ટોક્યો: ૬૫ વર્ષનાં અત્સુકો કાસા નિવૃત્ત થયા તો તેમને ઘરમાં બેસીને પૌત્ર-પૌત્રી સાથે રમવાનું બહુ પસંદ પડ્યું નહીં. તેઓ એવી લાગણી પણ અનુભવતાં હતાં કે તેમનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. આથી તેમણે જાપાનના ૭ લાખ બીજા સિનિયર સિટિઝનની જેમ સિલ્વર જિનજાઇ સંગઠનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. હવે તેઓ ફરી કામે ચઢવા માગે છે. કાસા કહે છે કે હાલ હું ૬૮ વર્ષની છું અને આ વય નિવૃત્તિ અથવા ઘરમાં રહીને ભોજન રાંધવાની નથી. હું બીજાની મદદ કરવા ઇચ્છુ છું. સમાજને કંઇક આપવા માગું છું. આથી તેઓ વિક્લાંગોના સંગઠન સાથે જોડાઇ ગયા અને હવે ત્યાં ભોજન રાંધવામાં મદદ કરે છે.
ખરેખર જાપાનનો વર્કફોર્સ વૃદ્ધ થઇ રહ્યો છે. દર ચારમાંથી એક જાપાની ૬૫ વર્ષથી વધુ વયનો છે. આગામી ૧૫ વર્ષમાં દર ત્રણમાંથી એક જાપાની ૬૫ વર્ષથી વધુ વયનો હશે. જાપાનમાં વૃદ્ધોનો વસ્તી દર જર્મનીથી બમણો અને ફ્રાન્સની ચાર ગણો વધી રહ્યો છે. જાપાન સરકારે ફરજિયાત નિવૃત્તિની વય ૬૫થી વધારી ૭૦ કરી દીધી છે.
૧૦૦ વર્ષના વૃદ્વ પણ રજિસ્ટર્ડ
સિલ્વર જિનજાઇ સંગઠનના ચેરમેન તકાઓ ઓકાડાનું કહેવું છે કે દર વર્ષે વધુમાં વધુ વૃદ્વો રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં. છે.
તેમને ત્યાં રજિસ્ટર્ડ સૌથી વધુ વયની વ્યક્તિની ઉંમર ૧૦૦ વર્ષ છે. તેમણે દર અઠવાડિયે ૨૦ કલાક કામ કરવાનું રહે છે. તેઓ ક્લિનર, ગાર્ડનર, રિસેપ્શનિસ્ટ, કારપેન્ટર અને બેબી સિટિંગનું કામ કરે છે.