જો વડીલોને છાતીની ડાબી બાજુ દુખાવો રહેતો હોય તો તે હાર્ટ એટેકનો દુખાવો હોઇ શકે છે, પણ જો તેમને છાતીમાં જમણી બાજુ દુખાવો રહેતો હોય તો તેનાં કારણો જવાબદાર હોઇ શકે છે. જરૂરી નથી કે જમણી બાજુ થતો દુખાવો હૃદય સંબંધિત હોય કે પછી હાર્ટ એટેકનું લક્ષણ હોય. છાતીની જમણી બાજુ દુખાવો થવાનું કારણ વાગવું અથવા પેટ સંબંધિત સમસ્યા વગેરે પણ હોઇ શકે છે. છાતીની જમણી બાજુ દુખાવો થવાનાં કારણો અને તેના ઉપચારો વહેલી તકે જાણવા જરૂરી છે.
• તણાવ અથવા ડિપ્રેશનઃ
જો તમને કોઇ વાતની ચિંતા કે તણાવ રહેતો હોય તો તેના કારણે પણ છાતીમાં જમણી બાજુ દુખાવો થઇ શકે છે. આ ઉપરાંત ચક્કર આવવા, પરસેવો થવો, બેભાન થઇ જવું, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે કારણે પણ છાતીની જમણી બાજુ દુખાવો થઇ શકે છે.
• અપચાની સમસ્યાઃ
અપચાને કારણે પણ છાતીની જમણી બાજુ દુખાવા અને હાર્ટબર્નની સમસ્યા થઇ શકે છે. અપચો રહેતા વ્યક્તિને સતત એવું લાગ્યા કરે છે જાણે ભોજન ગળામાં અથવા છાતીની વચ્ચે અટકી ગયું હોય. આ ઉપરાંત તમને ગળામાં ખાટો સ્વાદ પણ આવી શકે છે. અપચાના લક્ષણમાં પેટના ઉપરના ભાગમાં દુખાવો રહેવો, જમ્યા પછી બેચેની વગેરે જેવી સમસ્યા થઇ શકે છે. અપચાના કારણે ગળામાં બળતરા પણ થાય છે.
• છાતીમાં વાગવુંઃ
છાતીમાં અંદર અથવા બહારના ભાગમાં વાગે છે ત્યારે પણ દુખાવો થઇ શકે છે. પેક્ટોરિલસ સ્નાયુઓના ઘસારાના કારણે પણ છાતીમાં દુખાવો થઇ શકે છે. જો વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે પછી છાતીમાં સોજો હોય તો તેવા કિસ્સામાં તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે.
આ ઉપરાંત કબજિયાત અને ગેસ જેવી સમસ્યાને કારણે પણ છાતીમાં દુખાવો થઇ શકે છે. તેમાં રાહત મેળવવા માટે તમે અજમાને તવી પર અધકચરો શેકી લઇને તેમાં સિંધવ મીઠું ઉમેરો. ત્યાર બાદ તેને ચાવ્યા વગર પાણી સાથે ગળી જાઓ. તેનાથી છાતીનો તેમજ પેટનો દુખાવો ઓછો થઇ જશે. આ ઉપરાંત તુલસી આદુ - લસણ અને એલોવેરા પણ છાતીના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. જોકે આ બધા ઉપાયની અસરકારકતાનો આધાર વ્યક્તિગત તાસીર પર રહેલો છે.