જિનેટિક ડિસીઝ સાથેના ટેમી બ્લેક તો ૨૦૧૩થી લોકડાઉનમાં જ જીવે છે

Wednesday 24th March 2021 06:49 EDT
 
 

લેસ્ટરઃ ગયા વર્ષથી કોરોના વાઈરસે આપણને ઘરમાં રહીને જ ઓફિસનું કામ કરવું અને બહાર જવા પર પ્રતિબંધ સાથે લોકડાઉનમાં રહેતા શીખવી દીધું છે. જોકે, પૂર્વ હેલ્થ વર્કર ૩૪ વર્ષીય મહિલા ટેમી બ્લેક તો છેક ૨૦૧૩થી લોકડાઉનમાં જ જીવી રહ્યાં છે. તેઓ અસામાન્ય જિનેટિક અવસ્થા ઈઓસિનોફીલિક ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ (eosinophilic gastroenteritis)થી પીડાય છે. આ સ્થિતિમાં હોજરીમાં ભયંકર પીડા થાય છે જેના કારણે બેભાન થઈ જવાય છે.

લેસ્ટરશાયરના બ્રાઉનસ્ટોન ટાઉનમાં રહેતાં ટેમી બ્લેક આના કારણે ૨૦૧૩થી નોકરીએ જઈ શકતાં નથી અને ઘરની બહાર પણ નીકળી શકતાં નથી. તેઓ બાલ્યાવસ્થામાં હતાં ત્યારથી જ આંતરડામાં સોજા, ઉલટી, ઝાડા અથવા સખત પીડા જેવાં લક્ષણો હતાં પરંતુ, તેને હોજરીમાં જંતુઓ અથવા ઈરિટેબલ બોવેલ સીન્ડ્રોમ (IBS)નો કેસ ગણાયો હતો. એક દાયકા અગાઉ જ તેમના આનુવાંશિક રોગનું નિદાન થયું હતું. તેમના પરિવારના અન્ય સભ્યોને પણ આ બીમારી છે પરંતુ, ટેમી જેટલી તીવ્ર નથી.

ઈઓસિનોફીલિક ગેસ્ટ્રોએન્ટેરાઈટિસની કોઈ સારવાર નથી. તેમને સ્ટેરોઈડ્સ જ આપવામાં આવે છે જેના લીધે વજન પણ વધી જાય છે. ટેમી બ્લેકને વારંવાર હોસ્પિટલની મુલાકાત લેવી પડે છે અને તેમને રોગનો હુમલો ક્યારે આવશે તેની ખબર પણ પડતી નથી. તેમના પેટમાં ખોરાક ટકતો જ નથી જેના પરિણામે ઈમ્યુન સિસ્ટમ પણ નબળી પડી છે. આ ઉપરાંત, તેઓ અનેક એલર્જીનો પણ શિકાર છે જેથી ખાવામાં પણ કાળજી રાખવી પડે છે કારણકે એલર્જીયુક્ત ખોરાકને અડવા માત્રથી પીડાના હુમલા આવી જાય છે. તેઓ લાંબો સમય ઉભાં પણ રહી શકતાં નથી.

ટેમી ભવિષ્યમાં કામકાજ કરી શકશે નહિ અને તેમને લોકો પર આધારિત રહેવાનું હોવાથી તેઓ ભારે ડીપ્રેશન અને ચિંતાતુરતા પણ અનુભવે છે. હાલ તેઓ ઘરમાં માતા અને પાર્ટનર રિચ સાથે રહે છે અને તેમને કદી ઘરની બહાર નીકળવાનું થાય તો એક વ્યક્તિએ તેમની સાથે જ રહેવું પડે છે. તેઓ મોટા ભાગનો સમય ગાર્ડનમાં અને મૂવીઝ નિહાળવા કે વાંચનમાં જ વીતાવે છે. તેમની પરિસ્થિતિ એટલી દયાજનક છે કે પથારીમાં સૂતાં સૂતાં પણ હોજરીની તીવ્ર પીડાનો હુમલો આવી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter