વરસાદના દિવસોનો પ્રારંભ થાય એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય. આ ઠંડક માત્ર બાહ્ય રીતે જ નહીં, શરીરના અગ્નિને પણ મંદ કરી નાખતી હોય છે. ખુશનુમા મોસમને કારણે આપણને ભજિયાં-ફરસાણ ખાવાનું મન થાય, પરંતુ એ ભારે ચીજો પચાવી શકે એવી પ્રબળ પાચનશક્તિ રહેતી નથી. અપચાને કારણે વાયુની તકલીફો વધે છે. તમે જોયું હશે કે વરસાદની સિઝનમાં સાંધાના દુખાવાની ફરિયાદો તેમજ પેટની ગરબડ વધી જાય છે. આ બંને વાયુપ્રકોપને કારણે જ વકરે છે. આથી જ આ સિઝનમાં હેલ્ધી રહેવું હોય તો ઉષ્ણ અને વાયુહર ચીજોનું સેવન કરવું જોઈએ. ખોરાકમાં ઉષ્ણ ચીજો લેવાથી પાચનશક્તિ સુધરે છે અને પાચન સારી રીતે થવાથી વાયુની તકલીફ મટે છે.
ઉષ્ણતા માટે કાળાં મરી
મરી બે જાતનાં હોય છે - સફેદ અને કાળાં. સફેદ મરી સ્વભાવે તીખાં, રસાયણ, પાચક અને પિત્તનું સરણ કરે છે. કાળાં મરી તીખાં, કડવા, ઉષ્ણ, રુચિકર, દીપક, રુક્ષ, પોષક અને પિત્ત કરે છે. એ વાત, વાયુ, કફ, કૃમિ, પ્રમેહ અને અર્શનો નાશ કરે છે. ઉત્તર ભારતમાં લોકો મરચાંને બદલે મરીનો ઉપયોગ વધુ કરે છે એટલે એને કાલી મિર્ચ કહેવાય છે. મરી પ્રમાણમાં ઓછા દાહક અને વધુ ગુણકારી છે એટલે મરચાંને બદલે મરી વાપરવાં હિતકારી છે.
મરીના કેટલાક ઉપયોગો જોઇએ...
શરદી-સળેખમમાં ગરમ દૂધમાં મરી અને સાકર નાખીને આપવામાં આવે છે. મલેરિયામાં મરીનાં ચૂર્ણમાં તુલસીનો રસ અને મધ મેળવીને આપવામાં આવે છે. આ સિઝનમાં અઠવાડિયામાં એક વાર આ મિશ્રણ લેવામાં આવે તો મલેરિયા સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે. સામાન્ય તાવમાં મરીને પાણીમાં ઉકાળી, એમાં સાકર નાખીને પીવડાવવામાં આવે છે. નાકમાં મરીનું ચૂર્ણ ફૂંકવામાં ફાયદો થાય છે. ચોમાસામાં કોઈ પણ વાનગીમાં મરી ભભરાવીને લેવાથી પાચન સુધરે છે. સૂપ અને સેલડમાં કાળાં મરીનો પાઉડર અચૂક ભભરાવશો.
સંગ્રહણી, હરસ, ઉદરરોગ, મંદાગ્નિ અને આફરો હોય તો મરી, ચિત્રક અને સંચળનું ચૂર્ણ બનાવી છાશમાં નાખીને પીવડાવવું. શીત પિત્તમાં મરીને ઘીમાં વાટીને એનો લેપ કરવાથી ફાયદો થાય છે.
પરંતુ સવાલ એ છે કે મરી કેટલી માત્રામાં લેવા જોઇએ? રોજ ત્રણથી ચાર કાળાં મરીનો પાઉડર ખોરાક પર ભભરાવીને લઈ શકાય.
ચોમાસાનું ઔષધ સૂંઠ
મોન્સૂનમાં ઘરમાં હાથવગું રાખવા જેવું ઔષધ હોય તો એ છે સૂંઠ. એ પાણીજન્ય રોગોનો દુશ્મન છે. આદુંને છાંયડે સૂકવીને સૂંઠ બનાવવામાં આવે છે. સુકાવાથી આદુંમાંનો રસ ઉડી જાય છે, પરંતુ ગુણધર્મો વધુ તીવ્ર બને છે. સૂંઠ વાતનાશક તેમજ કફનાશક તરીકે ખૂબ જ ઉપયોગી ગણાય છે. સૂંઠ ગ્રાહી ગુણ ધરાવે છે એટલે સોજા, ઝાડા અને પાણીની ખરાબીને કારણે પેદા થતા રોગોમાં ખૂબ જ સારું કામ આપે છે.
સૂંઠ સુકાયેલી હોવાથી એમાં પ્રજીવકો પેદા થવાથી શકયતાઓ ઘણી ઓછી હોય છે. ચોમાસામાં પાણીને કારણે ફેલાતાં ઇન્ફેકશન્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.
સૂંઠના કેટલાક ઉપયોગ જોઇએ...
ખરાબ પાણીને કારણે એકદમ પાણી જેવા પાતળા ઝાડા થતા હોય ત્યારે એક વાટકી મોળાં દહીમાં એક ચમકી સૂંઠ મેળવીને ખાવાથી તરત જ ફાયદો થાય છે. જઠરાગ્નિ મંદ થવાને કારણે અરુચિ, અપચન અને વાયુ થતો હોય તો એક ચમચી સૂંઠ, એક ચમચી ગોળ અને અડધી ચમચી હળદર મિક્સ કરીને એની ગોળ લાડૂડી બનાવીને જમતાં પહેલાં લેવી. એનાથી ભૂખ ઊઘડે છે અને ખોરાકનું પાચન સારી રીતે થાય છે.
ઊલટી થશે એવું લાગે અથવા તો મોળ આવ્યા કરતી હોય ત્યારે સૂંઠની ગાંગડી મોઢામાં રાખીને ચૂસવાથી ઊલટી નહીં થાય અને અવળો ચડેલો વાયુ શમશે. આર્થ્રાઇટિસ એટલે કે આમ વાત. સૂંઠ એક ઉત્તમ આમનાશક છે. રાતે સૂંઠ અને દિવેલ લેવાથી આમનો નાશ થાય છે. બે ચમચી હરડે, બે ચમચી ગોળ અને એક ચમચી સૂંઠની ચણા જેવી ગોળીઓ વાળી લેવી. સવાર-સાંજ આ ગોળી લેવાથી આમવાતના દર્દીઓને પીડામાં ખૂબ જ ફાયદો થાય છે.
વૃદ્ધ શરીરમાં વાતનો કોપ હોય એની દવા તરીકે સૂંઠ અકસીર છે. આધાશીશી કે માથાના દુખાવામાં સૂંઠનો ગાંગડો દૂધમાં લસોટીને એ પેસ્ટ માથા પર લગાવવાથી માથું દુખતું મટે છે. આ જ પેસ્ટનાં એકાદ બે ટીપાં-નાકમાં નાખવાથી પણ ફાયદો થાય છે.
જોકે સૂંઠ કેટલી માત્રામાં લેવી જોઇએ? કોઈ પણ રોગ માટે વધુમાં વધુ ચારથી પાંચ ગ્રામ સૂઠનો પાઉડર દવા તરીકે કામ આપે છે. એનાથી વધુ માત્રામાં લેવાથી સૂંઠ ગરમ પડે છે. હાઈ બીપીનું દર્દીઓએ સૂંઠનું સેવન કરવું નહીં.