ચેતતા રે’જો, ચાની સાથે માઈક્રોપ્લાસ્ટિક્સ શરીરમાં ના જાય!
વિશ્વમાં વધતાં પ્લાસ્ટિકના દૂષણની સાથે જ માનવીના શરીરમાં માઈક્રોપ્લાસ્ટિક્સનો ખતરો વધ્યો છે. ચા લોકપ્રિય પીણું છે પરંતુ, ચાની બનાવટમાં વપરાતી ટીબેગ્સ શરીર માટે ખતરનાક બની શકે છે. યુનિવર્સિટેટ ઓટોનોમા દ બાર્સેલોનાના સંશોધકોએ જણાવ્યા મુજબ ચાની ચુસ્કી તમારા શરીરમાં બિલિયન્સની સંખ્યામાં માઈક્રોપ્લાસ્ટિક્સ પહોંચાડી શકે છે. ચાની પત્તી ભરેલા પાઉચીસમાં માઈક્રોપ્લાસ્ટિક્સનું ભરપૂર પ્રમાણ રહે છે જે ચાહ પીવા સાથે શરીરમાં જાય છે. પ્લાસ્ટિક્સના અતિ સુક્ષ્મ કણો આપણા શરીર પર કેવી ખરાબ અસરો કરે છે તે હજુ સ્પષ્ટ નથી પરંતુ, તેનાથી સજીવોમાં શારીરિક અને રાસાયણિક નુકસાન પહોંચે છે તે હકીકત છે. જોકે, 3000 અભ્યાસોના રિવ્યૂ પછી સંશોધકો માને છે કે માઈક્રોપ્લાસ્ટિક્સને શ્વસનતંત્ર તેમજ કેન્સર અને બિનફળદ્રૂપતા જેવી આરોગ્ય સમસ્યાઓ માટે દોષી ગણાવી શકાય. અગાઉના સંશોધનો મુજબ પુરુષ જનનાંગોના ટિસ્યુઝ અને માનવદૂધમાં માઈક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા હતા. અન્ય અભ્યાસો મુજબ પ્લાસ્ટિક બોટલ્સ, કપ અને ટપરવેર્સ સહિત ફૂડ પેકેજિંગ માઈક્રોપ્લાસ્ટિક્સનાં મુખ્ય સ્રોતો છે. સંશોધકો દ્વારા નાયલોન, પોલીપ્રોપલીનની બનેલી ત્રણ લોકપ્રિય ટીબેગ્સના પરીક્ષણો કરાયા હતા. જર્નલ કેમોસ્ફીઅરમાં પ્રસિદ્ધ અભ્યાસના તારણોમાં જણાવાયું છે કે ટીબેગ્સ દ્વારા ગરમ પાણીમાં સુક્ષ્મ પ્લાસ્ટિકનાં કણો છોડવામાં આવ્યા હતા અને તૈયાર કરાયેલા ચાહના દરેક કપમાંથી મોટા ભાગના માઈક્રોપ્લાસ્ટિક્સ મ્યુકસનું ઉત્પાદન કરતા આંતરડાના કોષો થકી શોષાય છે. કેટલોક હિસ્સો જિનેટિક સામગ્રી ધરાવતા કોષના કેન્દ્રમાં પણ પ્રવેશે છે. નાયલોન ટીબેગ્સની સરખામણીએ પોલીપ્રોપલીન ટીબેગ્સ દ્વારા વધુ માત્રામાં માઈક્રોપ્લાસ્ટિક્સ છોડાયા હતા.
•••
મગજમાં આયર્નનો વધુ પડતો સંગ્રહ યાદશક્તિ નબળી પાડે
આયર્ન અથવા લોહતત્વ આપણા શરીર અને મગજની તંદુરસ્તી માટે મહત્ત્વની ખનિજ છે. શરીરમાં કામગીરી વ્યવસ્થિત ચાલતી રહે તે માટે અને હિમોગ્લોબિન નામના લાલ કણોમાં મળતા પ્રોટીનની રચના માટે આયર્ન આવશ્યક છે. ફેફસાંમાંથી શરીરના અન્ય અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય લાલ કણો કરે છે. આયર્નની મદદથી સ્નાયુઓ ઓક્સિજનનો સંગ્રહ કરી શકે છે. આ ઉપરાંત, હોર્મોન્સ અને બોન મેરોના ઉત્પાદનમાં મદદરૂપ આયર્ન રોગ પ્રતિકાર શક્તિને પણ મજબૂત બનાવે છે. જોકે, શરીરમાં આયર્નનું પ્રમાણ વધુપડતું લેવાય તો તે મગજમાં એકત્ર થાય છે અને યાદશક્તિને નબળી પાડે છે. યુનિવર્સિટી ઓફ કેન્ટુકીના સંશોધકોએ ત્રણ વર્ષના અભ્યાસમાં ખાસ MRI ટેકનિક્સના ઉપયોગથી 72 વૃદ્ધ વયસ્કોના મગજમાં લોહ તત્વના એકત્ર થવા પર નજર રાખી હતી. તેમને મગજના યાદશક્તિ અને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે મહત્ત્વના વિસ્તારોમાં લોહ તત્વ એકત્ર થયાનું જણાયું હતું. જોકે, એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને લોહના સંયોજક પોષક તત્વો વધુ પ્રમાણમાં લેનારા લોકોમાં આ પ્રમાણ ઓછું જણાયું હતું. આયર્ન ઓછું સંગ્રહિત થયું હોય તેવાં લોકોમાં યાદશક્તિ અને સંબંધિત કામગીરી વધુ સારી જણાઈ હતી. સંશોધકોનું કહેવું છે કે વૃદ્ધાવસ્થામાં મગજમાં આયર્નનો સંગ્રહ થાય તે અનિવાર્ય પ્રોસેસ નથી પરંતુ, આહારની પસંદગી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ‘ન્યુરોબાયોલોજી ઓફ એજિંગ’ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર આયર્નનું પ્રમાણ મગજમાં વધુપડતું થાય તો અલ્ઝાઈમર્સ ડિસીઝ અને ડિમેન્શીઆ જેવા ન્યુરોડિજનરેટિવ રોગો વધી શકે છે.
•••