જરા સાચવજો... કોરોના મોં કે નાક દ્વારા જ નહીં, કાનમાંથી પણ શરીરમાં પ્રવેશી શકે છે

Wednesday 05th August 2020 06:07 EDT
 
 

વોશિંગ્ટન: અત્યાર સુધી વ્યાપક માન્યતા રહી છે કે મહામારી કોરોનાનો વાઇરસ મોં કે નાક માર્ગે જ શરીરમાં પ્રવેશી શકે છે, પરંતુ હવે એક નવું સંશોધન કહે છે કે કોરોના મોં અને નાક ઉપરાંત કાન વાટે પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે. આમ હવે મોં-નાક ઉપરાંત હવે કાન બચાવવાનુ પણ જરૂરી થઈ પડ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓના કાનની વચ્ચે કોરોના વાઇરસની હાજરી નોંધાયા બાદ નિષ્ણાતોએ આ ચેતવણી ઉચ્ચારી છે.
ધ જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશનમાં પ્રસિદ્ધ થયેલાં એક અભ્યાસ પ્રમાણે વૈજ્ઞાનિકોએ કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલાં દર્દીના શરીરનો અભ્યાસ કર્યો હતો. ઓટોપ્સી રિપોર્ટ તપાસીને ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસીનની ટીમે કોરોના શરીરમાં ક્યા પ્રવેશદ્વારથી પ્રવેશે છે તે અંગે રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ અહેવાલ અમેરિકન સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો.
રિપોર્ટમાં દાવો કરાયો હતો કે કોરોના સંક્રમિત દર્દીના કાનની વચ્ચે પણ કોરોના વાઇરસની હાજરી જોવા મળી હતી. અત્યાર સુધી નાક-ગળાના માધ્યમે કોરોના શરીરમાં પ્રવેશે છે એવી વ્યાપક ધારણા હતી, પરંતુ શક્તિશાળી કોરોના વાઇરસ કાનના માધ્યમે પણ શરીરમાં પ્રવેશતો હોવાનું પ્રથમ વખત નોંધાયું હતું.
કોરોના શરીરમાં પ્રવેશ્યા પછી સૌથી પહેલાં ફેફસાંને અસર કરે છે. તે સિવાય દર્દીની ઉંમર પ્રમાણે તે શરીરના ઘણાં અવયવોને અસર કરે છે, પરંતુ તેનું પ્રવેશદ્વાર મોં અને નાક બનતા હતા.
આ બંને પ્રવેશદ્વાર સુરક્ષિત રાખવામાં આવે તો કોરોના શરીરમાં પ્રવેશી શકતો નથી એવી માન્યતા વિશ્વભરમાં હતી. જોકે, હવે સંશોધકો કહે છે કે માત્ર મોં-નાક જ નહીં, હવે કાનની પણ સંભાળ રાખવી જરૂરી છે. કોરોના વાઇરસ શરીરમાં ઘૂસવા માટે કાનને પણ માધ્યમ બનાવી શકે છે.
રિપોર્ટમાં જણાવાયું છે એ પ્રમાણે મોટી વયના દર્દીના કાનની વચ્ચે કોરોના વાઇરસની હાજરી નોંધાઈ હતી. હજુ આ અંગે વધુ સંશોધનને અવકાશ હોવાનું પણ તેમાં કહેવાયું હતું. વયજૂથના આધારે કોરોના કાનને પ્રવેશદ્વાર બનાવતો હોવાની શક્યતા છે. મોં-નાકના માધ્યમે કોરોના શરીરમાં પ્રવેશે છે એટલી સરળતાથી કાન વાટે પ્રવેશી શકતો નથી એવી નોંધ પણ અહેવાલમાં કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter