લંડનઃ યુકેમાં છ બ્રિટિશ નાગરિકને જીવલેણ ‘Covid-19’ કોરોનાવાઈરસથી ચેપગ્રસ્ત જાહેર કરાયા છે. ૧૬ ફેબ્રુઆરી રવિવારે કોરોનાવાઈરસ માટે વધુ ૧૧૭ લોકોના પરીક્ષણ સાથે કુલ તપાસનો આંકડો ૩,૧૦૦ને પાર કરી ગયો છે. આમ તો કુલ, નવ વ્યક્તિ પોઝિટિવ જણાયા હતા પરંતુ, આઠ વ્યક્તિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. સમગ્ર વિશ્વમાં ૭૩,૩૩૫ (ચીનમાં ૭૨૪૩૬) કેસ નોંધાયા છે જેમાંથી ૧૮૭૩ (ચીનમાં ૧૮૬૮)ના મોત થયા છે.
સમગ્ર બ્રિટનમાં ફ્લુ જેવાં લક્ષણો ધરાવતા કેસની સંખ્યા ૧૦૦ને વટાવી જશે તો લાખો બ્રિટિશ નાગરિકોને ઓછામાં ઓછાં બે સપ્તાહ ઘરમાં જ રહેવાની સલાહ અપાય તેવી શક્યતા છે. જે લોકોનું પરીક્ષણ કરાય છે તેમને અન્ય પેશન્ટ્સથી દૂર રાખવા હોસ્પિટલોમાં ‘આઈસોલેશન પોડ્સ’ તૈયાર કરવામાં આવ્યા છે. સામાન્ય શરદી અને ફ્લુના લક્ષણો સાથેના કેસીસ વધી જશે તો વાઈરસના ફેલાવાનું જોખમ વધી શકે છે. આ સંજોગોમાં લાખો લોકોને ઘરમાં જ બે સપ્તાહ સુધી એકલા રહેવાની સલાહ આપી શકાય છે. જો, હવામાનની અસર હેઠળ પણ આવા લક્ષણો સાથે ઘરમાં રહેનારા લાખો લોકોના કારણે કામના સ્થળોએ ભારે મુશ્કેલી સર્જાઈ શકે છે.
ફ્રાન્સમાં ૮૦ વર્ષના ચાઈનીઝ ટુરિસ્ટના મોત સાથે યુરોપમાં વાઈરસથી મોતનો પ્રથમ કિસ્સો નોંધાયો છે અને સમગ્ર વિશ્વમાં ‘Covid-19’ કોરોનાવાઈરસના કારણે મૃતકોની સંખ્યા વધીને ૧,૬૬૬ જ્યારે, ચેપગ્રસ્તોની સંખ્યા ૬૮,૫૦૦ થઈ છે. NHS ઈંગ્લેન્ડ દ્વારા કહેવાયું છે કે વિરાલની એરો પાર્ક હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈનમાં રખાયેલા તમામ ૯૪ લોકોને મુક્ત કરી દેવાયા છે. રોગચાળાના કેન્દ્ર ચીનના વુહાનથી યુકે આવ્યા પછી તેમને બે સપ્તાહ હોસ્પિટલમાં અલગ રખાયા હતા. આ પછી રેસ્ક્યુ ફ્લાઈટમાં લવાયેલા ૧૦૦થી વધુ લોકોને મિલ્ટન કિનેસની કેન્ટ્સ હિલ પાર્ક હોટેલમાં અલગ રખાયા છે.
જાપાનમાં ડાયમન્ડ પ્રિન્સેસ ક્રૂઝ શિપ પર ક્વોરેન્ટાઈનમાં રખાયેલા ૭૪ બ્રિટિશ નાગરિકોએ જણાવ્યું છે કે તેમને લાંબો સમય ક્વોરેન્ટાઈનમાં રખાય તેવો ભય છે. અમેરિકાના ૩૪૦ નાગરિકોને બે વિમાનમાં યુએસ દ્વારા પરત લઈ જવાયા પછી બ્રિટિશ નાગરિકોને સ્વદેશ લાવવા સરકાર પર દબાણથઈ રહ્યું છે. શિપ ટોક્યો નજીક યોકોહામા પોર્ટ ખાતે લાંગરવામાં આવ્યું છે. તેના પર રહેલા ૩૭૦૦ પ્રવાસીમાંથી બે બ્રિટિશ પ્રવાસી ડેવિડ આબેલ અને તેની પત્ની સેલી આબેલ સહિત ૫૦૦થી વધુ લોકો વાઈરસના પરીક્ષણમાં પોઝિટિવ જણાયા છે. પોઝિટિવ કેસ સાથે લાંબો સંપર્ક ધરાવનારા લોકોને વધુ સમય ક્વોરેન્ટાઈનમાં રખાય તેવી શક્યતા છે.
ફ્રેન્ચ આલ્પ્સમાં શેલેમાં ‘સુપર સ્પ્રેડર’ બ્રિટિશ બિઝનેસમેન સ્ટીવ વોલ્શ સાથે સંપર્કમાં આવેલા છઠ્ઠા બ્રિટિશ નાગરિકને વાઈરસના ચેપ માટે પોઝિટિવ ગણાવાયો હતો. તેની હાલત ગંભીર ન હોવાનું ફ્રેન્ચ હેલ્થ સત્તાવાળાએ જણાવ્યું છે. વોલ્શને સિંગાપોરની બિઝનેસ કોન્ફરન્સમાં કોરોનાવાઈરસનો ચેપ લાગ્યા પછી તેણે કુલ ૧૧ વ્યક્તિને ચેપ લગાવ્યો હોવાનું કહેવાય છે. વોલ્શ લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં અલગ રખાયો હતો. હવે તે રોગમુક્ત થયો હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે.