નિવૃત્ત થયા બાદ એટલે કે જીવનની બીજી ઇનિંગને વડીલો ઇચ્છે તો અત્યંત સ્વસ્થતાથી અને ખૂબ સારી રીતે જીવી શકે છે. જે તેમના પોતાના માટે અને સમાજ માટે પણ ફાયદારૂપ છે. જોકે આ બીજી ઇનિંગ ઉલ્લાસ અને આનંદભેર જીવી શકાય તે માટે કેટલીક બાબતોને રોજિંદા જીવનમાં અપનાવવી જરૂરી છે. કઇ બાબતો છે આ? આવો, જાણીએ.
• અફસોસ ન કરો
ઘણા લોકો કહેતા હોય છે કે મારે આ કામ કરવું હતું, પણ ન થયું. મેં આમ ન કર્યું હોત અથવા મેં આમ કર્યું હોત તો આજે જિંદગી કંઇક અલગ જ હોત. આવો અફસોસ ન કરવો હોય તો એટલી ચોકસાઇ કરી લો કે તમે જે કંઇ કામ કરો છો તે શ્રેષ્ઠ કરો છો. તમારા તરફથી સારામાં સારી રીતે કામ કરો છો. મન સ્વસ્થ હશે તો તન પણ આપોઆપ સ્વસ્થ રહેવાનું જ. કેટલીક જૂની બાબતો અને કેટલીક નવી બાબતોથી તમે સ્વસ્થ જીવન જીવી શકો છો. જીવનને ભરપૂર માણો. આ માટે મહત્ત્વનું છે કે તમારાથી શક્ય એટલી સારી રીતે જીવો. હકારાત્મક જીવનશૈલી અપનાવો. જો કોઇ ઇચ્છા હોય જેમ કે પ્રવાસે જવું, રમતગમતમાં ભાગ લેવો, નવી હેરસ્ટાઇલ અપનાવવી વગેરેને આ બીજી ઇનિંગમાં પૂરી કરી શકો છો. લોકોની ચિંતા છોડો, મનગમતું કાર્ય કરો.
• સંબંધોને સારા બનાવો
ઘણા વડીલો કહે છે કે અમે તો અમારા બાળકો અને તેમનાં બાળકોનું જીવન જીવીએ છીએ અને તેમની સાથે અમારી સ્મૃતિ બનાવીએ છીએ. સ્વજનો સાથે અવિસ્મરણીય સ્મૃતિઓ જળવાઇ રહે તેના પર ધ્યાન આપો. સારા સંબંધો બનાવો. વય વધવાની સાથે જરૂરિયાતો બદલાય છે તેમ અત્યારની પેઢી સાથે ક્લેશ થાય છે. જોકે આવું ન થવા દેતાં ધીરજ ધરો, જતું કરો, માફ કરો અને સારા સંબંધો બાંધો. નવી પેઢીને પણ કોઇની સાથે વાત કરવાની જરૂર પડે છે. એવામાં વડીલો તેમના સારા સાથીદારા સાબિત થઇ શકે છે. વડીલો જો અત્યારની પેઢીને સમજશે તો તેઓ પણ વડીલોની ચિંતાઓ અને સમસ્યાઓને સમજશે.
• ભાવિનો વિચાર કરો
જીવનની આ બીજી ઇનિંગ સાચા અર્થમાં વડીલો માટે સોનેરી સમય સમાન છે. ક્યારેય એવું ન માની લો કે તમે બધું જ જોઇ લીધું છે, જીવી લીધું છે અને બધા કામ કરી ચૂક્યા છો. કાયમ કંઇક તો એવું હોય જ છે જે કોઇએ જોયું, કર્યું કે અનુભવ્યું નથી. પરિવાર સાથે મળીને ભરપૂર આનંદ માણો. આવા પ્રસંગો સુખદ સ્મૃતિ બને છે અને સ્વજનોને તે કાયમ યાદ રહે છે. શારીરિક રીતે સ્વસ્થ રહેશો, તો તમે ઇચ્છો તે સૌની સાથે મળીને ખાઇ શકો. એક વાત યાદ રાખો કે રોજ કંઇક તો એવું હોય છે જે તમને આગળ વધારે છે અને તમારી યાદગાર પળોમાં વધારો કરે છે.
• યોજના બનાવો
જ્યારે તમે આ દુનિયામાં ન હો ત્યારે પરિવારને કોઇ કારણસર સહન કરવું પડે એવું ન કરો. ભલે સંતાનો પાસે બધું હોય, પણ તમારી ગેરહાજરીમાં જેને જે વસ્તુની જરૂર હોય તે મળી જાય તે માટે વીલ બનાવો. આથી તમે જે કંઇ મૂડી એકત્રિત કરી છે, તે તમારી ગેરહાજરીમાં તમે ઇચ્છતા હો, તેને મળવામાં સરળતા રહેશે અને પરિવારમાં કોઇ મતભેદ પણ નહીં થાય. પરિવારને તમારા રોકડ વ્યવહાર અંગેની જાણકારી હંમેશા આપી રાખો.
જીવનની આ બીજી ઇનિંગને શાંતિપૂર્વક જીવવાનો શ્રેષ્ઠ માર્ગ એ જ છે કે કોઇ પ્રકારના નિયમો અથવા ફરજો કોઇના પર ન લાદો. તમે ખુદ પણ મુક્ત મને જીવો અને સંતાનોને - પરિવારજનોને પણ તેવી જ સ્વતંત્રતા આપો.