ક્રિપ્શનથી દવાઓ વેચાય છે. છેલ્લા બે મહિનામાં ૮૦૦ લોકોની ધરપકડ કરીને ૧૮ લાખ ફેન્ટેનિલ જપ્ત કરાઇ છે. • ડ્રગ એડમિનિસ્ટ્રેટર એની મિલગ્રેમના કહેવા મુજબ ડ્રગ ઓવરડોઝ રાષ્ટ્રીય આપત્તિ સમાન છે. એજન્સીઓએ એટલી ફેન્ટેનિલ પકડી છે કે જે ખાવાથી ૩૩ કરોડ લોકોનાં મોત થયાં હોત.
બ્રિટનમાં એન્ટીબાયોટિક વિરોધી સંક્રમણનું જોખમ
બ્રિટન હેલ્થ સિક્યુરિટી એજન્સીનાં અધ્યક્ષ સુઝેન હોપકિન્સે ચેતવણી આપી છે કે કોરોના બાદ એન્ટિબાયોટિક વિરોધી સંક્રમણનું છૂપું જોખમ વધવાની આશંકા છે. કોરોનાકાળમાં એન્ટિબાયોટિકનો ખૂબ વધારે ઉપયોગ થયો. હજુ પણ સામાન્ય શર્દીમાં એન્ટિબાયોટિક અપાય છે.