નવી દિલ્હીઃ આખા વિશ્વમાં છેલ્લા એક દાયકામાં ટીબીને કારણે થયેલા મૃત્યુમાં વધારો થયો હોવાનો ચોંકાવનારો અહેવાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા રજૂ કરાયો છે. તેનાં ૨૦૨૧ના ગ્લોબલ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ટીબીને અંકુશમાં લેવામાં અવરોધો સર્જાયા હતા. આના કારણે ગયા વર્ષે ટીબીને કારણે મોટી સંખ્યામાં દર્દીઓનાં મોત થયાં હતાં. કોરોના મહામારીને કારણે સંક્રમિક જીવાણુઓથી થતા આ રોગથી પીડાતા દર્દીઓનું નિદાન પણ ઓછું થઈ શક્યું હતું અને સારવાર પણ ઓછી થઈ હતી. ૨૦૨૧ અને ૨૦૨૨માં ટીબીને કારણે થનાર મૃત્યુનાં પ્રમાણ ઊંચું રહેશે તેવી ભીતિ રિપોર્ટમાં વ્યક્ત કરાઈ છે. ‘હૂ’ના વડા ગેબ્રેસિયસે ટીબીથી મૃત્યુમાં થયેલા વધારાને ચેતવણીજનક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, અમારી આશંકાને ગ્લોબલ ટીબી રિપોર્ટે સાચી ઠેરવી છે. કોરોનાને કારણે ટીબીની સારવારમાં રહેલી ખામીઓ હવે સામે આવી રહી છે.