છેલ્લાં બે વર્ષથી ૨૪ કલાક માથું હલાવ્યા કરતી હતી આ પાંચ વર્ષની બાળકી

Friday 22nd February 2019 07:04 EST
 
 

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડની જર્નલ ઓફ ન્યુરોલોજીમાં ભારતની પાંચ વર્ષની એક બાળકીનો વિચિત્ર કેસ નોંધાયો છે. તેને જન્મથી જ મગજમાં ચોક્કસ ભાગમાં સિસ્ટ-ગાંઠ હતી. આ ભાગમાં સ્પાઈન ફ્લુઈડ હોય છે. શરીરના હલનચલન પર અંકુશ રાખતી નસ પર આ ગાંઠનું દબાણ આવવાથી મગજનો આ હિસ્સો બરાબર કાર્ય કરી શકતો નથી અને પરિણામે ધ્રૂજારી ઉત્પન્ન થાય છે. આ સિસ્ટ-ટ્યુમરમાં ધીમે-ધીમે ફ્લુઇડ ભરાવાના કારણે શરીરના સ્નાયુઓનાં હલનચલનના સંકેતોનું વહન કરતી નસો પર દબાણ આવતું હતું. આ જ કારણોસર વિચિત્ર તકલીફ થતી હતી. તેનું માથું સતત હા પાડતી હોય એમ હાલ્યાં જ કરતું હતું. ગાંઠ વધવાના લીધે છેલ્લાં બે વર્ષથી આ સમસ્યા ખૂબ વકરી હતી અને માથું ધુણાવવાની ગતિ પણ વધતી જતી હતી.
નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના ન્યુરોલોજીના નિષ્ણાતોએ છોકરીને બોબલ-હેડ ડોલ સિન્ડ્રોમ (BHDS) હોવાનું નિદાન કર્યું હતું. જોકે, તેની માનસિક હાલતને કોઈ અસર થઈ ન હતી. જો બાળકી વાતચીત કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરતી હોય ત્યારે તેનું માથું હાલવાનું ઓછું થઈ જતું હતું. તે રાત્રે નિદ્રામાં હોય ત્યારે પણ આ તકલીફ થતી ન હતી. થોડાક દિવસ પહેલાં જ ડોક્ટરોએ તેનાં મગજની સર્જરી કરીને ગાંઠમાં ભરાયેલું પાણી કાઢી નાખ્યું છે એટલે હવે તે માથાને અંશતઃ સ્થિર રાખી શકે છે. જોકે, ફરીથી ગમે ત્યારે એ ગાંઠમાં પાણી ભરાવાનું શરૂ થઈ જશે તો ફરી પણ આ જ સમસ્યા ભવિષ્યમાં પણ થઈ શકે છે. બોબલ-હેડ ડોલ સિન્ડ્રોમના કેસ આંગળીના વેઢે ગણી શકાય એટલા દુર્લભ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter