દરરોજ અખબારોમાં, રેડિયોમાં કે ટીવી પર જાતભાતની જાહેરખબર જોવા મળે છે, જેમાં જણાવાયું હોય છે કે ‘શું આપને આપના રોજિંદા ખોરાકમાંથી ફલાણાં-ઢીંકણા વિટામિન્સ કે મિનરલ્સ કે પોષકતત્વો પૂરતાં પ્રમાણમાં મળી રહે છે?’ આ પછી જાહેરાત આપનારાએ જ જવાબમાં સમજાવ્યું હોય છે કે તમે ગમેતેટલી કાળજી લો તમારા ભોજનમાં આ ફલાણાં-ઢીંકણા પોષકતત્વોનો અભાવ રહેવાનો જ છે, આ માટે તમારે (અમારી બ્રાન્ડના) ફલાણાં-ઢીંકણા વિટામિન્સ સપ્લિમેન્ટ્સનું સેવન કરવું જોઇએ જેથી તમારા શરીરને જરૂરી કે મિનરલ્સ કે પોષકતત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે. તમારા તન-મનના વિકાસ માટે, સારા સ્વાસ્થય માટે આ જરૂરી છે, નહીં તો શરીરને નુકસન થઇ શકે છે વગેરે વગેરે... ચોમેરથી આ પ્રકારના આક્રમક પ્રચારના લીધે સહુ કોઇના મનમાં એક ગ્રંથિ બંધાઇ જાય છે કે ‘ચાલીસની ઉમર થાય એટલે મલ્ટી-વિટામિનની ગોળીઓ તો લેવાનું શરૂ જ કરી દેવાનું.’ અથવા તો ‘જીમ જતાં હોવ તો અમુક પ્રોટીન સપ્લિમેન્ટ્સ તો લેવા જ પડે...’ અથવા તો પછી ‘વજન ઉતારવા માટે સ્લીમિંગ શેઇક લો અને સાથે વિટામિન્સ લો તો જ એની આડઅસર ન થાય!’ આવી માન્યતાઓ સાથે જીવતા આપણા સમાજે કોણ જાણે વિટામિન સપ્લિમેન્ટ્સ બનાવતી કેટલીય કંપનીઓના માલિકોને સમૃદ્ધ બનાવી દીધા છે. આ ઓછું હોય તેમ કૃત્રિમ વિટામિન્સનો ઉપયોગ સ્વાસ્થ્યને માટે પણ નુકસાનકારક છે. આવા સપ્લિમેન્ટસનું સેવન કરતા વ્યક્તિને એ વાતનો અંદાજ સુદ્ધાં નથી હોતો કે આડેધડ વિટામિન સપ્લિમેન્ટ્સ લઇને તે ખુદ પોતાના સ્વાસ્થ્યને અજાણપણે કેટલું નુકસાન કરી રહ્યા છે.
મુખ્યત્વે લોકો ચાર પોષકતત્વો - વિટામિન B12, વિટામિન ડી, કેલ્શિયમ અને આયર્નનું અજાણપણે ચણા–મમરાની જેમ સેવન કરતા રહેતા હોય છે. આ પોષકતત્વોનું જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં સેવન સ્વાસ્થ્ય સંબંધી તકલીફો ઉભી કરે છે. સંસ્કૃતમાં ઉકિત છેને કે અતિ સર્વત્ર વર્જયેત.. બસ, એવી જ વાત છે.
તો આવો, આ સપ્તાહે આપણે સમજીએ કે સપ્લિમેન્ટ્સ કોણ અને કેટલા પ્રમાણમાં લઇ શકે અને જો શરીરમાં જો જરૂરત કરતાં વધારે વિટામિન્સ અને મિનરલ્સ (ખનીજ તત્વો) વધી જાય તો આપણે શરીરને કેટલું નુકસાન કરી બેસતા હોઈએ છીએ!
• વિટામિન B12: માનવશરીરમાં વિટામિન B12નું મુખ્ય કાર્ય રક્તકણો ઉત્પન્ન કરવાનું છે. એથી જ જો વિટામિન B12 પૂરતાં પ્રમાણમાં શરીરમાં ન હોય તો લોહીમાં રક્તકણોની માત્રા ઘટી જાય. અને તેના પરિણામે શરીર પુષ્કળ થાક અનુભવે છે. વિટામિન B12 ગર્ભવતી માતા દ્વારા બાળકના શરીરમાં સંગ્રહ થતો હોય છે. આ જથ્થો બાળક મોટો થાય ત્યાં સુધી વપરાતો હોય. આપણે ખોરાકમાં મોટેભાગે દૂધ તથા ચીઝ અને પનીર જેવી દૂધની બનાવટોમાંથી તે મેળવતાં હોઈએ છીએ. જો રોજિંદા ભોજનમાં પૂરતી કાળજી લેવામાં આવે તો ભાગ્યે જ વિટામિન B12 સપ્લિમેન્ટ્સ સ્વરૂપે લેવાની જરૂર પડે છે. આમ છતાં ઘણાં લોકો આંખો મીંચીને B12 ની ગોળીઓ ગળ્યા કરે છે. જો શરીરમાં જરૂરિયાત કરતાં B12નું પ્રમાણ વધી જાય તો પાતળા ઝાડા થવા, ચામડી પર ખંજવાળ આવવી, મોંમાં ચાંદા પડવા, ચક્કર આવવા, માથું દુઃખવું, વેઇન થ્રોમ્બોસિસ (નસોમાં ગાંઠ થવી), પેટ ફૂલવું, ફેફસાં પર સોજો આવવો વગેરે જેવી તકલીફ થાય છે.
