વોશિંગ્ટનઃ અમેરિકના વૈજ્ઞાનિકોએ ૨૪ જ કલાકમાં દેશમાં જ મ્યુટેટ થયેલા ૩ સુપર કોવિડ સ્ટ્રેનની ઓળખ કરી છે. આ સ્ટ્રેનના અભ્યાસ બાદ તબીબી નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે વિશ્વભરમાં કોરોના વાઇરસ મ્યુટેટ થઇને નવા સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેમ જેમ લોકો સંક્રમિત થતાં જશે તેમ વધુ ચેપી સ્ટ્રેન ઉદ્દભવતાં રહેશે.
ફ્રેડ હચીસન કેન્સર સેન્ટરના વૈજ્ઞાનિક ડો. ટ્રેવર બ્રેડફર્ડે જણાવ્યું હતું કે, ગંભીર કોરોના સંક્રમણના કિસ્સામાંથી નવા નવા સ્ટ્રેન ઉદ્દભવી રહ્યાં છે. આ પ્રક્રિયામાં ઇમ્યુન સિસ્ટમ વાઇરસ પર ઇમ્યુનિટીથી બચવા માટેનું દબાણ સર્જે છે અને વાઇરસ કોષોમાં અડીંગો જમાવે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ વાઇરસને શરીરમાં લાંબો સમય રહેવાનું સરળ બનાવી દે છે. ઇમ્યુન સિસ્ટમ સાથેની લાંબી લડાઇના કારણે વાઇરસ વધુ સશક્ત બનતો જાય છે. જ્યારે વ્યક્તિમાં લાંબા સમય સુધી વાઇરસનું સંક્રમણ રહે છે ત્યારે તેને મ્યુટેટ થવાની વધુ તક પ્રાપ્ત થાય છે. બ્રેડફર્ડનું કહેવું છે કે બ્રાઝિલમાં ડેવલપ થયેલો નવો સ્ટ્રેન હવે બ્રિટનમાં જોવા મળી રહ્યો છે, જે કોરોના સંક્રમણમાંથી મુક્ત થયેલા લોકોને ફરી વાર સંક્રમિત કરી શકે છે.
પ્રોફેસર વેન્ડી બાર્કલેએ જણાવ્યું હતું કે, બ્રાઝિલનો નવો સ્ટ્રેન થોડાક સમય પહેલાં જ બ્રિટનમાં આવ્યો હોવાની સંભાવના છે. આ નવા સ્ટ્રેનના કારણે જ બ્રાઝિલમાં રોકેટ ઝડપે સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. બ્રિટન અને બ્રાઝિલના સ્ટ્રેન કોરોનાની વેક્સિન સામે લડવાની ક્ષમતા હાંસલ કરી લે તેવો પણ ભય સેવાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો ૧૦ કરોડ નજીક પહોંચી ગયો છે અને આ મહામારી અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ લોકોને ભરખી ગઇ છે.