જીવંત માનવીના ફેફસાંમાથી માઈક્રોપ્લાસ્ટિક્સ રજકણો મળી આવ્યા

Wednesday 13th April 2022 02:36 EDT
 
 

લંડનઃ સૌપ્રથમ વખત જીવંત માનવીના ફેફસાંમાથી માઈક્રોપ્લાસ્ટિક્સ રજકણો મળી આવ્યા છે જેનો અર્થ એ થાય છે કે આપણે તેને હવામાંથી શ્વાસમાં લઈએ છીએ. ફેફસાનાં 13 ટિસ્યુઝ સેમ્પલમાંથી 11 સેમ્પલમાં 39 માઈક્રોપ્લાસ્ટિક્સ રજકણો વિજ્ઞાનીઓને મળ્યાં હતાં. આ રજકણો મુખ્યત્વે પેકેજિંગ, બોટલ્સ, કલોધિંગ અને દોરડાં સહિતના 12 પ્રકારમાંથી મળે છે. મહિલાઓની સરખામણીએ પુરુષના સેમ્પલ્સમાંથી માઈક્રોપ્લાસ્ટિક્સનું વધુ પ્રમાણ જણાયું હતું.

યુનિવર્સિટી ઓફ હલ અને હલ યોર્ક મેડિકલ સ્કૂલના સંશોધકોને સૌપ્રથમ વખત જીવંત માનવીના ફેફસાના ટિસ્યુઝમાં માઈક્રોપ્લાસ્ટિક્સ કણો જોવા મળ્યા હતા. અગાઉ માનવીના મૃતદેહની ઓટોપ્સી સમયના સેમ્પલ્સમાં પાર્ટિકલ્સ મળ્યા હતા પરંતુ, જીવંત માનવીના ફેફસામાંથી આ પ્રથમ વખત મળ્યા છે. આ પહેલા માનવીના લોહીમાંથી પણ માઈક્રોપ્લાસ્ટિક્સ કણો મળ્યા હતા. સંશોધકોનું કહેવું છે કે શ્વાસમાં લેવાતી હવા વાટે અતિ સુક્ષ્મ પ્લાસ્ટિક કણ ફેફસાંમાં પહોંચે છે.

‘સાયન્સ ઓફ ધ ટોટલ એન્વિરોન્મેન્ટ’ જર્નલમાં પ્રસિદ્ધ સંશોધન મુજબ ફેફસાંના સૌથી ઊંડા સેક્શનમાં મળેલા પ્લાસ્ટિક કણના ડાયામીટર- વ્યાસ ઈંચના 0.2 હિસ્સા (5mm)થી પણ ઓછો હતો. ફેફસાના એરવેઝ અતિ સુક્ષ્મ હોવાથી ત્યાં આ પ્રકારના કણ મળી આવવા અશક્ય મનાતું હતું. આપણા શ્વસનસંત્રના આરોગ્ય પર આ કણોની અસરનો હવે અભ્યાસ કરાશે.

આપણાં જીવનમાં અતિ સુક્ષ્મ પ્લાસ્ટિક કણો એટલી હદે વણાઈ ગયા છે કે આપણે દરરોજ 7000 જેટલાં માઈક્રોપ્લાસ્ટિક્સ શ્વાસમાં લઈએ છીએ જે અપેક્ષા કરતાં 100 ગણાં વધુ છે. નિષ્ણાતો કહે છે કે એસ્બેસ્ટોસ અને તમાકુ શ્વાસમાં લેવાય છે તેની માફક જ પ્લાસ્ટિકના રજકણો પણ આરોગ્ય માટે જોખમી બની રહેશે. 10 માઈક્રોન્સથી ઓછાં કદના પાર્ટિકલ્સના અભ્યાસમાં માનવીય વાળની પહોળાઈના દસમા ભાગ જેટલી સુક્ષ્મતાને માપી શકે તેવાં અતિ સેન્સિટીવ ઉપકરણનો ઉપયોગ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter