છાતીમાં બળતરાની દવાઓથી માઈગ્રેન્સનું વધતું જોખમ
છાતીમાં બળતરાની ફરિયાદ હોય ત્યારે લાખો લોકો દ્વારા લેવાતી દવાઓ ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. આવી દવાઓ પીડાકારી માઈગ્રેન અને બ્રેઈન એટેક્સનું જોખમ વધારે છે. જઠરમાંથી એસિડ ઉપર ગળાની તરફ ફેંકાય એટલે કે એસિડ રિફ્લક્સથી છાતીમાં બળતરા કે દાહ અનુભવાય છે. આવા સમયે લેવાતી સામાન્ય દવાઓ માથાનાં તીવ્ર દુઃખાવા વધારી શકે છે. યુએસ સંશોધકોના ન્યૂરોલોજી ક્લિનિકલ પ્રેક્ટિસમાં પ્રકાશિત અભ્યાસ મુજબ પ્રોટોન પમ્પ ઈનહિબિટર્સ (PPIs) દવાઓ ઓમેપ્રાઝોલ (omeprazole), એસોમેપ્રાઝોલ (esomeprazole), સિમેટાઈડિન (cimetidine), ફેમોટાઈડિન (famotidine) અને એન્ટાસિડ (antacid) સપ્લિમેન્ટ્સ સહિતની દવાઓ પીડાકારી માઈગ્રેન લાવી શકે છે. Guts UK ના જણાવ્યા મુજબ આશરે 25 ટકા જેટલા બ્રિટિશ પુખ્તો એસિડ રિફ્લક્સથી પીડાય છે. NHSના સત્તાવાર આંકડા મુજબ 2022માં બ્રિટનમાં 72 મિલિયન પ્રોટોન પમ્પ ઈનહિબિટર્સ (PPIs) પ્રીસ્ક્રાઈબ કરાઈ હતી. સંશોધકોએ 11,818 લોકોના ડેટા થકી પ્રિસ્ક્રીપ્શન ડ્રગ્સ ચકાસી હતી. દવાઓ નહિ લેનારા અને માથાની તીવ્ર દુઃખાવાની ફરિયાદ કરનારા 19 ટકા લોકોની સરખામણીએ PPI દવાઓ લેનારા 25 ટકાએ પીડાકારી માઈગ્રેન્સ અથવા માથાના તીવ્ર દુઃખાવાની ફરિયાદ કરી હતી. એન્ટાસિડ સપ્લિમેન્ટ્સ લેનારા 22 ટકાએ પણ માઈગ્રેન્સની ફરિયાદ કરી હતી.
•••
સ્ત્રી ડોક્ટરના હાથે સારવારથી મૃત્યુનું જોખમ ઓછું!
આ વાત કદાચ વિચિત્ર જણાશે પરંતુ, જો પુરુષ ડોક્ટરની જગ્યાએ સ્ત્રી ડોક્ટર સારવાર કરતી હોય તો પેશન્ટના મરવાની શક્યતા ઘટી જાય છે તેમ એક સંશોધન કહે છે. સંશોધન વધુ એમ પણ કહે છે કે સ્ત્રી ફીઝિશિયન હોય અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયેલા પેશન્ટને 30 દિવસની અંદર ફરી હોસ્પિટલમાં દાખલ કરાવાની શક્યતા પણ ઓછી રહે છે. ‘એનાલ્સ ઓફ ઈન્ટર્નલ મેડિસિન’ જર્નલમાં પ્રકાશિત UCLAના સંશોધનમાં લગભગ 800,000 દર્દીઓ (319,800 પુરુષ દર્દી અને 458,100 સ્ત્રી દર્દી)નો અભ્યાસ કરાયો હતો જેમાં, સૌથી વધુ ફાયદો સ્ત્રી દર્દીઓને થયેલો દેખાયો હતો. આ બાબતે સંશોધકોનું માનવું છે કે આ તફાવતનું કારણ પુરુષ ડોક્ટર્સ હોઈ શકે છે જેઓ તેમના મહિલા દર્દીઓની બીમારીઓને ઓછી આંકે છે. અગાઉના સંશોધનોમાં પણ જણાવાયું હતું કે પુરુષ ડોક્ટર્સ મહિલા દર્દીઓની પીડાના પ્રમાણ, ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ અને કાર્ડિયોવાસ્કુલર લક્ષણો તેમજ સ્ટ્રોક્સના જોખમોને ઓછાં આંકે છે કે ઓછી ગંભીરતાથી લે છે. સ્ત્રી ડોક્ટ્ર્સ ધરાવતી મહિલા દર્દીઓનો મૃત્યુદર 8.15 ટકા હતો જ્યારે પુરુષ ડોક્ટર્સની સારવાર હેઠળની મહિલા દર્દીમાં આ દર 8.38 ટકા હતો. સંશોધકોએ સૂચવ્યું હતું કે સ્ત્રી ડોક્ટર્સ તેમની મહિલા દર્દીઓ સાથે સારી રીતે વાતચીત કરી શકે છે જેના પરિણામે, નિદાન અને સારવાર વધુ સારાં રહે છે.