• વિટામિન ડી: વિટામિન ડીનું મુખ્ય કાર્ય હાડકાંમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના અધિશોષણમાં મદદરૂપ થવાનું છે. આ વિટામિન ડી આપણને સૂર્યના પ્રકાશના ચામડી પર પાડવાથી ચામડી દ્વારા શરીરની અંદર પહોંચે છે. ઘણી વાર શરીરમાં કેલ્શિયમની ખામી અને હાડકાંના રોગોનું મુખ્ય કારણ વિટામિન ડીની ઊણપ હોઈ શકે. જોકે સૂર્યપ્રકાશ ગ્રહણ કરવાનો બદલે આખો દિવસ એસીમાં બેસી રહેતી પ્રજા છેવટે વિટામિન ડીના સપ્લિમેન્ટનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલાક વધુ પડતાં ‘સમજુ’ લોકો જરૂરિયાત વગર પણ વિટામિન સપ્લિમેન્ટ્સ ખાધા કરે છે. શરીરમાં જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં વિટામિન ડી ભેગું થઇ જાય છે ત્યારે કિડની અને હૃદયને નુકસાન થવાનું જોખમ વધી છે, કબજિયાત અને ઝાડા વારાફરતી થવા લાગે છે, હૃદયના ધબકારામાં ફેરફાર થવા લાગે છે. જો ગર્ભવતી મહિલા દ્વારા વધુ પાડતા પ્રમાણમાં વિટામિન ડી લેવામાં આવે તો બાળકનો માનસિક વિકાસ ધીમો થવાની શક્યતા રહે છે.
• આયર્નઃ આપણા શરીરમાં ફરતા લોહીનું અવિભાજ્ય અંગ છે આયર્ન. તેની મદદથી લોહી દ્વારા આખા શરીરમાં ઓકસીજન પહોંચે છે. આયર્ન આપણને વિવિધ પ્રકારની લીલી ભાજી, ખજૂર અને અંજીર જેવા સૂકા મેવા, ઘઉં, ચોખા જેવા અનાજ, બાજરી, જુવાર, રાગી જેવા ધાન્ય, તેમજ દાડમ, સફરજન, બોર, દ્રાક્ષ જેવા ફળોમાંથી ભરપૂર માત્રામાં મળી રહે છે. જો શરીરમાં પૂરતાં પ્રમાણમાં આયર્ન ન હોય તો શરીર થાક અને સુસ્તી અનુભવે છે. નબળાઇ વર્તાય છે. આથી ઉલ્ટું જો શરીરમાં આયર્નનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધી તો આંતરડાંની અંદરની સપાટીને નુકસાન થઇ શકે છે, ડાયેરિયા અને ડિહાઇડ્રેશન થઈ શકે છે, લોહીનું નીચું દબાણ અને હૃદયના ધબકારા (પલ્સ રેટ) તેજ બની શકે છે, શ્વાસોચ્છવાસમાં તકલીફ થઇ શકે છે, ત્વચાનો રંગ ભૂરાશ પડતો થઇ જાય છે, વધુ પડતું આયર્ન લિવરમાં જમા થતું હોઈ તે લિવર અને બરોળને બરડ બનાવે છે, અને 6 વર્ષથી નીચેના બાળકમાં આયર્નનું પ્રમાણ વધી જાય તો તે જીવલેણ સાબિત થઇ શકે છે.
• કેલ્શિયમઃ કેલ્શિયમ હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવા ઉપરાંત ચેતાતંત્રની કાર્યવાહી માટે પણ આવશ્યક ખનીજ છે. રોજિંદા આહારમાં દૂધ, દહીં, લીલી ભાજી, વધતાઓછા અંશે લગભગ દરેક શાક અને ફળોમાં રાગી, બાજરી જેવા ધાન્ય, માછલી જેવા માંસાહારી પદાર્થો, તલ - અળસી - સૂરજમુખીના બીજ જેવા તેલીબિયાંમાંથી સારી માત્રામાં મળી રહે છે. આ ખાદ્યપદાર્થોનું રોજ સેવન કરવાથી શરીરને જોઈતા પ્રમાણમાં કેલ્શિયમ મળી શકે છે. જો શરીરમાં પૂરતાં પ્રમાણમાં કેલ્શિયમ ન હોય તો હાડકાં નબળા પડે છે. જોકે યોગ્ય તબીબી માર્ગદર્શન વિના આડેધડ લેવાતી કેલ્શિયમની ગોળીઓ જીવ માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. કેલ્શિયમનું શોષણ હાડકાં અને દાંતમાં થાય છે. વધુ પડતા કેલ્શિયમ દ્વારા શું તકલીફ આવી શકે તે જોઈએ તો વધુ પડતું કેલ્શિયમ શરીરમાં આયર્ન અને ઝીંકનું શોષણ અટકાવે છે, વધુ પડતાં કેલ્શિયમને લીધે કિડનીમાં પથરી થવાની સંભાવના વધે છે, પ્રોસ્ટેટના રોગોનું એક કારણ વધું પડતા કેલ્શિયમનું સેવન હોઈ શકે છે.