છીંકને રોકવાથી ગંભીર પરિણામો આવી શકે છે
કુદરતી હાજતો રોકી શકાતી નથી અને ખરેખર તેને રોકવી પણ ન જોઈએ. આવી જ હકીકત છીંક વિશે પણ છે. છીંક આવવાથી તમારાં નાકમાં બેક્ટેરિયા સહિત અનિચ્છનીય વસ્તુઓ દૂર કરવામાં મદદ મળે છે અને નાક ખૂલી જાય છે. તમને ઘણી વખત જોરદાર છીંક આવતી હોય પરંતુ, કોઈ સંજોગોમાં તમને એમ લાગે છે કે તેને આવતી રોકવી જરૂરી છે નહિ તો સામાજિક માહોલ બગડી જશે તો પણ તમારી છીંક રોકવી ન જોઈએ નહિ તો એન્યુરિઝમથી માંડી ફેફસાંને નુકસાન જેવાં ગંભીર પરિણામો આવી શકે છે. વર્ષ 2018માં એક બ્રિટિશરને છીંક આવતી રોકવાના કારણે ગળામાં છેદ પડી ગયો હતો. આનું કારણ એ છે કે છીંક આવવા દરમિયાન તમારું મોં અથવા નાક બંધ કરી દેવાના લીધે એરવેઝ પર દબાણ સામાન્ય છીંકની સરખામણીએ 20 ગણું વધી જાય છે. પ્રેશરને બહાર નીકળવાનો માર્ગ ન મળે ત્યારે તે શરીરના કોઈ પણ ભાગમાંથી બહાર નીકળવાનું શોધી લે છે. ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગમાં મેડિકલ સાયન્સીસના એસોસિયેટ પ્રોફેસર ડો. થેરેસા લારકિનના કહેવા મુજબ તેનાથી તમારી આંખ, કાનના પડદાના નાજૂક ટિસ્યુઝ અથવા રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે. બ્રેઈન એન્યુરિઝમ (રક્તવાહિની ફૂલી જવી), ગળું ફાટી જવું કે ફેફસાં સંકોચાઈ જવાનું જોખમ ઓછું હોવાં છતાં, તેના કેસીસ નોંધાયેલા છે. કાનનો પડદો ફાટી જાય તો સામાન્યપણે થોડા સપ્તાહોમાં સારવાર વિના મટી શકે છે પરંતુ, ઘણી વખત બહેરાશ પણ આવી શકે છે.
•••
ચા-કોફીમાં ખાંડ ઉમેરવાથી આરોગ્યને ખાસ અસર ન થાય
યુકે, ડેનમાર્ક અને નેધરલેન્ડ્ઝના સંશોધકોએ તાજેતરમાં કોપનહેગન મેલ સ્ટડીના ડેટાનું વિશ્લેષણ કર્યા પછી જણાવ્યું હતું કે ચા અથવા કોફીમાં ખાંડ ઉમેરવાથી આરોગ્યને ગણનાપાત્ર પ્રમાણમાં અસર થતી નથી. જોકે, રોજિંદા આહારમાં ગળપણના કારણે દાંતમાં સડો, સ્થૂળતા અને હૃદયરોગ સહિત આરોગ્યની સમસ્યાઓ અવશ્ય સર્જાય છે. આમ છતાં, વધુ ગળપણ સાથેના ચા-કોફી નહિ પીવાં હિતાવહ જ ગણાય. PLOS ONE માં પ્રકાશિત અભ્યાસમાં સંશોધકોએ ડાયાબિટીસ, હૃદયરોગ અથવા કેન્સરના કારણે મોત તેમજ તમામ કારણોસર મોતની ઘટનાઓને ધ્યાનમાં લીધી હતી. અમેરિકન હાર્ટ એસોસિયેશન દ્વારા પુરુષો માટે દિવસની 9 ચમચી અને સ્ત્રીઓ માટે 9 ચમચીનું મહત્તમ પ્રમાણ લઈ શકાય તેમ જણાવાયું છે પરંતુ, લોકો આનાથી વધુ પ્રમાણમાં જ ખાંડનો ઉપયોગ કરે છે. સોડાનું એક જ કેન પીવામાં આવે તો પણ આ મહત્તમ પ્રમાણ વટાવી જવાય છે.