લંડનઃ નવા ફરજિયાત જાતીય શિક્ષણના અભ્યાસમાં છોકરીઓએ કેવી રીતે અને ક્યારે ગર્ભધારણ કરવો જોઈએ તે શીખવાડવા અગ્રણી ડોક્ટરો, ફર્ટિલિટી એક્સપર્ટ અને કેમ્પેનર્સના જૂથે સરકારને જણાવ્યું હતું.
ફર્ટિલિટી એજ્યુકેશન ઈનિશિએટિવ (FEI) ના જણાવ્યા મુજબ ગર્ભનિરોધક પર પરંપરાગત વિશેષ ધ્યાન અને તરૂણવયે ગર્ભાવસ્થા વિશે ચેતવણીઓને લીધે ઘણી યુવતીઓ એવું માને છે કે તે જ્યારે ઈચ્છશે ત્યારે ગર્ભવતી બની શકશે. હકીકતે NHSના આંકડા દર્શાવે છે કે સાતમાંથી એક યુગલને ગર્ભાધાનમાં ખૂબ તકલીફ પડે છે. મહિલાઓ મોટી ઉંમરે બાળક પેદા કરે છે તે બાબત ચિંતાનો વિષય છે અને અનૈચ્છિક રીતે સંતાનવિહોણા હોવાની પીડાને નજરઅંદાજ કરી શકાય નહીં તેમ શિક્ષણવિદો અને નિષ્ણાતોના જૂથે જણાવ્યું હતું.
યુકેમાં મહિલા માટે માતા બનવાની સરેરાશ વય ૧૯૭૬માં ૨૬ હતી તે વધીને ૩૦ વર્ષ થઈ છે અને ૨૦ ટકા મહિલાને ૪૫ વર્ષ સુધી બાળક હોતું નથી. આમ તો ૨૦થી ૩૫ની વયે બાળક થાય તે ઈચ્છનીય છે. દરમિયાન, તરૂણવયે ગર્ભવતી થવાનો દર ૧૯૯૦ના દાયકામાં હતો તેનાથી ૨૦૧૫માં અડધો થઈને દર હજારે ૨૧ થયો હતો. સરકારે સ્કૂલો, યુથ સર્વિસિસ અને સેક્સ્યુઅલ હેલ્થ ક્લિનિકને સાંકળીને અભિયાન હાથ ધર્યું તેના પરિણામે આ ઘટાડો નોંધાયો હતો.