ટોક્યો: જાપાનમાં કેન્સરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિલિવરી વેળા સર્વાઇકલ કેન્સરથી પીડાતી માતાના ગર્ભાશયમાં શ્વાસ લેતાં સમયે કેન્સરના કોષ જોડિયા બાળકોમાં પહોંચ્યા હતા. પરિણામે જન્મ પછીના કેટલાક વર્ષો બાદ બંને બાળકોને ફેફસાંનું કેન્સર થયું. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં આવા માત્ર ૨૦ કેસ નોંધાયા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન દર ૧૦૦૦ સ્ત્રીઓમાંથી એક મહિલા સર્વાઇકલ કેન્સરથી પીડાઈ રહી હોય છે.
સંતાનો સુધી કેન્સર કઇ રીતે પહોંચ્યું તે સમજવા જેવું છે. ડિલિવરી દરમિયાન બાળક ગર્ભાશયના મુખમાંથી (સર્વિક્સમાંથી) પસાર થાય છે. આ સમયે કેન્સરના કોષો બાળકના શરીરમાં પહોંચ્યા. ડોકટર્સના મતે કેન્સરના કોષો ગર્ભાશયમાં બાળકની આસપાસ જોવા મળતાં એમ્નિયોટિક ફ્લૂઇડ સુધી પહોંચ્યા. ડિલિવરી વેળા બાળક રડ્યું ને શ્વાસ લીધો ત્યારે કેન્સર કોષો ફેફસાં સુધી પહોંચ્યાં હતાં.
૨૩ મહિના પછી બાળકને કેન્સર
મેડિકલ રિપોર્ટ અનુસાર, બાળકના જન્મ પછીના ૨૩ મહિના પછી પહેલા બાળકમાં લંગ કેન્સર જોવા મળ્યું. તે સતત ઉધરસથી પીડાતું હતું. સારવાર લગભગ એક વર્ષ સુધી ચાલી હતી. સર્જરી કરવામાં આવી હતી અને કિમોથેરપી-ઇમ્યુનોથેરપીના ઘણા રાઉન્ડ પછી બાળક કેન્સર મુક્ત થયું હતું. બીજા બાળકને ૬ વર્ષની ઉંમરે છાતીમાં દુઃખાવો શરૂ થયો. આ તપાસમાં ફેફસાંના કેન્સરની પુષ્ટિ થઈ હતી.
ડિલિવરીના બે વર્ષ બાદ માતાનું મૃત્યુ
બાળકને જન્મ આપ્યાના ૨ વર્ષ બાદ માતાનું અવસાન નીપજ્યું. મૃત્યુ પહેલા ડોક્ટર્સે માતાના ટ્યૂમરના સેમ્પલ લીધાં હતાં. આ પછી બાળકોના ટ્યૂમરના નમૂના લઈને જીનોમ સિક્વિન્સીંગ કરવામાં આવ્યું હતું. બંનેમાં હ્યુમન પેપિલોમા વાઇરસ જોવા મળ્યો હતો, જે સર્વાઇકલ કેન્સરનું સૌથી મોટું કારણ છે.
સર્વાઇકલ કેન્સર એટલે શું?
મેડિકલ ઓન્કોલોજીના નિષ્ણાતો કહે છે કે હ્યુમન પેપિલોમા વાઇરસ સર્વાઇકલ કેન્સરનું કારણ છે. એક કરતાં વધારે પાર્ટનર સાથે સંબંધ રાખવાથી વાઇરસથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે. સેક્સ દરમિયાન જો યોનિમાંથી કોઈ રક્તસ્રાવ, વધારે લિક્વિડ ડિસ્ચાર્જ, ગંધ અને દુખાવો થતો હોય તો એલર્ટ થઈ જાઓ અને સત્વરે તબીબી ચકાસણી કરાવી લો તે જરૂરી છે.